Thursday, July 5, 2012

૨૧ વર્ષ પૂર્વે સિંહની હત્યામાં એકને અઢી વર્ષની સજા.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:55 AM [IST](05/07/2012)
વિસાવદરનાં જંગલમાં ૧૯૯૧નાં વર્ષમાં એક નર સિંહને બંદૂકની ગોળી અને કુહાડીનાં ઘા મારી હત્યા કરવામાં આવી હતી. એ બનાવમાં ચાર આરોપીઓની ધરપકડ કરાઇ હતી. આ અંગેનો કેસ વિસાવદર કોર્ટમાં ચાલી જતા એક આરોપીને અઢી વર્ષની સજા અને અન્ય એકને મદદગારીનાં ગુનામાં ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

૨૧ વર્ષ પહેલા ૧૯૯૧માં વિસાવદરનાં ખાંભા રાઉન્ડનાં પાડાપાણી જંગલ વિસ્તારમાં સામત સાજણ, પાલા સાજણ, દેવસુર વસ્તા અને અન્ય એક વ્યક્તિ પોતાનાં પશુઓ ચરાવતા હતા. ત્યારે એક નર સિંહઆવી ચઢ્યો હતો. તેણે એક વાછરડાનું મારણ કર્યું હતુ. આથી સામત સાજણે પોતાની પાસે રહેલી બંદૂકમાંથી સિંહપર ગોળી ચલાવી હતી. બાદમાં પાલા સાજણે સિંહની નજીક જઇ તેના માથા પર કુહાડીનાં ઘા મારવા લાગતા સિંહનું મૃત્યુ થયું હતું.

વિસાવદર રેન્જનાં આરએફઓ આર.કે. ઝાલાએ ગત તા. ૨૮/૫/૧૯૯૧નાં રોજ ચારેય આરોપીઓ સામે વિસાવદર કોર્ટમાં કેસ કર્યો હતો. જે કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ જે.વી. જોષીની દલીલોને ધ્યાને લઇ વિસાવદર કોર્ટે પાલા સાજણને અઢી વર્ષની સજા અને ૯ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ આરોપી દેવસુર વસ્તાને મદદગારી બદલ ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે બે આરોપીઓનાં ચૂકાદો આવે તે પહેલાં જ મોત થયા હતા.

- એક આરોપીની હત્યા થઇ હતી

સિંહની હત્યા કરનાર ચાર આરોપીઓમાંથી બેનાં મૃત્યુ થયા છે. જેમાંથી સામત સાજણનું તો વિસાવદરમાં ખૂન થઇ ગયુ હતુ.

- ગીર વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા હતા

સિંહની હત્યાનાં આરોપીઓ પાલા સાજણ, સામત સાજણ માલધારીઓ ગીર વિસ્તારમાં ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને રહેતા હતા.

No comments: