Wednesday, April 30, 2014

ગીરપૂર્વમાં ૨૦૦ કૃત્રિમ પાણીના પોઇન્ટ વન્યપ્રાણીઓની તરસ છીપાવે છે.

ગીરપૂર્વમાં ૨૦૦ કૃત્રિમ પાણીના પોઇન્ટ વન્યપ્રાણીઓની તરસ છીપાવે છે
Bhaskar News, Amreli | Apr 30, 2014, 01:49AM IST
- વનવિભાગ દ્વારા પવનચકકી, હેન્ડપંપ અને ટેન્કર દ્વારા નિયમિત પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યાં છે

ઉનાળો તેનો આકરો મિજાજ બતાવી રહ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયા છે. ત્યારે ધોમધખતા તાપથી વન્યપ્રાણીઓ પણ હેરાન પરેશાન બની ગયા છે. ઉનાળામા વન્યપ્રાણીઓને પીવાનુ પાણી મળી રહે તે માટે વનવિભાગ દ્વારા અગાઉથી જ ૨૦૦ જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરી દેવામા આવ્યા છે. આ પોઇન્ટમા પવનચકકી, હેન્ડપંપ અને ટેન્કર દ્વારા નિયમિત પાણી ભરવામા આવી રહ્યું છે. જંગલમા સિંહ, દિપડા સહિ‌તના વન્યજીવો આ કૃત્રિમ પાણીના પોઇન્ટ મારફત પોતાની તરસ છીપાવી રહ્યાં છે. ગીરપુર્વનો વિસ્તાર પણ ઘણો જ મોટો છે.

અહી સિંહ, દિપડા સહિ‌ત અનેક વન્યપ્રાણીઓ, પક્ષીઓ વસવાટ કરે છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં લીલીયાના બૃહદગીર વિસ્તારમાં પણ અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે આ ઉપરાંત દરિયાકાંઠાના રાજુલા જાફરાબાદ સહિ‌તના વિસ્તારોમાં પણ હવે તો અનેક વન્યપ્રાણીઓ આંટાફેરા મારતા નજરે પડે છે. વનવિભાગ દ્વારા ઉનાળામા વન્યપ્રાણીઓને પીવાનુ પાણી મળી રહે તે માટે અગાઉથી જ વ્યવસ્થા કરી દેવામા આવી છે. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે વન્યપ્રાણીઓને પીવાના પાણીની શોધમા આમથી તેમ ભટકવુ ન પડે તે માટે ગીરપુર્વમા જુદાજુદા વિસ્તારોમાં ૨૦૦ જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરી દેવામા આવ્યા છે. જેમાં પવનચકકી તેમજ હેન્ડપંપ મારફત નિયમિત પાણી ભરવામા આવી રહ્યું છે. આ ઉપરાંત ટેન્કર મારફત પણ પાણીના પોઈન્ટ ભરવામા આવી રહ્યાં છે. સાવરકુંડલાના નાની વડાલ, હિ‌પાવડલી, આંબરડી, છતડીયા, જસાધાર તેમજ તુલશીશ્યામના પીપળવા રાઉન્ડ સહિ‌તના વિસ્તારોમાં આવા કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવામા આવ્યા છે.

No comments: