Friday, March 29, 2019

ગૃહિણી દર વર્ષે ચકલીના 700થી વધુ માળાનું કરે છે નિ:શુલ્ક વિતરણ

DivyaBhaskar News Network | Updated - Mar 19, 2019, 02:35 AM
શહેરના ઝાંઝરડા રોડ પર રહેતા એક ગૃહિણી છેલ્લા 7 વર્ષથી ચકલી બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત તેઓ દર વર્ષે ચકલીના 700થી વધુ માળા બનાવી લોકોને નિ:શુલ્ક વિતરણ કરે છે. ચકલી બચાવ અભિયાનના પ્રણેતા એવા ગીતાબેન રામભાઇ ભૂતીયાએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે આપણા આંગણામાં પક્ષીઓ આવતા અને તેના અવાજથી આપણું આંગણું ગુંજી ઉઠતું હતું. કૂકડે... કૂક ના અવાજ સાથે આપણી સવાર પડતી. પછી તો દિવસભર કાબર, ચકલી, મોર, પોપટ, મેના,કબૂતરના મધુર અવાજ સાંભળવા મળતા. અેમાંયે નાના એવા રૂપકડા પક્ષી ચકલીની ચી.. ચી સાંભળવા મળતા દિલ બાગબાગ થઇ જતું. હવે આપણે ઓરજીનલ જંગલ કાપીને વિકાસના નામે સિમેન્ટના જંગલ વધારવા લાગ્યા છે જેથી વૃક્ષો પર નિવાસ કરતા નાના એવા પક્ષીઓના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે. આવું જ એક પક્ષી એટલે ચકલી જે હવે લુપ્ત થવાની અણી પર છે ત્યારે તેને બચાવવા માટે નાનકડો પ્રયાસ કરી રહી છું. છેલ્લા 7 વર્ષથી મારા ઘરે જ ચકલીના માળા બનાવી નિ:શુલ્ક વિતરણ કરૂં છું. દર વર્ષે 700થી વધુ માળાનું વિતરણ કરૂં છું. આ કાર્યમાં મારા પતિ અને પરિવારજનોનો સંપૂર્ણ સાથ મળી રહ્યો છે. મારા ખુદના ઘરે પણ 10 માળા છે જેમાં ચકલીઓ વસવાટ કરે છે.

કઇ રીતે બનાવે છે ?

આઇસ્ક્રીમના ખાલી ખોખા વેંચાતા લઇ તેના પર રંગબેરંગી આકર્ષક કાપડનું કવર ઘરે મશીન પર બનાવી તેના પર ચડાવવામાં આવે છે. બાદમાં તેનું ફ્રિમાં વિતરણ કરાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-housewife-carries-more-than-700-floors-of-spinning-every-year-for-free-delivery-023522-4153503-NOR.html

No comments: