Monday, July 30, 2012

ગિરની શાન સિંહોના પ્રદર્શન મુદ્દે રાજ્યપાલને રજૂઆત.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:25 AM [IST](29/07/2012)
- ગિરની શાન ગણાતા સિંહોને પાંજરે પૂરી તેનું પ્રદર્શન કરી અપમાનીત કરાતા હોઇ અધિકારીઓ સામે પગલા લેવા માંગ

ગીરની શાન ગણાતા સિંહોને પાંજરે પુરી રાજકારણીઓ અને ગ્રામજનોને સિંહોનું પ્રદર્શન કરી અપમાનિત કરવામાં આવતા હોય આ પ્રશ્ને ગીર નેચર યુથ ક્લબ દ્વારા રાજ્યપાલને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા રાજુલા પંથકમાં આવા બનાવો બન્યાં છે તેની તપાસ કરી દોષિત વનકર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક હાથે પગલા લેવાની માંગ પણ કરવામાં આવી છે.

ગીરપુર્વ વિસ્તારમાં અનેક વખત વન કર્મચારીઓ દ્રારા સિંહોને પાંજરે પુરી પ્રદર્શન કરવાનું હોય તે રીતે લઇ જવામાં આવતા વન્યપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. થોડા દિવસો પહેલા રાજુલામાં એક બિમાર સિંહને પાંજરે પુરીને આરએફઓ દ્રારા એનીમલ કેર સેન્ટરમાં લઇ જવા માટે નિયમ મુજબ સિંહના પાંજરાને કપડાથી ઢાંકવાના બદલે ખુલ્લા પાંજરામાં શેરીઓમાંથી પોલીસ ખાતાને સાથે રાખી જાણે પ્રદર્શન કરી સિંહોનું અપમાન કર્યું હતું.

આ પ્રશ્ને ગીર નેચર યુથ ક્લબના ભીખુભાઇ બાટાવાળાએ રાજ્યપાલને પત્ર પાઠવી રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે તાજેતરમાં પણ ખાંભાના બારમણ ખાતે પકડાયેલ માનવભક્ષી સિંહને પાંજરે પુરીને લઇ જવાતો હતો ત્યારે સિંહ દર્શન કરવા સબબ ધારાસભ્યના પરિવાર વચ્ચે બખેડો થયો હતો. વનવિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્રારા ખુલ્લેઆમ સિંહ દર્શન કરાવવામાં આવેલ. બારમણના બનાવ સમયે ફરજ પરના કર્મચારીઓ અને અધિકારીઓ વર્ષોથી તુલશીશ્યામ રેંજમાં ફરજ બજાવી રહ્યાં છે. રાજકીય વગ હોવાથી તેઓ ઉપલા અધિકારીઓને ગણકારતા પણ નથી.

આવા કર્મચારીઓના તા. ૨૦ થી ૨૨ જુલાઇ ૨૦૧૨ સુધીના મોબાઇલ કોલ ડિટેઇલ કઢાવવામાં આવે તો સિંહ પ્રદર્શન કાંડનો પર્દાફાશ થઇ જાય તેમ છે. અનેક વખત ઉચ્ચ અધિકારીઓને પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓ દ્રારા પુરાવા સાથે રજુઆતો કરવામાં આવી છે. પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભવિષ્યમાં આવા બનાવો અટકે તે માટે યોગ્ય પગલા લેવાની માંગ કરવામાં આવી છે.

No comments: