
જ્યારે શ્રી ભૂપતરાય વૈષ્ણવ કાઠિયાવાડ એજન્સી વકીલે સંવત 1957માં લખ્યા મુજબ મહાલ ગીરનું ક્ષેત્રફળ 800 ચોરસ માઈલનું હતું. જેની ઉત્તરે બગડુ અને વિસાવદર મહાલ અને ગાયકવાડી મુલકનો ભાગ આવેલ. પૂર્વઊના મહાલનો ભાગ આવેલ. દક્ષિણે ઊના મહાલનો ભાગ, કોડીનાર પ્રગણું અને સુત્રાપાડા અને પાટણ મહાલો, પશ્ચિમે માળિયા તથા તાલુકો મેંદરડા આવેલા હતા.
ગીર મહાલનું મુખ્ય સ્થળ સાસણ હતું, જ્યાં વહીવટદારની તથા મુનસિફ અને પોલીસ ફોજદારની કચેરીઓ રહેતી, સાસણ નામ સંસ્કૃત ‘શાસન’ એટલે શિક્ષા ઉપરથી પડેલ હશે એમ તે વખતનું એક અનુમાન હતું. કેમકે આગળના વખતમાં રાજ્યના ગુનાહિતોને આ સ્થળે શિક્ષા ભોગવવા મોકલતા, એમ કહેવાય છે. ગીર મહાલમાં તે વખતે પણ નેસડા વસેલા હતા. અને માલધારીઓ થોડી મુદત માટે પોતાના ઢોરોની ચરાઈ આવીને વસતા.
પરંતુ સ્વતંત્રતા પછી ગીરનો કારભાર સરકાર હસ્તક આવ્યો, અને ગીરમાં પહેલાના કરતાં વધુ માલધારી ઘૂસી ગયા તેમજ દર વર્ષે 50,000થી લાખેક જેટલા ગીર બહારના ઢોર વરસાદ પછી અંદર આવી જતા જો કે 1968 થી બહારના ઢોરોને અંદર પ્રવેશ માટે બંધી કરવામાં આવેલ, પરંતુ 1974 સુધી તેનો અમલ નહોતો થયો.
હવે સ્વતંત્રતા પછીનો 1974 સધીનો આ સમય ગીર માટે કપરો રહેલ (કપરો તો શું પરંતુ ભયાનક રહ્યો હશે) આ અરસામાં વરસાદ પછી ગીરમાં આવનાર ઢોર બે મહિનામાં જ બધી લીલોતરી, ચારો સફાચટ કરી જતા અને બાકી રહેનાર આખા વર્ષ દરમ્યાન ગીર જંગલના તૃણભક્ષી વન્યપ્રાણીઓ માટે ચારો રહેતો જ નહીં. વધુ વરસો જતા, ધીરેધીરે ગીરમાંથી સારો (પેલેટેબલ) ચારો-ઘાસ નાના છોડ નષ્ટ થઈ તેની જગ્યાએ (અનપેલેટેબલ) ખરાબ, આરોગી ન શકાય તેવો ચારો વધવા લાગ્યો. આમાં મુખ્ય હતા કુવાડીયું, ગોખરૂ, કુબડો, લેન્ટોના અને ઘાસમાં ઈરેગ્રોસ્ટીસ, એરીસ્ટીડા, મેલેનો સેંક્રસ, હેટરો પોગોન વિગેર. શ્રી ટી.બી.એસ. હોડ ના અભ્યાસમાં જણાવ્યા મુજબ 1265 ચો.કી.ના ગીર વિસ્તારમાં લગભગ 1100 ચો.કી. વિસ્તાર (1970 સુધીમાં) બહુ જ ખરાબ રીતે રીબાયેલ અને વધુ ચરિયાણ થયેલ જણાયેલ.
ગલની વનસ્પતિની તંદુરસ્તી, સારી જાતોની અસર વન્ય પ્રણીઓનાં સંવર્ધન તેમના પ્રજનન અને પોપ્યુલેશન ડાયનેમિક્સ પર સીધી રીતે થતી હોય છે. આમ ઢોરોના ચરીયાણ ને લીધી ગીરમાં ખરાબ વનસ્પતિનો વધારો થવાથી તૃણભક્ષી વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટોડો થતો રહ્યો. જેને લીધે તેના ઉપર આધાર રાખનાર માંસાહારી પ્રાણીઓ જેવા કે સિંહની સંખ્યામાં પણ જરીકે વધારે નોંધાયો નહોતો. આમ 1974માં થયેલ ગીરની વન્ય પ્રાણી ગણત્રીમાં ચિત્તલની સંખ્યા 4517 ઉપર સ્થિર રહેલ, જ્યારે સાબર 651 અને સિંહ 177 જેટલા ગણાયેલ. આ અરસામાં 1967થી 1970 સુધીમાં વિદેશના વિખ્યાત વન્યપ્રાણી વિશેષજ્ઞો એ ભારત સરકારને ગીરને બચાવવા અપિલ કરેલ એમાં મુખ્ય હતા ગાય મોન્ટફોર્ડ, ઈન્ટરનેશનલ ટ્રસ્ટી, વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફન્ડ, જ્યોર્જ સેલર, ટાલ્બોટ વિગેરે
આ પછી મોન્ટોફોર્ડના સૂચન ઉપર એક પ્રોજેક્ટ. ગીર ઈકોલોજીકલ પ્રોજેક્ટ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ દરમ્યાન થયેલ ત્રણ વર્ષના અભ્યાસમાં જે તારણો કાઢવામાં આવ્યા, અને સૂચનો રેકોમેન્ડેશન થયા તે વનખાતા દ્વારા અમલમાં મુકાયા. તેમા મુખ્ય તો અભ્યારણ્યને ફરતે પથ્થરની દીવાલ, માલધારીના સ્થળાતંરનો કાર્યક્રમ, બહાના ઢોરોને બંદી વિગેરે. આની અસર 4-5 વરસમાંજ ચોક્ખી રીતે જોવા મળી. અને 1979, 1984ની પ્રાણી ગણત્રીમાં ચિત્તલ, સાબર અને સિંહની સંખ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ જોવા મળી.
વચ્ચેના ગાળામાં અર્ધા જેટલા માલધારી અને તેમના ઢોર બીજે વસાવવામાં આવ્યા. બહારના ઢોર આવતા બંધ થયા. એટલે કે જે કાંઈ થોડા બહુ ચોરી છુપી થી ઘૂસી જતા હશે તેજ. આની અસર એ થઈ કે સારી જાતની વનસ્પતિ પાછી આવવા લાગી અને અભયારણ્યની તંદુરસ્તી ઘણી સુધરી. હાલની પરિસ્થિતિમાં ચિત્તલની સંખ્યા 4500થી વધીને લગભગ 45000 જેટલી થઈ છે. સિંહની સંખ્યા 177થી વધીને 300 ઉપર ગઈ છે. આ કાંઈ નાનીસુની સિધ્ધિ નથી. ભાગ્યેજ અન્ય કોઈ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવી ગજબની પરિસ્થિતિ સુધરી હોય. ગીર સમયસરના પગલાંને લીધે બચી જવા પામેલ છે. પરંતુ ગીર માટે હજુ ઘણી મઝલ કાપવાની છે. અને આ તબક્કે આપણે ચેતના નહીં રહીએ તો પાછી ‘ભયજનક’ સ્થિતિમાં પહોંચી જઈશું.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-special-story-of-gujrat-gupshup-gir-4588802-PHO.html?seq=5
No comments:
Post a Comment