Monday, July 16, 2012

ગીરમાં યુવા સિંહની રાજાશાહી, પાંચ-પાંચ સિંહણ સાથે સંવનન.


Source: Jitendra Mandaviya, Sasan (Gir)   |   Last Updated 3:51 AM [IST](15/07/2012)

સિંહ પ્રજાતીમાં પાઠડાની ઉંમર પાંચ વર્ષ થાય ત્યારે તેને નર ગણવામાં આવે છે અને તે મેટિંગ પુરી તાકાતથી કરી શકે છે. ગીર જંગલનાં ટુરિઝમ ઝોન ગણાતા ડેડકડી- પાણીયા - કેરંભાનાં જંગલ વિસ્તારમાં સાડા ત્રણ વર્ષનાં પાઠડાએ વર્ષોથી વર્ચસ્વ રાખી રહેલા નરસિંહને મ્હાત કરી વિસ્તાર ઉપર કબજો જમાવ્યો અને આ વિસ્તારમાં ફરતા છ સિંહ ગૃપમાંથી પાંચ ગૃપની સિંહણો સાથે મેટિંગ કરી સર્વસ્વીકૃત ‘રાજા’ બનતા યુવાસિંહના આ તૈવરથી વનવિભાગનાં અધિકારીઓ પણ દંગ બની ગયા છે.

ગીર જંગલનાં ટુરિઝમ ઝોનમાં વર્ચસ્વ સ્થાપનાર યુવા રાજા વિશે વાત કરતા સાસણ વન્યપ્રાણી વિભાગનાં ડી.એફ.ઓ. ડૉ.સંદીપકુમાર કહે છે કે, ડેડકડી - પાણીયા - કેરંભાનાં વિસ્તારમાં વર્ષોથી બે નરસિંહોનું વર્ચસ્વ હતુ. જેમાં એક નરનું મોત થયેલ અને એક નર આ વિસ્તારમાં વર્ચસ્વ સંભાળતો હતો. જંગલનાં નતાળીયા વીડી તરીકે ગણાતા વિસ્તારમાંથી છેલ્લા એક માસથી બે પાઠડા સિંહો કે જે સંબંધે બન્ને ભાઇ છે તે આ વિસ્તારમાં આવવા લાગ્યા અને અહીનાં નરસિંહ સાથે વર્ચસ્વ માટે લડાઇ કરવા લાગ્યા. જેમાં સાડાત્રણ વર્ષનો પાઠડો કે જેનું નામ ‘સંદીપન’ રાખેલ છે તે પાઠડાએ નર જેવી આક્રમકતાથી આ વિસ્તારના નરસિંહને નબળો પાડી વિસ્તારમાં વર્ચસ્વ જમાવી દીધુ છે.

તેનાથી વિશેષ આ વિસ્તારમાં ફરતા છ સિંહો ગૃપોમાંથી રહેલી છ સિંહણોમાંથી પાંચ સિંહણો સાથે ‘સંદીપન’એ મેટિંગ કરી માદાઓમાં આકર્ષણ ઉભુ કરી સ્વસ્વીકૃત ‘રાજા’ બની ગયો છે. સિંહ પ્રજાતીમાં સિંહની ઉંમર પાંચ વર્ષની થાય ત્યારે નર ગણાય છે અને આ ઉંમરથી નર વિસ્તાર બનાવે અને માદા સાથે મેટિંગ કરે છે. પણ યુવા રાજા ‘સંદીપન’એ જે આક્રમતાથી વિસ્તાર ઉપર કબજો કર્યો અને પાંચ-પાંચ સિંહણો સાથે સહશયન કરી સ્વસ્વીકૃત સામ્રાજ્ય સ્થાપ્યુ તે સિંહ પ્રજાતીમાં અત્યાર સુધી જોવા નથી મળ્યુ. સાડા ત્રણ વર્ષનાં ‘સંદીપન’ સાવજે બનાવેલી ‘રાજા’ બનવાની તત્પરતા સિંહ પ્રજામાં ઘટી રહેલી વિશેષ ઘટના વનવિભાગનાં અનુભવી અધિકારીઓ ગણાવી રહયા છે.

- યુવા રાજાનો રોમાન્સ પણ રોમાંચક હોય છે

યુવા રાજા ‘સંદીપન’ પાંચ-પાંચ સિંહણોને આકર્ષવામાં સફળ બન્યો તે વિશેષ બાબત હોય આ યુવા રાજાની હિલચાલ ઉપર નજર રાખી સિંહ પ્રજાતીમાં થતા ફેરબદલને ઝીણવટપુર્વક સમજતા ડીએફઓ ડૉ.સંદીપકુમારે કહેલ કે આ યુવા રાજા સિંહણને આકર્ષી તેમની પસંદગી મુજબ રોમાન્સ કરી મેટિંગ કરે છે. સાથે ઋતુ અને વિસ્તાર મુજબ રોમાન્સની મજા ઉઠાવે છે. એક મહીના પહેલા સપાટ ઘાસીયા મેદાનમાં માદા સાથે રોમાન્સ કરતો યુવારાજા વર્ષાઋતુમાં સલામત અને મેટિંગ માટે આદર્શ ગણાતા ઉંચી ટેકરીઓ ઉપર સિંહણ સાથે રોમાન્સની મસ્તી કરતો નજરે પડે છે.

- ઋષી મુનીનાં નામ પરથી યુવા રાજાનું નામ પડયુ

ટુરિઝમ ઝોનમાં યુવા રાજા બનેલા ‘સંદીપન’ સિંહનું નામ ભારતીય સંસ્કૃતીમાં પ્રસ્થાપીત થયેલા ઋષીમુની ‘સંદીપન ઋષી’નાં નામ પરથી રાખવામાં આવેલ છે.

No comments: