Saturday, October 27, 2007

ગીરના દશ ગામના ટેલિફોન ધારકોને તાલાલાના ધક્કા

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

તાલાલા, તા.૩૧
તાલાલા પંથકના આંકોલવાડી ગિર વિસ્તારના દશ ગામની પ્રજાને સંદેશા વ્યવહાર સેવા આપતું આંકોલવાડી ગીર ટેલીફોન એકસચેન્જ ઘણી ધોરી વગરનું થઇ જતા ગ્રાહકો રામ ભરોસે મુકાઇ ગયા છે. ટેલીફોન ખાતાના ઉચ્ચ સત્તાવાળાઓ ત્વરીત યોગ્ય કરી ગ્રાહકોને ન્યાય આપે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.

આ પ્રસંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા પંથકના છેવાડાના મોરૂકાગીર-સુરવાગીર-રસુલપરા-બામણાસા-મંડોરણા હડમતિયા સહિતના દશ ગામોની પ્રજાને બી.એસ.એન.એલ. સંદેશા વ્યવહાર સેવાથી ધમધમતો રાખવા આંકોલવાડી ગીર ગામે ભવ્ય ઓફિસ બિલ્ડીંગ સ્ટાફ કવાર્ટર સાથે એક કરોડના ખર્ચે બનાવેલ એક હજાર લાઇનનું ટેલીફોન એકસચેંજ કાર્યરત છે. આ ટેલીફોન એકસચેન્જમાંથી આંકોલવાડી સહિત ઉપરોકત દશ ગામની પ્રજાને એક હજાર થી પણ વધુ ટેલીફોન જોડાણ આપવામાં આવેલ છે. દશ ગામના ગ્રાહકોનો ટેલીફોન બંધ હોય કે લાઇન બંધ હોય ગ્રાહકોની ફરિયાદો સાંભળી તેનો પરિણામ લક્ષી ઉકેલ લાવવા ડીપાર્ટમેન્ટ તરફથી ઓફીસ ઇન્ચાર્જ તથા જરૂરી સ્ટાફ આંકોલવાડી એકસચેંજમાં વર્ષોથી સેવા આપતો હતો પણ છેલ્લા દોઢેક માસથી આંકોલવાડી એકસચેંજમાં સેવા આપતા સ્ટાફની અત્રેથી બદલી કરી નાખતા આંકોલવાડી ગીર ગામનું ટેલીફોન એકસચેંજ ઘણી ધોરી વગરનું થઇ ગયું છે. ટેલીફોન ખાતાના સત્તાવાળાઓએ એકસચેંજ આખુ રામ ભરોસે કરી નાખતા આ એકસચેંજ હેઠળના એક હજાર જેટલા ગ્રાહકો પણ રામ ભરોસે મુકાઇ ગયા છે.

કારણ કે આંકોલવાડી એકસચેંજમાં જવાબદાર સ્ટાફના અભાવે ગ્રાહકોને ટેલીફોનને ફોલ્ટ કે બીલની "ડીમાન્ડ નોટ" કઢાવવા ૧૫ કિ.મી. દૂર તાલાલા આવવુ પડે છે. ગ્રાહકની કોઇ ફરિયાદ સાંભળવા આવતુ નથી. આ ઉપરાંત આ વિસ્તારમાં વિજળી ગુુલ થાય ત્યારે જનરેટર પણ શરૂ થતુ ન હોય વિજળી ગુલ થતાની સાથે જ સંદેશા વ્યવહાર પણ ઠપ્પ થઇ જાય છે. આંકોલવાડી ગીર વિસ્તારના ગ્રાહકોનું જણાવ્યા પ્રમાણે આંકોલવાડી ટેલીફોન એકસચેંન્જ દર બે મહિને રૂા. ત્રણ લાખથી પણ વધુ રકમની આવક ટેલીફોન ડીપાર્ટમેન્ટને રળી આપે છે. છતા પણ ટેલીફોન જોડાણ આપી ગ્રાહકોના પૈસા ગજવામાં નાખી ડીપાર્ટમેન્ટ દ્વારા વર્ષોથી ફરજ બજાવતા સ્ટાફને અત્રેથી પરત લઇ ગ્રાહકને રઝળતા કરી મુક્યા છે. ટેલિફોન ખાતાની ગ્રાહક વિરોધી નીતી સામે આંકોલવાડી ગીર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.

કહેવાય છે કે આંકોલવાડી ગીર ગામે ફરજ બજાવતા કર્મચારીનો પગાર રૂા. પંદર હજાર જેવો હોય ડીપાર્ટમેન્ટને આ પગાર પોસાતો નથી માટે સ્ટાફને પરત લઇ લીધો છે. ભલે. આંકોલવાડી ટેલીફોન એકસચેંજ અને ગ્રાહકો નોધારા થઇ જાય પણ અમે અમારી નીતી પ્રમાણે સ્ટાફને પરત લઇ લેશુ.. ટેલીફોન ડીપાર્ટમેન્ટ આવી નીતી નિયમો હોય તો તે નિયમો જડ અને પ્રજા વિરોધી ગણાય ડીપાર્ટમેન્ટે ત્વરીત આ અંગે યોગ્ય નિર્ણય લઇ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી યોગ્ય ન્યાય આપવા ઘટતુ કરવુ જોઇએ. તેવી પ્રબળ લોક માંગણી આંકોલવાડી વિસ્તારમાંથી ઉઠી છે. આ અંગે ત્વરીત ઘટતુ કરવામાં નહી આવે તો આંકોલવાડી ટેલીફોન એકસચેંન્જ હેઠળના દશ ગામના ગ્રાહકો સ્ટાફની જેમ ટેલીફોનના ડબલા પણ સામુહીક પરત કરશે. તેમ આંકોલવાડી ભારતીય કિશાન સંઘ ગ્રામ્ય સમિતિના પ્રમુખ બીપીનભાઇ રાદળીયા તથા યુવા કોંગ્રેસ અગ્રણી અને ગ્રામ પંચાયત સદસ્ય અજયભાઇ મકવાણાએ જણાવ્યુ છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=19119&Keywords=Junagadh%20gujarati%20news

No comments: