Monday, July 31, 2017

સિંહણને પામવા બે સિંહો વચ્ચે ખરાખરીનો જંગ, જંગલ ગુંજી ઉઠ્યું

Bhaskar News, Visavadar | 2017-07-30T23:22:00+00:00
બન્ને નર ગૃપ વચ્ચે સિંહણને પામવા માટે જંગલની બોર્ડર પાસે ખરાખરીનો જંગ ચાલ્યો હતો.
વિસાવદર: શનિવારની મોડીરાત્રીનાં પીપાવાવનાં રેલ્વે ફાટક નજીક સિંહોનું ગૃપ મારણની મીજબાની માણી વિસરી રહ્યું હતું. તેવામાં જંગલ તરફથી ગીરનાં પ્રખ્યાત લાલચોટી તરીકે ઓળખાતા બે નર આવ્યા અને જંગલની બીજી તરફથી બે પઢારીયા નર પણ સિંહણને પામવાની ફિરાકમાં આવી ચઢ્યા હતા. તેવામાં બન્ને નર ગૃપ વચ્ચે સિંહણને પામવા માટે જંગલની બોર્ડર પાસે ખરાખરીનો જંગ ચાલ્યો હતો. તેમાં માથાભારે અને ગીરનાં પ્રખ્યાત લાલચોટી ગૃપનાં સિંહો સિંહણને લઇ જંગલ તરફ ચાલ્યા ગયા હતા. તેવામાં બે પઢારીયા સિંહો દ્વારા સિંહણને પરત તેની સાથે લેવા માટે લાલચોટી ગૃપ સાથે લડાઇ કરી હતી.

પરંતુ ખુંખાર અને જેની હાકડાક વાગે અને તેનો એરીયો 50 કિ.મી.થી વધુ હોય તેવા લાલચોટી ગૃપ સાથેની લડાઇમાં પઢારીયા નર સિંહોને ઇજા પહોંચી હતી અને લીલા મોઢે જંગલમાં ભાગવું પડ્યું હતું અને આ સિંહણને તેના ગૃપમાંથી અલગ પાડી બન્ને નર સિંહો સિંહણને જંગલમાં મેટીંગમાં લઇ ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પરંતુ બન્ને ગૃપની લડાઇથી જંગલ ગુંજી ઉઠ્યું હતું.

No comments: