Thursday, July 30, 2015

અમરેલી પંથકમાં બે દીપડાના મોત : એક બચ્ચાને બચાવી લેવાયું.


અમરેલી પંથકમાં બે દીપડાના મોત : એક બચ્ચાને બચાવી લેવાયું

  • Bhaskar News, Dhari
  • Jul 15, 2015, 01:56 AM IST
- કુંકાવાવ હડાળા વચ્ચે દીપડાનું સર્પદંશથી મોત : ગીર પૂર્વની પાણીયા રેંજમાં નદીના પટ્ટમાં એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો

ધારી : ગીરપુર્વના પાણીયા રાઉન્ડમાં નદીના પટ્ટમા એક દિપડાનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. દિપડાના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. જયારે વડીયાના તોરી રામપર ગામે વાડીમાં આવેલ કુવામા એક દિપડીનુ બચ્ચુ પડી જતા અહી વનવિભાગની રેસ્કયુ ટીમ દોડી ગઇ હતી અને દિપડીના બચ્ચાને સહિ સલામત કુવામાથી બહાર કાઢી બચાવી લીધુ હતુ. દિપડાનો મૃતદેહ મળી આવવાની આ ઘટના ગીરપુર્વના પાણીયા રાઉન્ડમાં બની હતી.
 
અહી નદીના પટ્ટમાં એક દિપડાનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા ડીએફઓ અંશુમન શર્મા, એસીએફ મુની સહિત સ્ટાફ અહી દોડી ગયો હતો અને મૃતદેહને કબજે લીધો હતો. બાદમાં ડો. હિતેષ વામજા દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. દિપડાના મોતનુ કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળી શકશે. અન્ય એક ઘટનામાં વડીયાના તોરી રામપર ગામે આવેલ પ્રાગજીભાઇ નામના ખેડૂતની વાડીમાં કુવામા એક દિપડીનુ બચ્ચુ પડી ગયુ હતુ. આ અંગે વનવિભાગને જાણ થતા રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા, સમીર દેવમુરારી, અમીત ઠાકર સહિત અહી દોડી ગયા હતા. દિપડીનુ બચ્ચુ ત્રણેક માસનુ હોવાનુ જાણવા મળ્યું હતુ.
 
કુંકાવાવ રેંજમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો

કુંકાવાવ રેંજમા કુંકાવાવ હડાળા વચ્ચે રોડકાંઠે એક દિપડાનો મૃતદેહ પડયો હોવાનુ વનવિભાગને જાણ થતા સ્ટાફ અહી દોડી ગયો હતો અને મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. ડો. વામજા દ્વારા પોસ્ટમોર્ટમ કરાયુ હતુ. આ દિપડાનુ મોત સર્પદંશથી થયાનુ પ્રાથમિક તારણ વનવિભાગે જણાવ્યું હતુ.

No comments: