Saturday, October 20, 2007

સૌરાષ્ટ્રમાં પાંચ સિંહોની હત્યાથી ખળભળાટ.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ગાંધીનગર, શુક્રવાર
સમગ્ર વિશ્વમાં દુર્લભ અને ગુજરાતનું ગૌરવ એવા સિંહોનાં શિકારનો વધુ એક કિસ્સો ગુજરાતમાં નોંધાયો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પ્રેમપરા ગામે ખેતરમાં પાંચ જેટલા સિંહોનાં ખેતરમાં દાટેલા મૃતદેહો શોધી કઢાયા છે. પ્રાથમિક તપાસ મુજબ માત્ર ચાર કે પાંચ દિવસ પહેલાં જ આ સિંહોની હત્યા કરાઈ હોવાનું માલૂમ થયું છે. પાંચેય સિંહોની હત્યા ઇલેક્ટ્રિક શોર્ટ આપી કરવામાં આવી છે. સિંહોના મૃતદેહ ઉપર ઇલેક્ટ્રિક કરન્ટ આપી હત્યા કરાઈ હોવાનાં સ્પષ્ટ ચિહ્નો મળી આવ્યા છે. સિંહોના મૃતદેહ ઉપરાંત ખેતરમાં જ દાટેલા સિંહોના નખ અને દાંત પણ કબજે કરાયા છે. દરમિયાન એક શખસની ધરપકડ કરવામાં આવી છે. જેણે ગુનાની કબૂલાત કરી છે.

અગાઉ એપ્રિલ મહિનામાં ગીરનાં જંગલમાં માત્ર એક જ મહિનામાં ૮ જેટલા સિંહોની હત્યા કરાઈ હતી.

આ સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે ગીર જંગલમાં જઈ સિંહો માટે રૂા. ૪૦ કરોડનો એક્શન પ્લાન જાહેર કર્યો હતો. સરકાર દ્વારા એવી પણ જાહેરાત કરાઈ હતી કે ગુજરાતમાં હવે એક પણ સિંહનો શિકાર નહિ થવા દેવાય. જેને છ મહિના વિત્યા બાદ ફરી પાંચ જેટલા સિંહોની હત્યા થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

વન વિભાગના સચિવ પ્રદીપ ખન્નાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સવારે પાંચ જેટલા સિંહોના મૃતદેહો ખેતરમાં દાટેલા મળી આવ્યા છે. આ ઘટના સંદર્ભે દુર્લભ વાડદોરિયા નામના શખસની ધરપકડ કરી છે. જેણે ગુનાની કબૂલાત કરી લીધી છે.

અત્યારે વધુ તપાસ-પૂછપરછ ચાલી રહી છે. સિંહોનું પોસ્ટમોર્ટમ કરાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસ પરથી વીજકરંટ દ્વારા આ સિંહોની હત્યા કરાઈ હોવાનું માલૂમ પડયું છે. પાંચ સિંહો પૈકી બે બાળસિંહ અને ત્રણ માદા સિંહો હતી. પ્રદીપ ખન્નાએ જણાવ્યું હતું કે વિદ્યુત બોર્ડ સાથે પરામર્શ ચાલુ છે. આ ઘટનામાં ખુલ્લા વાયર રાખવા બદલ જીઈબીને પણ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ખાસ ટીમો ઘટના સ્થળે દોડાવાઈ છે.

*
ઇલેક્ટ્રિક શોક આપી હત્યા કરાયાની શંકા
*
એક શખસની ધરપકડ
*
સિંહોના નખ અને દાંત પણ ખેતરમાં દટાયેલા હતા
*
એપ્રિલ ૨૦૦૭માં સિંહબાળ સહિત ૮ સિંહોની નિર્મમ હત્યા થઈ હતી

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=29670&Keywords=Lion%20Ahmedabad%20city%20gujarati%20news

No comments: