Friday, March 29, 2019

તાલાલાનાં હરીપુરમાંથી 13 ચિત્તલનાં મૃતદેહ મળ્યા

દવા છાંટેલો ઉભો મોલ અથવા કેરી ખાઇ ગયાની આશંકા

DivyaBhaskar News Network | Updated - Mar 17, 2019, 02:57 AM ગિર પશ્ચિમ વનવિભાગ હેઠળ આવતી તાલાલા રેન્જનાં હરિપુર રાઉન્ડના હરિપુર બીટનાં સાંગોદ્રા વિસ્તારમાં આજે બપોરે સ્થાનિક સ્ટાફ ફેરણામાં હતો. એ વખતે ચિત્તલનાં 13 મૃતદેહો મળી આવ્યા હતા. મૃતકમાં 2 પુખ્ત નર, 1 પાઠડો નર, 6 માદા અને 4 બચ્ચાં હતા. મૃતદેહો પર ઇજા કે અન્ય કોઇ નિશાનો નહોતા. વળી તે એકજ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. બનાવનું સ્થળ અભયારણ્યથી અઢી કિમી દૂર છે. બાજમાં હિરણ નદી વહે છે. અને 100 મીટર દૂર રેવન્યુ વિસ્તારમાં ખેતરો આવેલાં છે. જેમાં હાલ નવો મોલ ઉભો છે. આ ઘટનાનું વેટરનરી સર્જને સ્થળ પર પીએમ કર્યું હતું. અને નમુના મેળવી એફએસએલમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી. તાલાલા રેન્જનાં આખા સ્ટાફે આખા વિસ્તારની તપાસ કરી સ્કેનીંગ કર્યું હતું. અને અન્ય તૃણભક્ષી પ્રાણીઓ પર પણ નજર રાખી છે.

દરમ્યાન આસપાસનાં વાડી ખેતરોમાંથી વનવિભાગે પાણી, પાક અને આંબાવાડિયામાંથી કેરીનાં નમુના પણ લીધા છે. કદાચ આંબા પર નવી કેરી હોવાથી વધુ કેરી ખાઇ જતાં અથવા ઉભા પાકમાં દવા છાંટી હોય તો પણ મોત થઇ શકે. જોકે, જ્યાં સુધી પીએમ રીપોર્ટ ન આવે ત્યાં સુધી મોતનું કારણ કહેવું મુશ્કેલ છે. એમ પણ ડીસીએફ ડો. ધીરજ મિત્તલે જણાવ્યું હતું. વનવિભાગે શેને લીધે ચિત્તલનાં મોત થયાં છે એ જાણવા આસપાસનાં ખેતરોમાંથી પાણી, ઉભા પાક અને આંબા પરની કેરી સુદ્ધાંના નમુના લીધા છે. એમ પણ ડીસીએફ મિત્તલે જણાવ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-13-cheetals-found-in-haripur-of-talala-025708-4143213-NOR.html

No comments: