http://girasiaticlion.blogspot.com/
Bhaskar News, Talala
Friday, October 26, 2007 23:21 [IST]
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiogq7R13VABjiGPCUU8BhUZJnF4Qfw4V9gLCJ-782j8Ib4U_Q372_-339lE1gcjpZB1x5porylsOurAE5ddytF2_hWBnm_qFJDPN2ZWFoimXElhPIT9MOo9B5ralv9BkNX5h3u4rqBNzDs/s320/devaliyapark+-+injured+staff.jpg)
ખભાનો ભાગ જડબામાં લઈ શરીર ઉઝરડી નાખ્યું : સિંહણના હુમલાથી સાથીઓમાં નાસભાગ મચી ગઈ
lionessસાસણ(ગીર)માં પ્રવાસીઓને માટે સિંહ દર્શન કરાવતી વેળાએ સિંહ પરિવારની માદાએ એક વનખાતાના કર્મચારી પર ઓચિંતો હુમલો કરી દેતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સિંહણે ફોરેસ્ટરના ખભાનો ભાગ જડબામાં લઈને તેનું શરીર ઉઝરડી નાખ્યું હતું.
વિગતો મુજબ, સાસણ(ગીર)થી સાત કિલોમીટર દૂર સિંહદર્શન માટે બનાવાયેલા નેશનલ પાર્ક(દેવળિયા)ની અંદર ફરજ બજાવતા ફોરેસ્ટર ધીરૂભાઈ હમીરબાઈ ડાભી ઉં.વ.૪૫ પાર્કમાં પ્રવાસીઓને સિંહદર્શન કરાવી રહ્યા હતા ત્યારે, સિંહ પરિવારમાંથી એક સિંહણે તેમના પર ઓચિંતો હુમલો કરી દેતાં હાહાકાર મચી ગયો હતો. બનાવથી ડઘાઈ ગયેલા ડાભીના સાથી કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
સિંહણે સતત દસ મિનિટ સુધી હુમલો ચાલુ રાખતાં તેમને સાથળ, પેટ સહિત સમગ્ર શરીર પર એક ઈંચથી વધુ ઊંડા ઘા પડી ગયા હતા. સાથી કર્મચારીઓએ ડાભીને બચાવવા માટે ધૂળની મુઠીઓ ભરીને સિંહણની આંખમાં ઝીંકવાનું શરૂ કરતાં સિંહણે ડાભીને પોતાના જડબાંની પકડમાંથી રેઢા મૂકયા હતા અને તે જંગલ તરફ નાસી ગઈ હતી.
ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં ધીરૂભાઈ ડાભીને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. ડોકટરોએ સિંહણે ભરાવેલાં નહોર અને દાંતથી પડેલાં જખ્મો પર સારવાર કરીને વહેતું લોહી બંધ કરી દીધું હતું.
જો કે, પેટના ભાગે વધુ ઊંડા ઘા હોવાને પગલે તેને સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. નેશનલ પાર્કમાં કર્મચારી પર હુમલો કર્યાની જાણ થતાં ડીએફઓ મણીશ્વર રાજા, આરએફઓ અપારનાથી સહિતના અધિકારીઓ કર્મચારીને સારવાર માટે તાલાલા લઈ આવ્યા હતા.
સિંહણે હુમલો શા માટે કર્યો?
પ્રવાસીઓને સલામત રીતે સિંહદર્શન કરાવતા કર્મચારીઓ પર સિંહણના હુમલાથી અનેક તર્ક-વિતર્ક થયા છે. છૂટા ફરતા સિંહ કરતાં શાંત પ્રકૃતિના ગણાતા દેવળિયા નેશનલ પાર્કના સિંહ પાછળથી હુમલો કરે એવી ઘટના જોવા મળી નથી, માટે વનવિભાગના અધિકારીઓની વાતમાં તથ્ય જણાતું નથી.
અગાઉ આવું બન્યું નથી : ડીએફઓ
ખાતાના ડીએફઓ રાજાએ જણાવ્યું હતું કે, બપોરના એક વાગ્યે ત્રણ કર્મચારીઓ નેશનલ પાર્કમાં પોતાના કામે વળગ્યા ત્યારે, સિંહણે પાછળથી આવીને એકાએક હુમલો કર્યોહતો. સામાન્ય રીતે સિંહો સાથે અમારો ઘરોબો હોવાને કારણે આ બનાવથી કર્મચારી ડઘાઈ ગયા છે. અત્યાર સુધીમાં કયારેય આવો હુમલો થયો નથી.
Source: http://www.divyabhaskar.co.in/2007/10/26/0710262335_talala_sasan_gir.html
No comments:
Post a Comment