Saturday, October 27, 2007

ગીરના સરહદી ગામોમાં ‘મોતની વાડ’ શોધવા સઘન કોમ્બિંગ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Rajkot
Monday, October 22, 2007 01:02 [IST]

જવાબદારો સામે આકરા પગલાં : ભરત પાઠક

સને ૨૦૦૭ના વર્ષમાં અત્યાર સુધીમાં ગીરમાં કુલ ૩૩ સિંહના મોત નોંધાયા છે. જેમાં તાજેતરમાં ધારી નજીક પાંચ સાવજો સહિત કુલ ૬ સિંહોના મોત ખેડૂતોએ પાક બચાવવા માટે જીવંત વીજ વાયરની ઊભી કરેલી વાડને પગલે વીજશોકથી થયા છે. ત્યારે ગીર કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટના જણાવ્યા મુજબ, આવી મોતની વાડ દૂર કરવા ગીરના બોર્ડરના વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધરાયું છે, આ ઝુંબેશ જારી રખાશે.

ગીર કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ ભરત પાઠકના જણાવ્યા મુજબ, ગઇકાલે અમરેલી તથા જૂનાગઢના પીજીવીસીએલના એકિઝકયુટિવ એન્જિનીયરો સામે વન વિભાગની બેઠક યોજાઇ હતી. આ મામલે પીજીવીસીએલ વિભાગ પણ હવે ચાંપતી નજર રાખશે. ત્યારે વન વિભાગના વિવિધ રેન્જના અધિકારીઓની ટુકડીઓએ પણ ગીરના બોર્ડરના ગામોમાં જીવતા વીજ વાયરથી લેસ ફેન્સિંગ શોધવા કોમ્બિંગ શરૂ થયું છે અને જવાબદારો સામે આકરા પગલાં પણ લેવાશે.

તેમના જણાવ્યા મુજબ, ધાતુની કાંટાળી વાડ સામે ગેરકાયદે વીજ જોડાણ આપવાના લંગારિયા શોધવા તજવીજ હાથ ધરાઇ છે અને આ વિસ્તારના ખેડૂતોને પણ ચેતવવામાં આવ્યા છે. તેમના વધુમાં જણાવ્યા મુજબ, હજુ આ કોમ્બિંગ અંગેનો કોઇ રિપોર્ટ આવ્યો નથી, જે આવતીકાલ સુધીમાં આવી જશે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ સાલે કુલ ૩૩ સિંહોના મોત નીપજયાં છે. જેમાં ૮ સિંહનો શિકાર થયો હતો, ૬ સાવજોના મોત ઇલેકિટ્રક શોકથી થયા હતા, પાંચ સિંહોના મોત ખુલ્લા કૂવામાં પડી જવાને પગલે નીપજયાં છે, એક સિંહબાળ અજાણ્યા વાહન નીચે કચડાઇને મૃત્યુ પામ્યું હતું. જયારે ૧૨ જેટલા સિંહો મૃત હાલતમાં જ મળી આવ્યા હતા. જેમના મોતના સ્પષ્ટ કારણો મળ્યા નથી. ત્યારે આ સિંહોના મોત કુદરતી મોત તરીકે માનવામાં આવી રહ્યા છે.

વિલુપ્ત થવાની દહેશત નીચે જીવતા ગીરના સાવજોની સુરક્ષા માટે સરકારે રૂા. ૪૦ કરોડનો એકશન પ્લાન ઘડી કાઢયો છે. જેનું અમલીકરણ થઇ રહ્યું હોવાનો વન વિભાગે કરેલો દાવો ઇલેકિટ્રક શોકથી પાંચ-પાંચ સિંહોના મોત નીપજતાં પોકળ પુરવાર થયા છે. ખુલ્લા કૂવાઓ અને વીજકરંટ ધરાવતી વાડો આ સિંહોના અસ્તિત્વ સામેના સૌથી વધુ જોખમી પરિબળો હોવા છતાં લાપરવાર વનવિભાગ વારંવાર થાય જાય છે અને આવી કરુણાંતિકાઓ ઘટે છે.

સને ૨૦૦૭માં ૩૩ સિંહોના મોત

૮ સિંહોનો શિકાર
૬ સિંહોના વીજશોકથી મોત
૬ સિંહોના ખુલ્લા કૂવામાં પડતાં મોત
૧ સિંહ વાહન નીચે કચડાતાં મોત
૧ર સિંહના મોતનાં કારણો અસ્પષ્ટ

Source: http://www.divyabhaskar.co.in/2007/10/22/0710220106_lion_combing.html

No comments: