Thursday, July 30, 2015

સિંહોના મોતનો સાચો આંકડો જાણવા ફરી સિંહ ગણતરી કરો.


  • Bhaskar News, Amreli
  • Jul 04, 2015, 00:02 AM IST
- સરકાર સમક્ષ સિંહપ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓની માંગ
- તાજેતરમાં થયેલી ગણતરીમાં અમરેલી જિલ્લામાં 174 સિંહ હતાં

લીલીયા/અમરેલી: વનતંત્ર દ્વારા હજુ થોડા સમય પહેલા જ સાવજોની વસતી ગણતરી કરવામાં આવતા અમરેલી જીલ્લામાં 174 સાવજો નોંધાયા હતાં. ક્રાંકચની સીમમાં જ 40 સાવજોનું ગૃપ છે. પુર આપદામાં 13 સાવજો મૃત્યુ પામ્યા છે. હજુ કેટલાક સાવજોનો પત્તો નથી ત્યારે પ્રકૃતિપ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા અમરેલી જીલ્લામાં ફરી સાવજોની વસતી ગણતરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેથી સાવજોના મૃત્યુ અને આપદા બાદ સાવજો કેટલી સંખ્યામાં ક્યા છે તેની જાણકારી મેળવી શકાય. સમગ્ર ગીરમાં ભલે ફરી વસતી ગણતરી ન થાય પરંતુ વનતંત્ર પાસે મસમોટો સ્ટાફ છે ત્યારે અમરેલી જીલ્લામાં ફેર ગણતરી ચોક્કસ થઇ શકે.

પુર આપદા બાદ કેટલા સાવજો બચ્યા છે અને કેટલા મૃત્યુ પામ્યા છે તે નક્કી કરવું હાલના તબક્કે મુશ્કેલ છે. જેટલા મૃતદેહો મળે તેટલા સાવજોના જ મોત થયા છે એવું માનવુ પણ ભુલ ભરેલુ ગણાશે. ચાર માસનું નાનુ સિંહબાળ મૃત્યુ પામે અને મૃતદેહ કોઇપણ સ્થળે પડયો હોય તો પણ દશ દિવસમાં નામશેષ થઇ જાય. નાના સિંહબાળનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળે તો પણ તે સિંહબાળનો છે કે કેમ તે નક્કી કરવું મુશ્કેલ બને તેવી સ્થિતીમાં ખરેખર કેટલા સાવજો હયાત છે તે નક્કી કરવું પ્રમાણમાં વધુ સહેલુ છે.

સાવજોની વસતી ગણતરીમાં હજુ થોડા દિવસો પહેલા જ અમરેલી જીલ્લામાં 174 જેટલા સાવજો હોવાનું જાહેર થયુ હતું. ત્યારે જો અમરેલી જીલ્લામાં અને ખાસ કરીને ક્રાંકચ, બાબાપુર અને સાવરકુંડલા પંથકના સાવજોની ફરી ગણતરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો સરવાળે વનતંત્રને જ સાચી પરિસ્થિતીનો ખ્યાલ આવશે. ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના વિશાલ શેઠ, મધુભાઇ સવાણી અને રાજન જોષીએ પીસીસીએફ એ.સી. પંતને પત્ર લખી આ વિસ્તારમાં ફરી સિંહ ગણતરી માટે માંગ કરી છે.

એકાદ માસ બાદ ચોક્કસ ગણતરી થવી જોઇએ : તળાવીયા

અમરેલીના પર્યાવરણ અને પ્રકૃતિ રક્ષક ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઇ તળાવીયાએ જણાવ્યુ હતું કે પુર આપદામાં સાવજોની થયેલી હાનીની સાચી જાણકારી ફેર ગણતરીથી મળી શકશે. હાલમાં તંત્ર સર્વેમાં વ્યસ્ત છે અને સિંહોના મૃતદેહો હજુ પણ મળી રહ્યા છે ત્યારે એકાદ માસ બાદ ફેર ગણતરી ચોક્કસ થવી જોઇએ.

હજુ પણ સિંહો શેત્રુજીના પટમાં-સ્થળાંતર જરૂરી

પુર આપદા તો ટળી ચુકી છે. બચી ગયેલા સાવજો પોતપોતાના વિસ્તારમાં નિરાંતે વિહરી રહ્યા છે. કોલરઆઇડીવાળી એક સિંહણ તેના બચ્ચા સાથે હજુ પણ શેત્રુજી નદીના પટમાં નઝરે પડી રહી છે. ચોમાસુ હજુ બાકી છે અને ફરી કોઇ સિંહોનું પુરમાં તણાવાથી મોત થાય તે પહેલા વનતંત્ર આ સિંહોના સ્થળાંતર માટે કાર્યવાહી કરે તેવી સિંહપ્રેમીઓમાંથી માંગ ઉઠી રહી છે.

No comments: