Friday, April 25, 2014

સાવજોનાં ઘરમાં ફરી ભીષણ આગ, વન્ય સૃષ્ટિનો નાશ.

સાવજોનાં ઘરમાં ફરી ભીષણ આગ, વન્ય સૃષ્ટિનો નાશ
Bhaskar News, Lilia | Apr 12, 2014, 00:07AM IST
- આફત : ક્રાંકચ નજીક બાવળની કાંટમાં દવ લાગતા મોટા પ્રમાણમાં વન્ય સૃષ્ટિનો નાશ
-
સાત હજાર વિઘાથી વધુ વિસ્તારમાં ૨૪ કલાકથી અવિરત આગ
- જાણી જોઇને દવ લગાડાયાની આશંકાએ તપાસની માંગ


૩પથી વધુ સાવજોનો જ્યાં કાયમી વસવાટ અને અવર જવર રહે છે તે લીલીયા તાલુકાના ક્રાંકચની સીમમાં આજે ફરી એકવાર બાવળની કાંટમાં ભીષણ દવ ભભુકી ઉઠયો હતો. ૨૪ કલાકથી વધુ સમયથી ચાલી રહેલા આ દવના કારણે મોટા પ્રમાણમાં વન્ય સૃષ્ટિનો નાશ થયો હતો. રાત્રે આ દવે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો પરંતુ અત્યાર સુધીમાં સાતેક હજાર વિઘામાં આ દવ ફેલાઇ ચુક્યો હોવાનું કહેવાય છે.

લીલીયા પંથકમાં સાવજોનું ઘર જાણે સલામત રહ્યુ નથી. બૃહદ ગીર વિસ્તારમાં આવતા લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં સાવજોનો વસવાટ છે. અહિં બાવળની ઝાડીઓ વ્યાપક પ્રમાણમાં છે અને અહિં મોટુ મોટુ ઘાસ પણ ઉગી નિકળે છે. પરંતુ હવે તેમાં દવની ઘટનાઓ વધવા માંડી છે. ગઇરાત્રે ક્રાંકચની સીમમાં શેઢાવદર તરફથી દિશામાં ભયંકર દવ ફાટી નિકળ્યો હતો. આ દવના કારણે અહિં બાવળના જંગલને અને ઘાસચારાને અને સાથે સાથે વન્ય સૃષ્ટિને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ હતું. આજે આખો દિવસ આ દવ સતત ચાલુ રહ્યો હતો.
આગળ વાંચો ઇરાદાપૂર્વક દવની આશંકા-આરએફઓ

દવની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થાનીક આરએફઓ પી.બી. અગ્રવાલ, ફોરેસ્ટર બી.એમ. રાઠોડ, બીટગાર્ડ બીપીનભાઇ ત્રિવેદી વિગેરેએ અન્ય લોકોની મદદ લઇ આગ પર કાબુ મેળવવા માટે ભરપુર પ્રયાસો કર્યા હતાં. સાંજ સુધીમાં મોટા ભાગના દવ પર કાબુ આવી ગયો હતો. પરંતુ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાત્રે આ વિસ્તારમાં ફરી દવનું નિકરાળ સ્વરૂપ જોવા મળ્યુ હતું. અહિંની આગે વધુને વધુ વિસ્તારોને પોતાની ઝપેટમાં લીધા હતાં. રાત સુધીમાં અહિં સાતેક હજાર વિઘામાં વન્ય સૃષ્ટિ નાશ પામી હતી. ખાસ કરીને અહિંનું સુકુ ઘાસ સંપૂર્ણ રીતે બળીને રાખ થઇ ગયુ હતું. બાવળની ઝાડીને નુકશાન થયુ હતું. એટલુ જ નહી જીવજંતુ, સર્પકુળના પ્રાણીઓ અને પક્ષીઓના માળાનો મોટા પ્રમાણમાં નાશ થયો હતો.

આ વિસ્તારમાં ૩પથી વધુ સાવજોનો વસવાટ છે. આગની ઘટનાને પગલે સાવજો જો કે અહિંથી દુર નિકળી જાય છે. પરંતુ હાલમાં સાવજોના નાના બચ્ચાઓ પણ હોવાથી દવની વારંવારની ઘટનાએ સિંહપ્રેમીઓમાં ચિંતા પ્રસરાવી છે. વળી દવના કારણે સાવજો પણ વ્યાકુળ બની જતા હોય સીમ વિસ્તારમાં કામ કરતા લોકો માટે સાવજો જોખમી બની જાય છે. અહિં મહદ અંશે માલીકીના બીડ અને પડતર જમીનો આવેલી છે જેમાં આ દવ લાગ્યો હતો.ટુંકાગાળામાં ત્રણ વખત લાગ્યો દવ

લીલીયાના ક્રાંકચની સીમમાં પાછલા એક પખવાડીયામાં જ દવની આજે ત્રીજી ઘટના બની હતી. તા. ૩૧/૩ના રોજ ક્રાંકચની સીમમાં ભોળાભાઇના પટ વિસ્તારમાં દવ લાગતા પ૦૦ વિઘામાં તે પ્રસર્યો હતો. આવી જ રીતે તા. ૬/૪ના રોજ નાના લીલીયા વીડી, નાળીયરો અને શેઢાવદર વિસ્તારમાં દવ લાગતા ૪૦૦ વિઘામાં વન્ય સૃષ્ટિ નાશ પામી હતી.

ઇરાદાપૂર્વક દવની આશંકા-આરએફઓ
લીલીયાના આરએફઓ બી.પી. અગ્રવાલે જણાવ્યુ હતું કે વહેલી સવારથી તંત્ર દવ ઓલવવાના કામમાં લાગ્યુ હતું. સાંજે મહદ અંશે દવ ઓલવવામાં સફળતા મળી હતી. જો કે રાત્રે ફરી દવ લાગ્યો હતો. કોઇએ ઇરાદાપૂર્વક દવ લગાડયાની આશંકા હોય તેની તપાસ કરાશે.

ફાયર લાઇન બનાવવા માંગ
આ વિસ્તારમાં દવની ઘટનાઓ વારંવાર બની રહી હોય ઠેર ઠેર ફાયર લાઇન બનાવવા માંગ ઉઠી છે. જેવી રીતે જંગલમાં વનતંત્ર દ્વારા ફાયર લાઇન બનાવવામાં આવે છે અને જેનાથી દવની ઘટના વખતે તેને કાબુમાં લેવા તે ઉપયોગી થાય છે તેવી જ રીતે સાવજોના આ ઘરમાં પણ ફાયર લાઇન બનાવવા માંગ ઉઠી છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-fire-in-jungle-lion-threat-4578249-PHO.html?seq=3

No comments: