Monday, July 31, 2017

ગીર પંથકમાં મેઘાની સટાસટી, આંબળાશમાં છ કલાકમાં મુશળધાર 8 ઇંચ વરસાદ


Bhaskar News, Talala | 2017-07-21T00:58:00+00:00
તાલાલામાં 2 ઈંચ, સાસણ સહિત જંગલમાં પણ ધમાકેદાર વરસાદ
તાલાલા: તાલાલા સહિત ગીર પંથકમાં આજે બપોરથી મેઘરાજાએ જમાવટ કરી વરસવાનું ચાલુ કરતા આંબળાશ ગામ અને આસપાસનાં વિસ્તારોમાં બે કલાકમાં ધમાકેદાર ચાર ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી - પાણી થઇ ગયેલ. જયારે તાલાલામાં સાંજે પાંચ થી છ એક કલાકમાં મુશળધાર બે ઇંચ વરસાદ ખાબકતા સ્વયંભુ કર્ફયુ થઇ ગયો હતો. તાલાલા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો તેમજ સાસણ ગીર જંગલમાં પણ વરસાદ પડી ગયો હતો. આ લખાય છે ત્યારે પણ ઘોધમાર વરસાદ વરસવાનું ચાલુ હોય મેઘરાજાની જમાવટથી ગીર પંથકનાં લોકો ખુશ ખુશાલ બન્યાં છે.
સુત્રાપાડા - ધામળેજ પંથકમાં ત્રણ ઇંચ વરસાદ
સુત્રાપાડા સહિત ધામળેજ અને ગ્રામ્ય પંથકોમાં ગુરૂવારે બપોરનાં ત્રણ વાગ્યાથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સાંજનાં 6 સુધીમાં ત્રણ ઇંચ જેવું પાણી વરસાવી દીધુ હતું. દરિયામાં પણ કરંટ જોવા મળેલ અને ઉંચા મોજાઓ ઉછળી રહયાં હતાં. તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.
વેરાવળમાં મોડી રાત્રીનાં બે ઈંચ પાણી વરસ્યું

વેરાવળ શહેરમાં ગુરૂવારે રાત્રીનાં મેઘરાજાએ આગમન કરી બે ઈંચ જેવું પાણી વરસાવી દીધું હતું. તાલુકાનાં ગ્રામ્ય પંથકોમાં પણ સારો વરસાદ પડી ગયાનાં અહેવાલ મળી રહ્યાં હતા.
કોડીનાર અને ગ્રામ્ય પંથકમાં 1 ઈંચ વરસાદ

કોડીનાર અને ગ્રામ્ય પંથકમાં પણ ગુરૂવારે રાત્રીનાં સમયે એક ઈંચ જેવું પાણી પડી ગયું હતું. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી સારો વરસાદ પડી રહ્યો હોય ખેતી પાકનું ચિત્ર વધુ ઉજળું બન્યું છે. જ્યારે નાઘેર ગણાતા ઉના-ગીરગઢડા પંથકમાં મેઘરાજાએ ગુરૂવારે વિરામ લીધો હતો. લોકોમાં વરસાદથી રાહતની લાગણી પ્રસરી છે.

No comments: