Friday, July 13, 2012

સક્કરબાગમાં પાંજરા ઉપર તાડપત્રી બાંધીને વન્યપ્રાણીઓનું કરાતું રક્ષણ.


જૂનાગઢ, તા.૯ :
દેશભરમાં અગ્રીમ સ્થાન ધરાવતા જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં વસવાટ કરતી વન્યજીવ સૃષ્ટિ માટે વરસાદને અનુલક્ષીને પગલા લેવાની શરૂઆત તંત્ર દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને વન્યપ્રાણીઓ ઉપર વરસાદનું પાણી ન પડે તે માટે તાડપત્રી બાંધીને પાંજરાને સલામત બનાવવામાં આવ્યા છે.
  • ચોમાસાના અનુલક્ષીને ખાસ કવાયત હાથ ધરાઈ
  • મચ્છર સહિતની જીવાતોનો ઉપદ્રવ નિવારવા નિયમીત રીતે ઘાસનું થતું કટીંગ
સિંહ, ચિત્તા, વાઘ, દીપડા, હિપોપોટેમસ, રીંછ સહિતના વન્યપ્રાણી, વિવિધ પ્રજાતિના પક્ષીઓ અને સરિસૃપો ધરાવતા જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં દરેક ઋતુમાં પ્રાણીઓની સલામતી માટે પગલા લેવામાં આવે છે. આમ તો ઋતુ પ્રમાણે પોતાનું રક્ષણ કરવાની કુદરતી આવડત વન્યસૃષ્ટિમાં હોય છે. પરંતુ બંધન અવસ્થામાં વન્યજીવ સૃષ્ટિની કાળજી લેવી આવશ્યક બની રહે છે. ઉનાળો પુરો થતા અને ચોમાસુ શરૂ થતા જ હવે સક્કરબાગ ઝૂ માં પ્રાણી-પક્ષીઓના રક્ષણ માટે અલગ વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
પ્રાણીઓ ઉપર સીધુ જ પાણી ન પડે તે માટે પાંજરાઓમાં શેલ્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે વન્ય પ્રાણીઓના હરવા-ફરવાના વિસ્તારમાં તાડપત્રી બાંધી દેવામાં આવી છે. ચિત્તાઓના ફરવાના આખા વિસ્તારમાં તાડપત્રી બાંધવામાં આવી છે. ઝૂ ના ડાયરેક્ટર વી.જે.રાણાના જણાવ્યા પ્રમાણે પાંજરાઓમાં નિયમીત રીતે ઘાસનું કટીંગ કરવામાં આવી રહ્યું છે. ઘાસના કારણે મચ્છર જેવી જીવાતો પેદા થાય તો પ્રાણીઓનું આરોગ્ય કથળી શકે છે. સાથે સાથે સમયાંતરે ધુમાડો કરીને જીવાતોને દૂર કરવામાં આવે છે. પ્રાણીઓની જરૂરિયાત પ્રમાણેના આ સિવાયના અન્ય પગલાઓ પણ ચોમાસા દરમિયાન લેવામાં આવે છે.
સતત આઠ-દશ દિવસ વરસાદ રહે તો ખોરાક ઘટાડી દેવાય છે
ઉનાળામાં વન્યપ્રાણીઓનો ખોરાક ઘટી ગયા બાદ વાતાવરણ ઠંડુ થતા જ પ્રાણીઓનો ખોરાક ધીમે ધીમે વધવા માંડે છે. પરંતુ જો એકધારો સતત આઠ-દશ દિવસ સુધી વરસાદ પડતો રહે તો પ્રાણીઓનો ખોરાક ઘટાડી દેવામાં આવે છે. પ્રાણીઓની પાચન પ્રક્રિયામાં ખલેલ ન પડે તે માટે ખોરાક ઘટાડી દેવામાં આવે છે. જો કે ખોરાકનો આ ઘટાડો બહુ વધારે દિવસો માટે હોતો નથી.

No comments: