Friday, April 25, 2014

જાપોદર અને ખાખબાઇમાં ગીધની વસાહત થઇ નામશેષ.

જાપોદર અને ખાખબાઇમાં ગીધની વસાહત થઇ નામશેષ
Bhaskar News, Amreli | Apr 13, 2014, 00:04AM IST
- સફેદ પીઠવાળા ગીધની રક્ષામા વનતંત્ર સદંતર નિષ્ફળ : નાગેશ્રીની વસાહતમા પણ જુજ ગીધ બચ્યા

સરકાર વન્યજીવ સૃષ્ટિના જતન માટે કરોડોનો ખર્ચ કરી રહી છે. પરંતુ વન્યજીવ સૃષ્ટિની અનેક પ્રજાતિઓ આટલા મોટા ખર્ચ બાદ પણ નામશેષ થઇ રહી છે. અમરેલી જિલ્લામાં જોવા મળતા સફેદ પીઠવાળા ગીધ પણ હવે નામશેષ થવાની દિશા તરફ જઇ રહ્યાં છે. મોટાભાગની જગ્યાઓમાથી નામશેષ થયેલા આ ગીધ નાગ્રેશ્રી, ખાખબાઇ અને જાપોદરમા ખુબ જ ઓછી સંખ્યામા જોવા મળતા હતા. જેમાથી હવે ખાખબાઇ અને જાપોદરમા પણ હવે આ ગીધ જોવા મળતા નથી. માત્ર નાગેશ્રીમા થોડાઘણા ગીધ બચ્યા છે.

જો તંત્ર દ્વારા ધ્યાન નહી અપાય તો તેને બચાવવા પણ મુશ્કેલ થશે. ગીર લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા દ્વારા આજે આ બારામાં રાજયના મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજુઆત કરવામા આવી હતી. રજુઆતમાં તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાતમા ગીધની પ્રજાતિને બચાવવા માટે ખુબ જ નકકર કાર્યવાહીની જરૂરિયાત છે. ગુજરાતમા સફેદ પીઠવાળા ગીધ અને ડાકુ ગીધ (કિંગ વલ્ચર) જોવા મળે છે.

અમરેલી જિલ્લામાં અગાઉ નાગેશ્રી, ખાખબાઇ, જાપોદર અને હનુમાનગાળાની જગ્યામા સફેદ પીઠવાળા ગીધોની વસાહતો બચી હતી. જયારે અન્ય જગ્યાએથી આ ગીધો નામશેષ થઇ ગયા હતા. આ ચાર વસાહતોમા બાકી બચેલા ગીધને બચાવી લેવા માટે પાછલા કેટલાક સમયથી પ્રકૃતિપ્રેમીઓ દ્વારા વારંવાર તેમનુ ધ્યાન દોરવામા આવતુ હતુ. પરંતુ હવે આ વસાહતોમા પણ આ ગીધને બચાવવામા નિષ્ફળતા મળી છે.

હાલમાં ખાખબાઇ અને જાપોદરની વસાહતોમા આ ગીધ જોવા મળતા નથી. માત્ર નાગેશ્રીની વસાહતોમાં થોડીઘણી સંખ્યામા આ ગીધ જોવા મળી રહ્યાં છે. લાયન નેચર ફાઉન્ડેશનના હેમાંગ ટાંક અને અશોક સાંખટની જાત તપાસમા આ સ્થિતિ જોવા મળી હતી. જો બાકી બચેલા ગીધને બચાવવા માટે અસરકારક પગલા નહી લેવાય તો બાકી બચેલા ગીધ પણ નામશેષ થઇ જશે.

કેટલા ગીધ હતા આ વસાહતોમા

અગાઉ નાગેશ્રીની વસાહતમા ૪પ ગીધ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ખાખબાઇની વસાહતમા ૩૬ ગીધ અને જાપોદરની વસાહતમા ૨૨ ગીધ જોવા મળ્યા હતા. પરંતુ વનવિભાગની દેખરેખના અભાવે હવે જાપોદર અને ખાખબાઇમા ગીધ જોવા મળતા નથી.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-threat-to-indian-vultures-from-cattle-4579197-NOR.html

No comments: