Monday, July 31, 2017

અમરેલી: અડધી રાતે જંગલમાં 12 સિંહોની વચ્ચે 108 એમ્બ્યુલન્સમાં આમ થઈ ડિલિવરી

divyabhaskar.com | 2017-07-03T13:20:00+00:00
અઢીથી ત્રણ વાગ્યા આસપાસ સિંહનાં ટોળાંએ 108 એમ્બ્યુલન્સને ઘેરી લેતાં આખી ટીમ ચિંતામાં મુકાઈ ગઈ હતી
અમરેલી પંથકમાં ઘણી વાર રસ્તા પર સિંહ ઊતરી આવતાં હોય છે. તો સિંહો વાહનો પણ રોકી લેતાં હોય એવી ઘટના બનતી હોય છે. ત્યારે જાફરાબાદમાં આવી જ એક દિલધડક ઘટના બની હતી. થયું એવું કે રાતે અઢીથી ત્રણ વાગ્યા આસપાસ સિંહનાં ટોળાંએ એક 108 એમ્બ્યુલન્સને ઘેરી લીધી હતી. જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામથી એક સગર્ભાને 108માં હોસ્પિટલ લવાઈ રહી હતી. ગામથી ત્રણેક કિલોમિટર દૂર જંગલ વિસ્તારમાં મહિલાને દુખાવો થતાં ગાડી ઊભી રાખી હતી. જેવી 108 ઊભી રહી કે 10થી 12 સિંહોએ એમ્બ્યુલન્સને ઘેરી લીધી હતી. આ ઘટનાથી આખી ટીમ ચિંતામાં મુકાઈ ગઈ હતી. એક બાજુ ગાડીને સિંહોએ ઘેરી લીધી હતી અને બીજી બાજુ એમ્બ્યુલન્સમાં સગર્ભા મહિલાને અસહ્ય પીડા થઈ રહી હતી. જોકે ડોક્ટરની સલાહ પ્રમાણે ગાડીમાં જ મહિલાની સફળ ડિલિવરી કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે સિંહોએ ગાડીને ઘેરી લીધી હતી પણ કોઈ નુકસાન નહોતું પહોંચાડ્યું. તો મેડિકલ ઓફિસરના જણાવ્યા પ્રમાણે 108ની ટીમ પણ જંગલમાં બનતી આવી ઘટનાઓથી પરિચિત હતી. આથી કોઈ મુશ્કેલી ન પડી. આખરે બાળક અને માતાને જાફરાબાદની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.

No comments: