Monday, September 30, 2019

દુનિયામાં ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ રાસાયણિક ખેતી છે, 1 દેશી ગાયથી 30 એકરમાં ખેતી થઇ શકે: રાજ્યપાલ

  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા બે દિવસીય વર્કશોપમાં હાજર રહ્યા

Divyabhaskar.Com

Sep 16, 2019, 02:55 PM IST
જૂનાગઢ: ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢની મુલાકાતે હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે સુભાષ પાલેકર પ્રકૃતિ ખેતી જન આદોલન ગુજરાત દ્વારા યોજાનાર બે દિવસીય વર્કશોપમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, દુનિયામાં ગ્લોબલ વોર્મિંગનું કારણ રાસાયણિક ખેતી છે. 1 દેશી ગાયથી 30 એકરમાં ખેતી થઇ શકે.
જેતુનાશક જવાથી મોટુ નુકસાન પહોંચી રહ્યું છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, યુરીયા ડીએપી રાસાયણિક ખાતરથી જમીન બંજર બની જાય છે. જીવામૃત, ઘન જીવામૃતથી બંજર જમીનમાં પહેલા વર્ષથી જ ઉત્પાદન થવા લાગ્યું છે. રાસાયણિક ખાતર ઉત્પાદન કરતી વિદેશી ફેક્ટરીના ભોપાલ ગેસકાંડમાં 1 કલાકમાં 40 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. તો આ રાસાયણિક ખાતર પાકને આપી તેમાંથી મળતુ ઉત્પાદનમાં પણ ઝેરી અસર થાય છે. તે આપણને કેટલું નુકસાન પહોંચાડે છે. આપણે બોલીએ છીએ ગૌમાતાની જય પરંતુ આપણે ગાય નથી પાળતા કે નથી ગાયનું દૂધ પીતા તો શેની ગૌમાતાની જય. અસાધ્ય રોગ રાસાયણિક ખાતરથી જ થાય છે. મહારાષ્ટ્રમાં જંતુનાશક દવાની ગંધથી જ 40 ખેડૂતોના મોત થયા હતા. આ દવાનું ઝેર શાકભાજી, ફ્રૂટ અને પશુના ચારામાં જાય છે. જેનાથી આપણને મોટુ નુકસાન પહોંચી રહ્યું છે.
(અતુલ મહેતા, જૂનાગઢ)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/governor-meet-junagadh-agriculture-university-at-junagadh-1568543746.html?art=next

યુવાનોનું જળસંચય, દોઢ કિમીની કેનાલ બનાવી 10 એકરથી મોટું તળાવ ભર્યું, 500 એકર જમીનને ફાયદો

  • માણાવદર તાલુકાનાં વેકરી ગામનું પ્રેરણાદાયી પગલું, વર્ષોથી ખાલી રહેતું તળાવ માનવ મહેનતે છલકાઈ ગયું

Divyabhaskar.Com

Sep 16, 2019, 10:32 AM IST
માણાવદર: માણાવદર તાલુકાના નાનકડા વેકરી ગામમાં યુવા ખેડૂતોની કોઠાસૂઝ અને દીર્ઘ દ્રષ્ટિથી દોઢ કિલોમીટર લાંબી નહેર બનાવી મહેનત કરી શ્રમદાન કર્યું. ભરઉનાળે પરસેવો પાડી આજે લગભગ દશેક એકરથી મોટું તળાવ પાણીથી ભરાઇ ગયું છે. લગભગ પાંચસો એકર જમીનમાં આ પાણીથી ફાયદો થશે. આ તળાવની જળ સંગ્રહશક્તિ લગભગ 01.04 એમસીએફટી હશે. માણાવદર તાલુકાનાં વેકરી ગામે આવેલું "કમઠ' નામનું તળાવ માત્ર ભાદર નદી ઓવરફ્લો થતાં પાણી આવતું હતું. જો કે છેલ્લા ઘણાં વર્ષોથી સારો વરસાદ ન થવાને કારણે આ તળાવમાં પાણી આવ્યું ન હતું. જો કે આ બાબતે ગામનાં ખેડૂતોએ અનેક રજૂઆતો સરકારમાં કરવા છતાં કોઇ પરિણામ ન આવતાં અંતે તેઓએ જાતે આ તળાવ ભરવાનો સંકલ્પ લીધો અને કહેવાય છે કે ને મહેનતનો કોઇ પર્યાય નથી તેમ તેઓએ કરેલી મહેનત રંગ લાવી.
તાલુકા પંચાયતના સદસ્યનું પણ માર્ગદર્શન મળ્યું હતું
દોઢ કિલોમીટર લાંબી કેનાલ બની જતાં આ વર્ષે ભાદરવે સારો વરસાદ પડી જતાં આ તળાવ હાલ છલોછલ ભરાઇ ગયું છે. જો કે આ બાબતે તાલુકા પંચાયતનાં સદસ્ય રામશીભાઇ ખોડભાયાનું પણ માર્ગદર્શન મળ્યું હતું. ત્યારે હાલ આ વિસ્તારનાં ખેતરો માટેની પાણી સમસ્યા હલ થઇ ગઇ છે. તો બીજી તરફ તેમણે કરેલું આ કામ ખરેખર જળસંચય બાબતે જો દરેક ગામનો યુવા કરવા માંડે તો પાણીની સમસ્યા આપમેળે હલ થઇ જાય તેમ છે. અંતમાં ખેડૂતોએ ઉમેર્યું હતું કે જો સરકાર નાળા - પુલીયાનું કામ મંજૂર કરવામાં આવે તો જે રસ્તાનું ધોવાણ થાય છે તે અટકી શકે તેમ છે.
પાણી બચાવવાની જવાબદારી માત્ર સરકારની હોતી નથી
આમ જોવા જઇએ તો પાણી બચાવવા કે જળસંચયની કામગીરી માત્ર સરકારની નથી. જો દરેક ગામનો નાગરીક પાણી બચાવવા માટે જાગૃત થઇ જાય તો અબજો ગેલન વરસાદી પાણી જે વેડફાય જાય છે તેનો સરળતાથી સંગ્રહ થઇ શકે તેમ છે. -નિલેશ પાણખાણિયા ખેડૂત
વર્ષોથી ખાલી રહેતું તળાવ હવે ક્યારેય ખાલી નહીં રહે
વર્ષોથી જે તળાવે પાણી જોયું ન હતું તે તળાવમાં દોઢ કિમીની કેનાલ બનાવી પાણી વાળી દેવાતાં હવે આગામી વર્ષે વરસાદ સારો પડશે તો આ તળાવ હવે ક્યારેય ખાલી નહીં રહે જે ખરેખર માનવ શક્તિનું એક ઉમદા ઉદાહરણ છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/the-one-and-half-kilometer-canal-filled-a-lake-larger-than-10-acres-near-manavadar-1568610351.html

કેરળના સફારી પાર્કને આપેલ સિંહની જોડીમાંથી સિંહણનું મોત

DivyaBhaskar News Network

Sep 20, 2019, 07:01 AM IST
પ્રાણી એકચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ પ્રાણીસંગહાલય દેશના વિવિધ 13 ઝૂને સિંહ સહિતના પ્રાણીઓ આપી ત્યાંથી પ્રાણી, પક્ષી લઇ આવવામાં આવી રહ્યા છે. 

આ વર્ષમાં સક્કરબાગ ઝૂ એ દેશના અનેક ઝૂને સિંહની જોડી આપી વિવિધ પ્રાણી, પક્ષી લઇ આવ્યા છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય અને નૈયર સફારી પાર્ક કેરળ વચ્ચે વન્યપ્રાણી વિનિમય હેઠળ રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા મળેલી મંજુરી અંતર્ગત તા.10 ઓગષ્ટના નૈયર સફારી પાર્ક, કેરળ ખાતેથી સક્કરબાગ ઝૂમાં ભારતી મોટી ખિસકોલી લાવવામાં આવી છે. જેના બદલામાં કેરળ ઝૂને રાધા સિંહણ અને નાગરાજ સિંહની જોડી આપવમાં આવી હતી. 

પરંતુ કેરળ ઝૂમાં રાધા નામની સિંહણનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે સિંહનું મોત ક્યાં કારણોથી થયું છે તે જાણવા મળ્યું નથી. રાધા સિંહણને ત્યાંનુ વાતાવરણ અનુકુળ ન આવ્યું હોય તેમજ કોઇ બિમારીના કારણે મોત થયું છે. તે અંગેની તપાસ ચાલી રહી છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-lion-dies-from-a-lion-pair-given-to-a-safari-park-in-kerala-070123-5524602-NOR.html

વિસાવદરનાં ભટ્ટવાવડીની સીમમાં દીપડાએ પ્રૌઢને અને ખાંભાના મુંજીયાસરમાં 70 વર્ષના વૃદ્ધને ફાડી ખાધા

  • ચાર દિવસે કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખબર પડી
  • નજીકમાં ફૂટમાર્કનાં આધારે દીપડો હોવાનું અનુમાન

Divyabhaskar.Com

Sep 20, 2019, 03:23 PM IST
જૂનાગઢ:વિસાવદરનાં ભટ્ટવાવડી સીમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાનાં હુમલામાં મૃત્યુ થયું હોવાનું અનુમાન છે. હાલ તો ફોરેન્સીક લેબમાં મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. બનાવની મળતી વિગત મુજબ ભટ્ટવાવડી ગામમાં રહેતા જયમતભાઇ વાળાનાં ખેતર પાસે અતિ દુર્ગંધ આવતી હતી. તપાસ કરતાં અહીં મૃતદેહ પડયો હતો. જેની જાણ સરપંચને કરવામાં આવી હતી. સરપંચે પોલીસ અને વન વિભાગનાં અધિકારીને જાણ કરતાં સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહની આસપાસ તપાસ કરતાં દીપડાનાં ફુટમાર્ક જોવા મળ્યાં હતાં. પ્રાથમિક તારણમાં દીપડાનાં હુમલાનું મૃત્યુ થયાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ખાંભાના મુજીયાસરમાં એક વૃદ્ધ મહિલાને દીપડાએ ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી હતી.
મૃતદેહને ફોરેન્સીક લેબમાં જામનગર મોકલાયો
મૃતદેહની ઓળખ માટે તપાસ કરતાં ભલગામમાં રહેતા નાનજીભાઇ માલાભાઇ (ઉ.વ.50)નું હોવાનું બહાર આવ્યું હતું. વન વિભાગે મૃતકનાં પુત્ર રાજેશભાઇને જાણ કરી હતી. મૃતદેહને વિસાવદર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડો.ફુલાત્રાએ જણાવ્યું હતું કે મૃતદેહ કોહવાહી ગયો છે અને બે -ત્રણ દિવસ પહેલા મૃત્યુ થયાંનું અનુમાન છે. હાલ મૃતદેહને ફોરેન્સીક લેબમાં જામનગર મોકલવામાં આવ્યું છે.
13 હજાર રૂપિયા મળી આવ્યાં
પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમની પાસે કોઇ દિવસ 30થી 40 રૂપિયાથી વધુ રૂપિયા વધુ હોય નહીં. પરંતુ તેમના મૃતદેહ નજીકથી 13 હજાર રૂપિયા મળી આવ્યાં છે. જે માનવામાં આવતું નથી.
મૃતકની વર્ષો પહેલા ભટ્ટવાવડીમાં જમીન હતી
મૃતક નાનજીભાઇની વર્ષો પહેલા ભાટવાવડી જમીન અને મકાન હતાં. જે વેંચી ધારીનાં ગુંદાળા જતાં રહ્યાં હતાં. તેમના ભાઇ ભલગામ ખાતે રહે છે. રવિવારનાં ત્યાંથી નિકળ્યાં હતાં અને ભાટવાવડી ગામે આવ્યાં હતાં. તેઓ અવાર-નવાર ભટ્ટવાવડી ગામે આવતાં અને ત્રણ-ચાર દિવસ રોકાતા હતાં.
મુજીયાસરમાં એક વૃદ્ધ મહિલાને દીપડાએ ફાડી ખાધી
ખાંભાના મુજીયાસરમાં એક વૃદ્ધ મહિલાને દીપડાએ ફાડી ખાધા હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે 5 વાગ્યે કુદરતી હાજતે ગયેલા નાનીબેન નામના 70 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કરી ફાડી ખાધા હતા. દીપડો વૃદ્ધ મહિલાને લઈ 1 કિમી દૂર સુધી ઢસડી મુજીયાસરની સિમ વટાવી ત્રાકુંડા ગામની ગોબરભાઈ પ્રજાપતિની વાડીમાં લઈ જઈ ફાડી ખાધા હતા.. હાલ લોકોએ દીપડાને પાંજરે પુરવા માંગ કરી રહ્યાં છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leapord-attack-on-old-man-in-visavadar-125748499.html

કોઇપણ ગાયની કૂખેથી હવે ગીર ગાય જન્મી શકશે, ભારતે ટેક્નોલોજી ખરીદી, ભારત-બ્રાઝીલ વચ્ચે 1 લાખ ડોઝનો કરાર થયો

  •  ટેક્નોલોજી બ્રાઝીલે વિકસાવી છે, જે ટેકનોલોજીનો અમલ હવે ભારતમાં પણ થશે

Divyabhaskar.Com

Sep 21, 2019, 10:41 AM IST
જૂનાગઢ:કોઇપણ ઓલાદની ગાયની કૂખેથી ગીર ઓલાદની ગાય જન્મી શકે છે. આ ટેક્નોલોજી બ્રાઝીલે વિકસાવી છે અને ભારતે આ ટેક્નોલોજી થકી ભારતની જે મૂળ 8 ગાયની પ્રજાતિઓ છે તેને બચાવવા, તેનું સંવર્ધન કરવા માટે આ ટેક્નોલોજી ખરીદી લીધી છે. જૂનાગઢનાં જામકા ખાતે ગઇકાલે આવી પહોંચેલા બ્રાઝીલીયન વૈજ્ઞાનિકો ડો. જોશ ઓટ્ટાવિયો અને ડો. ફર્નાન્ડોએ જામકા ખાતે આ વિગતો આપી તેની ચર્ચા પણ કરી હતી.
બ્રાઝીલમાં હાલ 21 કરોડ 50 લાખ ગીર ગાયો છે
ડો. ફર્નાન્ડો ગૌવંશની એમ્બ્રિયો ટેક્નોલોજીનાં નિષ્ણાંત છે. એમ્બ્રિયો એટલે ભ્રૂણ. જેમાં કોઇપણ ગાયને સરોગેટ મધર બનાવી તેની કૂખેથી ગીર કે ભારતની મૂળ 8 પ્રજાતિ પૈકીની કોઇપણ ગાયને જન્માવી શકાય એવી આ ટેક્નોલોજી છે. ભારત અને બ્રાઝીલ વચ્ચે હજુ 4 દિવસ પહેલાંજ બ્રાઝીલથી ગીર ગાયનાં 1 લાખ ભ્રૂણનાં ડોઝ લાવવાનો કરાર કર્યો છે. બ્રાઝીલે વર્ષો પહેલાં ભાવનગરથી ક્રિષ્ના નામનો ધણખૂંટ અને 5 ગીર ગાયો મંગાવી હતી. એમાંથી આજે ત્યાં 21 કરોડ 50 લાખ ગીર ગાયો છે. ત્યાંની સંસદની બહાર આજે ક્રિષ્ના ધણખૂંટની પ્રતિમા પણ મૂકેલી છે. આપણે આજે જર્સી ગાયનું અને રોગને આમંત્રણ આપતું એ-1 પ્રકારનું દૂધ પીએ છીએ. તેને બદલે શ્રેષ્ટ ગુણવત્તાનું એ-2 પ્રકારનું દૂધ પીવા સાથે દુનિયામાં તેનો પાવડર બનાવીને નિકાસ પણ કરી શકીએ એ માટે આ એમ્બ્રિયો ટેક્નોલોજીની આયાત કરાઇ રહી છે.
વિદેશી વૈજ્ઞાનિકોને ગૌવંશ માટેના પોષાક ભેટમાં અપાયા
જામકા ખાતે ગીર ગાયોના વંશની ચર્ચા અને આદાન પ્રદાન સાથે બંને વૈજ્ઞાનિકો ભારતમાં માનવી પોતે કેવી રીતે રહે છે અને ગૌવંશનું જતન કેવી રીતે કરે છે. તેની વિગતો જાણી હતી. આ તકે પરસોત્તમભાઇ સીદપરા સહિતનાએ તેમને ગાયોને પહેરાવવાનાં પોષાકની ભેટ આપી હતી. આ પોષાક બ્રાઝીલના પશુમેળામાં વિજેતા થનાર 3 ગૌવંશને પહેરાવવામાં આવનાર છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/india-can-born-gir-cows-from-any-cow-india-buys-technology-125755571.html

ભૂંડને ગળી જઇ 14 ફૂટનો અજગર ખેડૂતની પાણીની લાઇનમાં ઘૂસ્યો, વનવિભાગે રેસ્ક્યુ કરી 5 કલાકે પકડ્યો

  • કોડીનારના છાછર ગામે અજગર ખેડૂતના ખેતરમાં ઘૂસી આવ્યો હતો

Divyabhaskar.Com

Sep 22, 2019, 12:00 PM IST
ગીરસોમનાથ: કોડીનારના છાછર ગામે 14 ફૂટ લાંબો અજગર આવી ચડ્યો હતો. વાડી વિસ્તારમાં અજગરે ભૂંડને ગળી જઇ એક ખેડૂતના ખેતરમાં રહેલી પાણીની પાઇપલાઇનમાં ઘૂસી ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ થતા ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અજગરે ગળી ગયેલા ભૂંડને બહાર કાઢ્યા બાદ 5 કલાકની જહેમત બાદ પકડાયો હતો અને તેને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો. બાદમાં તેને જંગલમાં ફરી મુક્ત કરી દેવામાં આવશે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/panther-arrested-by-forest-deparment-near-kodinar-125760722.html

સાવજોમાં પણ હોય છે સજાતીય વૃત્તિ, ગીરના દેવળિયાના બે સિંહ એકબીજા સાથે સજાતીય સંબંધ ધરાવે છે

  • 7 અલગ અલગ કિસ્સાનો અભ્યાસ કરવામાં આવ્યો઼
  • 3 વર્ષના સિંહો ઉત્સુકતા અને જિજ્ઞાસાવૃત્તિને લીધે સજાતીય સંબંધ બાંધતા જોવા મળ્યા
  • આ પ્રકારની વૃત્તિ માત્ર સિંહોજ નહીં તમામ પ્રકારનાં વન્ય અને પાલતુ પ્રાણીઓમાં પણ ઘણી વખત જોવા મળે છે

Divyabhaskar.Com

Sep 25, 2019, 12:14 AM IST
જૂનાગઢ: માદા સાથે મિલન શક્ય ન બન્યું હોય એવા અમુક સાવજોમાં સજાતીય વૃત્તિ પણ જોવા મળતી હોય છે. વનઅધિકારીઓ અને સંશોધકોના અવલોકનોમાં આ પ્રકારની વૃત્તિ જોવા મળી છે. જંગલનો રાજા ગણાતા સિંહ પૈકીના અમુક પણ સજાતીય સેક્સની વૃત્તિ ધરાવતા હોવાનું એક અવલોકન દરમિયાન જાણવા મળ્યું છે. 2 થી 3 વર્ષની વયના સિંહો ઉત્સુકતા અને જિજ્ઞાસાવૃત્તિને લીધે સજાતીય સંબંધ બાંધતા જોવા મળ્યા હતા.
સાસણ નજીક દેવળીયામાં 2017 નો એક કેસ નોંધવામાં આવ્યો હતો
અગાઉ ગીરના સિંહોમાં સમલૈંગિકતાની નોંધ વન અધિકારીઓ, વન્યપ્રાણી સંરક્ષકો અને સંશોધકો દ્વારા 1973, 1999, 2016 અને તાજેતરમાં 2017 માં કરવામાં આવી છે. અત્યાર સુધીમાં, આ પ્રકારના 7 અલગ અલગ કિસ્સાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. સાસણ નજીક દેવળીયામાં 2017 નો એક કેસ નોંધવામાં આવ્યો હતો કે જ્યાં ઝૂના સિંહો રાખવામાં આવ્યા છે. અહીં બે-ત્રણ વર્ષના સિંહો હોમોસેક્સ માણતા જોવા મળ્યા હતા. આ બંન્ને ગે સિંહો 70 ચોરસ કિમીના વિસ્તાર ઉપર શાસન કરે છે. સિંહો ઉપર અભ્યાસ કરતા કેટલાક પ્રકૃતિપ્રેમીઓ પણ ગીરમાં સિંહોની ગતિવિધિઓને ટ્રેક કરતા હતા. ત્યારે ઘણીવખત પુખ્ત વયના 2.5 થી 3 વર્ષની વયના સિંહોમાં હોમોસેક્સ્યુઆલિટી જોવા મળી હતી. એમ પ્રકૃતિપ્રેમી ડો. જલ્પન રૂપાપરાનું કહેવું છે.
એશિયાટિક સિંહમાં સમલૈંગિકતા શીર્ષક હેઠળ આ અંગેનો એક અહેવાલ પણ છે
નિવૃત્ત વનઅધિકારીઓનાં કહેવા મુજબ, આ પ્રકારની વૃત્તિ સામાન્ય રીતે માદા સાથેના સંવનન વિના વિચરતા સિંહોમાં જોવા મળે છે. નર સિંહોમાં આ પ્રકારનું સમલૈંગિક વર્તન જોવા મળ્યું હતું. મુખ્યત્વે 1998 થી 2000 દરમિયાન અમે ઘણી વખત આ માટેનો અહેવાલ આપ્યો હતો. એશિયાટિક સિંહમાં સમલૈંગિકતા: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાંથી એક કેસ અધ્યયન” શીર્ષક હેઠળ આ અંગેનો એક અહેવાલ પણ છે. આ પ્રકારની વૃત્તિ માત્ર સિંહોજ નહીં તમામ પ્રકારનાં વન્ય અને પાલતુ પ્રાણીઓમાં પણ ઘણી વખત જોવા મળે છે. અને એ સામાન્ય કૃદરતી પ્રક્રિયા છે એમ સીસીએફ ડી. ટી. વસાવડા કહે છે.
આજીવન કેદમાં દેવળિયાના બંને ગે સાવજો
ગૌતમ અને ગૌરવ બંનેએ દેવળિયામાં વનકર્મચારી પર હુમલો કરી તેને ફાડી ખાધો હતો. આ બનાવ બાદ બંનેને આજીવન કેદ ફરમાવાતાં જૂનાગઢનાં સક્કરબાગ ઝૂ ખાતેની જેલમાં રખાયા છે.
સજાતીય સંબંધ વખતે ખોરાક ટાળતા હતા
અભ્યાસ દરમિયાન એમ જણાયું કે, સિંહોમાં સમલૈંગિક સંપર્ક દરમિયાન તેઓ ખોરાકને ટાળતા હતા.તેમનો વિસ્તાર પણ બદલી નાંખતા હતા. જે વિજાતીય સમાગમ દરમિયાન અસામાન્ય છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/the-two-lions-of-girs-have-a-homogeneous-relationship-with-each-other-125774909.html

જૂનાગઢ વનવિભાગની દક્ષિણ ડુંગર રેન્જના ખોડીયાર રાઉન્ડમાંથી ચંદનનાં લાકડાની

Sep 25, 2019, 06:46 AM IST

જૂનાગઢ વનવિભાગની દક્ષિણ ડુંગર રેન્જના ખોડીયાર રાઉન્ડમાંથી ચંદનનાં લાકડાની ચોરી કરતા રંગેહાથ ઝડપાયેલા બે શખ્સોના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. 

જૂનાગઢના દક્ષિણ ડુંગર રેન્જના જંગલમાં ખોડીયાર રાઉન્ડમાં આરક્ષિત ગણાતા ચંદનનાં વૃક્ષ કાપવાના ગુનામાં મુસ્તફાખાં મહેબુબખાં પાટ અને સરદાર શાહા ગફૂર શાહા (રે. બંને ઔરંગાબાદ, મહારાષ્ટ્ર)ની વનવિભાગે અટક કરી કોર્ટમાં રજૂ કરી 3 દિવસનાં રીમાન્ડ પર લીધા હતા. રીમાન્ડ પૂરા થયા બાદ બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. તેઓએ એ વખત જામીન અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં તેઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. તેને પણ કોર્ટે ફગાવી દીધી હતી. આ ઘટનામાં તેમની સાથે અન્ય શખ્સો પણ હતા. વન વિભાગે જુદી-જુદી ટીમ બનાવી તેની શોધખોળ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી કોઇ હાથમાં આવ્યા નથી. તેમજ અગાઉ પણ ગીર જંગલમાં ચંદનચોરીની ઘટનાઓ બની છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-sandalwood-064645-5565663-NOR.html

પર્યાવરણને બચાવવા જટાશંકર ખાતે 12 મોટી કચરાપેટી મૂકાઇ

DivyaBhaskar News Network

Sep 25, 2019, 06:50 AM IST
ગરવા ગિરનારની ગોદમાં આવેલ જટાશંકર ખાતે ખાસ કરીને વરસાદી માહોલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને કુદરતી સૌંદર્યની મોજ માણે છે. પરંતુ આ શિક્ષિત લોકો દ્વારા જ પર્યાવરણને મોટુ નુકશાનકર્તા પ્લાસ્ટિકને જ્યાં ત્યાં ફેંકવામાં અાવે છે જેના લીધે પર્યાવરણને નુકશાન પહોંચે છે ત્યારે અહિં મોટી કચરા પેટીઓ મુકવામાં અાવી છે. 

જૂનાગઢ જેસીઆઇ સંસ્થા દ્વારા જટાશંકર ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લોકો જંગલ વિસ્તારમાં જ્યાં ત્યાં કચરો ન ફેંકે અને પર્યાવરણને નુકશાનથી બચાવી શકાય તેવા ઉદ્દેશ્યથી ફોરેસ્ટ અધિકારીઓને 12 મોટી કચરાપેટીઓ જટાશંકર રૂટ ઉપર મુકવા અર્પણ કરાઇ છે. આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલ, પ્રમુખ ડો.વિમલ ગજેરા, કિશોરભાઇ ચોટલીયા, પરેશ મારૂ, જયદિપ ધોળકીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આ મોટી કચરાપેટીને જટાશંકર સુધી પહોંચાડવામાં વિરલ કડેચા, આશિષ સોજીત્રા, આશિષ સીમેજીયા, પ્રશાંત ચાવડા, કુલદીપ સોની, ચેતન સાવલીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-12-large-garbage-cans-were-placed-at-jatshankar-to-protect-the-environment-065026-5565672-NOR.html

સક્કરબાગ ઝૂનાં ઇટાવા જતા સિંહો સુખરૂપ

DivyaBhaskar News Network

Sep 25, 2019, 06:51 AM IST
સાવજોને ઇટાવા તેડી જવા ખાસ જૂનાગઢ આવેલા ઉત્તર પ્રદેશ વનવિભાગનાં વેટરનરી તબીબ ડો. ગૌરવ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હજુ અમે રસ્તામાં છીએ. અને દિવસમાં ટાઇમ સર સાવજોનું પાણી બદલવા સાથે તેમને ખોરાક અને મલ્ટી વિટામીન તેમજ મિનરલ્સ ધરાવતી એન્ટી સ્ટ્રેસ દવાઓ આપવામાં આવી રહી છે. સિંહ જેવા પ્રાણીઓ આ પ્રકારની મુસાફરી જીંદગીમાં માંડ બે કે ત્રણ વખત કરતા હોય છે. આથી મુસાફરી વખતે તેઓને સ્ટ્રેસ થતો હોય એ દૂર કરવા આ દવાઓ અપાય છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-sakkarbagh-zoo-is-happy-to-have-lions-going-to-etawah-065114-5565646-NOR.html

શિકાર પાછળ દોડતો દીપડો બાઇક સાથે અથડાયો, બાઇકચાલક અને દીપડાને ઇજા

  • વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ, જાવંત્રી ગીરનો હોવાનું અનુમાન

Divyabhaskar.Com

Sep 25, 2019, 08:48 PM IST
ગીરસોમનાથ: ગીરમાં શિકારની પાછળ દોડતો દીપડો અચાનક રસ્તા પરથી પસાર થઇ રહેલા બાઇક સાથે અથડાયો હતો. બાઇકચાલક અને દીપડા બંનેને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. લોકોએ મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે. વીડિયોમાં લોકો બોલે છે કે પથ્થર મારો નહીં. દીપડો ઉભો પણ થઇ શકતો નથી. આ બનાવ જાવંત્રી ગીરનો હોવાનું અનુમાન છે. 
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-hit-to-bike-so-bike-driver-and-leopard-injured-in-gir-forest-125780928.html

સર્પદંશથી પુત્રનું મૃત્યું થયાના 12 કલાકમાં મહિલાએ ડિલેવરી દરમિયાન

DivyaBhaskar News Network

Sep 27, 2019, 06:50 AM IST

સર્પદંશથી પુત્રનું મૃત્યું થયાના 12 કલાકમાં મહિલાએ ડિલેવરી દરમિયાન પુત્રને જન્મ આપતા ગમગીન પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. આ અંગે મળતી વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના વિરડી ગામના પ્રવિણભાઇ ભરડાના 1 વર્ષ અને 4 માસના પુત્રને સવારે 8:30 વાગ્યે સર્પે દંશ દેતા તેનું સારવાર મળે તે પહેલા મૃત્યું નિપજયું હતું. આ ઘટનાને કારણે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. દરમિયાન તેમના સગર્ભા પત્નીએ રાત્રીના 8:30 વાગ્યે બાળકને જન્મ આપતા પરિવારમાં ફરી ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. જોકે,12 કલાકમાં પરિવારમાં ખુશી પરત લાવવામાં સ્થાનિક આશાવર્કર કલાબેન વેગડાનો મહત્વનો રોલ રહ્યો હતો. વાત જાણે એમ બની હતી કે, પ્રવિણભાઇના પુત્રને સર્પે દંશ દેતા તેઓ છકડો રિક્ષામાં પુત્રને સારવાર માટે લઇ ગયા હતા જેને કારણે પ્રાથમિક સારવાર ન મળવા ઉપરાંત સમયસર હોસ્પિટલે ન પહોંચતા બાળક ગૂમાવવો પડયો હતો. જયારે સાંજે પ્રવિણભાઇના પત્નીને પ્રસવની પીડા ઉપડી ત્યારે આશાવર્કર કલાબેન વેગડાએ સવારની ઘટનાને વર્ણવી ખાનગી વાહનને બદલે 108માં લઇ જવા પરિવારજનોને સમજાવી દીધા હતા. બાદમાં 108ને ફોન કરતા ઇઅેમટી કૌશીક ગામી અને પાયલોટ ભરતભાઇ નંદાણીયાએ તુરત પહોંચી ગયા હતા. જોકે સવારે પુત્ર ગૂમાવ્યો હોય ગમના કારણે મહિલાની સ્થિતી અર્ધબેભાન જેવી હતી. એવામાં હોસ્પિટલે પહોંચે તે પહેલા બાળકનું માથું બહાર આવી ગયું હતું. જોકે આવી સ્થિતીમાં પણ પ્રાથમિક સારવાર અને બાદમાં માળીયા હાટીના સીએચસીમાં મળેલી યોગ્ય સારવારના કારણે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. આમ, ગૂમાવેલો પુત્ર 12 કલાકમાં પરત મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-during-delivery-the-woman-delivered-within-12-hours-of-her-son39s-death-from-snake-bite-065055-5582842-NOR.html

એશિયાની સૌથી મોટી પરીયોજના ગણાતો ગિરનાર રોપ-વેની તમામ જૂનાગઢવાસીઓ કાગડોળે

DivyaBhaskar News Network

Sep 27, 2019, 06:55 AM IST
એશિયાની સૌથી મોટી પરીયોજના ગણાતો ગિરનાર રોપ-વેની તમામ જૂનાગઢવાસીઓ કાગડોળે વાટ જોઇ રહ્યા છે. જોકે, હવે તેનું આગામી ડિસેમ્બરમાં ખુદ વડાપ્રધાનનાં હસ્તે ઓપનીંગ થવાની જાહેરાત થઇ ચૂકી છે. આ યોજના શરૂ થતાં જૂનાગઢમાં કાયમી ધોરણે ઓછામાં ઓછા 15 થી 20 હજાર પ્રવાસીઓની આવનજાવન રહેશે એમાં બેમત નથી. રાજકોટ, જામનગર, વેરાવળ, પોરબંદર, અમરેલી, સહિતનાં શહેરોમાંથી લોકો ખાસ રોપ-વેમાં ગીરનાર જવા માટે પણ આવી પહોંચશે. પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો ગુરૂદત્તાત્રેયનાં શીખરે આવે છે. રોપ-વે શરૂ થતાં તેની સંખ્યા હજુ વધશે. દુનિયાભરનાં ફોટોગ્રાફરો, ફરવાનાં શોખીનોનો ધસારો વધવાનો છે. જૂનાગઢમાં અત્યારથીજ નવી હોટલો બનવા લાગી છે. તો બ્રાન્ડેડ રેસ્ટોરન્ટો પણ પોતપોતાનાં આઉટલેટો ખોલશે. જેને લીધે જૂનાગઢમાં પ્રવાસન આધારિત રોજગારી વધ્યા વિના રહેવાની નથી. ગિરનારમાં જયારે ઓછા પ્રવાસીઓ હોય એ ચોમાસાની સિઝનમાં સિમલા જેવો નજારો દેખાય. રોપ-વે થતાં ચોમાસામાં પણ પ્રવાસીઓ વધશે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-all-the-old-timers-of-rop-way-considered-the-largest-in-asia-065510-5582825-NOR.html

જૂનાગઢ આવનારનાં ફરવા માટેનાં લિસ્ટમાં ગિરનાર ઉપરાંત ઉપરકોટ, સક્કરબાગ, નરસિંહ

DivyaBhaskar News Network

Sep 27, 2019, 06:55 AM IST
જૂનાગઢ આવનારનાં ફરવા માટેનાં લિસ્ટમાં ગિરનાર ઉપરાંત ઉપરકોટ, સક્કરબાગ, નરસિંહ મહેતાનો ચોરો, ભવનાથ મંદિર, દામોદર કુંડ, મ્યુઝિયમ, આટલાં સ્થળો તો હોય હોય ને હોયજ. ઉપલા દાતારની જમિયલશા પીરની જગ્યાએ વર્ષે લાખ્ખો યાત્રાળુઓ આવે છે. તો ગિરનારની પરિક્રમામાં આવતા આશરે 9 થી 10 લાખ યાત્રાળુઓ માટે તો તંત્રએ ખાસ વ્યવસ્થા ઉભી કરવી પડે છે. ભવનાથમાં દર વર્ષે યોજાતા મહાશિવરાત્રિનો મેળો પણ પરંપરાગત યોજાતો આવે છે. આ મેળામાં દર વર્ષે અંદાજે 8 થી 10 લાખ ભાવિકો આવે છે. હવે તો રાજ્ય સરકારે તેને મીની કુંભનો દરજ્જો આપી દીધો છે. આ સિવાય વર્ષ દરમ્યાન મકર સંક્રાંતિ, હોળી, જન્માષ્ટમી, દિવાળી અને નાતાલની રજાઓમાં પ્રવાસીઓનાં ઘોડાપૂર ઉમટવા લાગ્યા છે. આ દિવસોમાં ગુજરાતભરનાં પ્રવાસીઓ આવે છે. તો શ્રાવણ માસ દરમ્યાન ગીરનારના જંગલમાં અાવેલી જટાશંકર, કાશ્મીરીબાપુની જગ્યા, બોરદેવીની જગ્યા, સરકડીયા હનુમાનજીની જગ્યા, આત્મેશ્વર, ઇંટવા, મથુરેશ્વર મહાદેવની જગ્યા, રામનાથ મહાદેવ, વગેરે સ્થળોએ ભારે ભીડ હોય છે. આ રીતે અહીં નેચર ટુરિઝમ વિકસ્યું છે. ગીરનાર પર તો કોઇપણ સીઝનમાં યાત્રાળુઓનો પ્રવાહ સતત ચાલુજ હોય છે. આખા ભારતમાંથી જૈન સંઘો ચાતુર્માસ ઉપરાંત વર્ષભર યાત્રાએ આવતા રહે છે. જૂનાગઢ શહેરમાં પણ હવે લોકો શનિ-રવિના દિવસોમાં ફક્ત ફરવાના હેતુથી બાઇક લઇને આવી પહોંચે છે. દોઢ દાયકા પહેલાં બનેલા અક્ષર મંદિર, જવાહર રોડ પર આવેલા સ્વામી નારાયણ મંદિરે પણ લોકો મોટી સંખ્યામાં અાવે છે. તો ભાદરવી અમાસનાં દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડવા માટે આખા સૌરાષ્ટ્રમાંથી દોઢથી પોણા બે લાખ ભાવિકોનો ધસારો રહે છે. ગીરનાર જંગલમાં વહેતા વોંકળામાં ખાસ ન્હાવા માટે પણ લોકો સૌરાષ્ટ્રભરમાંથી જૂનાગઢ આવતા થયા છે. તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ દેશભરમાંથી ખેડૂતોની બસો નવી ટેક્નોલોજી નિહાળવા આખું વર્ષ મુલાકાતે આવતી રહેતી હોય છે. જામકાની ગિર ગાય આધારિત ખેતી અને જીવન પદ્ધતિ નિહાળવા તાજેતરમાં છેક બ્રાઝીલનાં પશુ તજજ્ઞો અાવી ગયા. અહીં હવે ગિર ગાય આધારિત ટુરિઝમ પણ વિકસ્યું છે. ટૂંકમાં પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢ આખા ગુજરાતનું હબ બની ચૂક્યું છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-incursion-list-for-girnar-besides-girnar-upkot-sakkarbagh-narsingh-065517-5582826-NOR.html

બોરવેલમાં પડેલા ગલુડિયાને અડધી કલાક રેસ્કયુ કરી બચાવ્યું

DivyaBhaskar News Network

Sep 28, 2019, 07:00 AM IST
જૂનાગઢની ફાયર ટીમે 30 ફૂટ ઉંડા બોરમાં પડેલા ગલુડીયાને રેસ્કયુ કરી બચાવી લીધું હતું. જૂનાગઢમાં બોરમાંથી ગલુડીયાને બચાવી લેવાનો આ પ્રથમ બનાવ હતો. આ અંગે મળતી વિગત મુજબ શહેરના દોલતપરા ખાતેની મુરલીધર વાડી પાસે સ્વામિનારાયણ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં કોઇએ બોર કર્યો હશે. જોકે, બોરને ખુલ્લો રાખી દીધો હતો. દરમિયાન દોઢથી બે માસનું ગલુડીયું રમતા રમતા આવ્યું અને બોરમાં પડી ગયું. બાદમાં કુતરી આવી અને બોર પાસે ઉભી રહી રડવા લાગી જોયું તો બોરમાંથી પણ ગલુડીયાનો રડવાનો અવાજ સંભળાયો. બાદમાં તુરત ફાયરને જાણ કરતા દોઢથી બે માસના ગલુડીયાને રેસ્કયુ કરી બહાર કાઢી બચાવી લેવાયું હતું. 

ભાસ્કર ન્યૂઝ, જૂનાગઢ 

જૂનાગઢની ફાયર ટીમે 30 ફૂટ ઉંડા બોરમાં પડેલા ગલુડીયાને રેસ્કયુ કરી બચાવી લીધું હતું. જૂનાગઢમાં બોરમાંથી ગલુડીયાને બચાવી લેવાનો આ પ્રથમ બનાવ હતો. આ અંગે મળતી વિગત મુજબ શહેરના દોલતપરા ખાતેની મુરલીધર વાડી પાસે સ્વામિનારાયણ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં કોઇએ બોર કર્યો હશે. જોકે, બોરને ખુલ્લો રાખી દીધો હતો. દરમિયાન દોઢથી બે માસનું ગલુડીયું રમતા રમતા આવ્યું અને બોરમાં પડી ગયું. બાદમાં કુતરી આવી અને બોર પાસે ઉભી રહી રડવા લાગી જોયું તો બોરમાંથી પણ ગલુડીયાનો રડવાનો અવાજ સંભળાયો. બાદમાં તુરત ફાયરને જાણ કરતા દોઢથી બે માસના ગલુડીયાને રેસ્કયુ કરી બહાર કાઢી બચાવી લેવાયું હતું. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-rescue-the-puppies-in-the-bore-well-for-half-an-hour-070022-5590984-NOR.html

ધારીનાં સરસીયા રોડ પર અજગરે એક મહાકાય હરણનો શિકાર કર્યો

DivyaBhaskar News Network

Sep 03, 2019, 05:55 AM IST
આજે ધારી નજીક એક વિશાળ અજગરે મસમોટા હરણનો શિકાર કરી નાખ્યો હતો. અહીના સરસીયા રોડ પર ખાળીયામા આ અજગર છુપાઇને બેઠો હતો. અને જેવુ એક હરણ તેની બાજુમાથી પસાર થયુ તે સાથે જ અજગરે ભરડો લઇ લીધો હતો. અજગરના ભરડામાથી હરણ છટકી શકયુ ન હતુ અને જોતજોતામા તેના રામ રમી ગયા હતા. દરમિયાન રસ્તા પરથી પસાર થતા લોકોએ અજગરનો આ શિકાર નજરો નજર નીહાળ્યો હતો અને જોતજોતામા ટોળુ એકઠુ થઇ ગયુ હતુ. બાદમા અજગરે આ શિકારને ગળવાનો આરંભ કર્યો હતો. અનેક લોકોને શિકાર કરતા અજગરનો નજારો જાતે નિહાળવા મળ્યો હતો. 

હરણ ઝાડી- ઝાખરામાં ફસાયો હોવાનું તસ્વીર પરથી જોવા મળે છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-dragon-hunted-a-giant-deer-on-the-sariasia-road-on-the-dhari-055509-5387507-NOR.html

મિતિયાળા અભ્યારણ્ય નજીક બે દિવસથી સિંહ-સિંહણના રસ્તા પર ધામા, ખેડૂતો વાડીએ જઇ શકતા નથી

  • મિતિયાળા અભ્યારણ્ય તરફ જવાના રસ્તે સિંહ-સિંહણે અડિંગો જમાવ્યો

Divyabhaskar.Com

Sep 05, 2019, 01:25 PM IST
ખાંભા: હાલ છેલ્લા 5 દિવસથી ધીમી ધારે ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગીર અભ્યારણ્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે અભ્યારણ્યમાં વસતા સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓ અભ્યારણ્ય છોડી રેવન્યુ વિસ્તારમાં આવી ચડ્યા છે. ખાંભા નજીક આવેલ મિતિયાળા અભ્યારણ્ય છોડી એક સિંહણ, સિંહ અને તેના 2 બાળસિંહ રસ્તા પર આવી ચડ્યા છે. ત્યારે સિંહણ દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ જ અડિંગો જમાવી દેતા આ વિસ્તારના ખેડૂતો પોતાની વાડી ખેતરોમાં જવાનું ટાળી રહ્યા છે. જ્યારે અહીં રેવન્યુ વિસ્તાર નજીક એક મારણ પણ કર્યું હતું.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/mittiyala-sanctuary-nazir-for-two-days-the-lions-do-not-go-to-the-lions-on-the-lions-road-1567662393.html

ધારી તાલુકાનાં આંબરડી ગામની બજારમાં મધરાતે સિંહના આંટાફેરા

DivyaBhaskar News Network

Sep 07, 2019, 05:55 AM IST
ધારી ગીરકાંઠાના ગામોમાં શિકાર માટે સાવજો હવે ગમે ત્યારે ગમે તે ગામમાં ઘૂસી જાય છે. ધારી નજીક આવેલા આંબરડી ગામની સીમા લાંબા સમયથી સાવજોનો વસવાટ છે. એક સાવજ ગઈ મધરાતે શિકારની શોધમાં આંબરડી ગામમાં આવી ચડ્યો હતો. અને ગામની બજારોમાં આંટા-ફેરા માર્યા હતા. 

ધારી તાલુકાના આંબરડી આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી સાવજો વસી રહ્યા છે. બાજુમાં જ આંબરડી પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં વનવિભાગ દ્વારા સિંહ દર્શન કરાવવામાં આવે છે. આ પાર્કની બહાર તથા ગામની સીમમાં પણ અન્ય સાવજોનો વસવાટ છે. જે અવારનવાર માલધારીઓ અને ખેડૂતોના ઉપયોગી પશુઓનું મારણ કરતા રહે છે. આ સાવજો ઉનાળાના સમયમાં પાણી માટે દૂર દૂર સુધી ભટકતા રહે છે. શિકારની શોધમાં પણ તેને આમથી તેમ ભટકવુ પડી રહ્યું છે. સાવજો જ્યારે સીમમાં શિકાર ન મળે ત્યારે શિકાર માટે કોઇપણ ગામમાં ઘૂસી જાય છે. 

આંબરડી ગામમાં શિકાર માટે ગઈ રાત્રે આવી જ રીતે એક સાવજ ઘૂસી ગયો હતો. સાવજે અહીં ગામની બજારમાં આંટા-ફેરા માર્યા હતા. જોકે તે કોઈ પશુઓનો શિકાર કરી શક્યો ન હતો. ગામલોકો જાગી ગયા હોય અને વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હોય સાવજે પણ સિમની વાટ પકડી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધારી, રાજુલા, જાફરાબાદ, ખાંભા વિગેરે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવી રીતે સાવજો અવારનવાર કોઈને કોઈ ગામમાં આવી ચડે છે. અને મારણ કરતા રહે છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-midnight-lion39s-entourage-at-anambari-village-bazaar-of-dhari-taluka-055513-5420342-NOR.html

ખાંભાના નાગેશ્રી હાઇવે પર 9 સિંહોએ નીલગાયનું મારણ કર્યું

Divyabhaskar.Com

Sep 08, 2019, 09:03 PM IST
ખાંભાઃ ભારે વરસાદને કારણે વનરાજા ગીરના જંગલમાંથી બહાર આવવા લાગ્યા છે ત્યારે ખાંભાના નાગેશ્રી હાઇવે પાર ડેડાણ નજીક રેવન્યૂ વિસ્તારમાં 9 સિંહોએ ગાયનું મારણ કર્યું છે. હાઇવે નજીક નીલગાયનું મારણ કરતા જોવા રાહદારીઓ ઊભા રહી ગયા હતા. ખાંભાના પીપળવા અને નાના બારમણ ગામમાં સિંહોએ 8 મારણ કર્યા હતા. પીપળવામાં 3 સિંહોએ ગામમાં ઘૂસી 5 મારણ કર્યા હતા. જ્યારે નાના મારવણમાં 2 સિંહોએ 2 મારણ કર્યા હતા. આ ઘટનાની જાણ વનવિભાગને થતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ સિંહોને વિડીના અભ્યારણ્યમાં
ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/nine-lions-died-of-nilgai-on-nagashri-highway-in-khambha-1567958330.html

જીવાપરમાં ઝૂંપડામાં સુતેલા વૃદ્ધા પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો, માથામાં ગંભીર ઈજા

  • વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો તે ઘટનાથી વન વિભાગ અજાણ 

Divyabhaskar.Com

Sep 09, 2019, 10:35 AM IST
ખાંભા: ખાંભા તાલુકાના જીવાપર ગામે રાત્રે ઝુપડામાં સૂતેલા 65 વર્ષીય મોંઘીબેન દેહાભાઇ પરમાર નામના વૃદ્ધા પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. માથાના ભાગે બચકા ભરી લેતા લોહીલૂહાણ બન્યા હતા. વૃદ્ધાએ બૂમાબૂમ કરી મુકતા આસપાસમાંથી પરિવારજનો દોડી આવ્યા હતા અને હાકલા પડકારા કરતા દીપડો નાસી છૂટ્યો હતો. બાદમાં વૃદ્ધાને સારવારમાટે પ્રથમ રાજુલા અને વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલે ખસેડ્યા હતા. દીપડાના હુમલાની ઘટનાથી તુલસીશ્યામ રેન્જ
અને રાબારીકા રાઉન્ડનો વનવિભાગ અજાણ છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/deepa-attacked-deadly-elderly-man-in-slum-in-jeevapar-serious-head-injury-1568005685.html

ગીર જંગલમાં રેલવે ટ્રેક પરથી પાણી ઓસરતાં ફરી ટ્રેન વ્યવહાર શરૂ

DivyaBhaskar News Network

Sep 10, 2019, 06:00 AM IST
ગીરના જંગલમાં ધોધમાર વરસાદના પગલે રેલવે લાઈન પર પાણી ભરાયા હતા. જેના પગલે ગઈકાલે અમરેલીથી વેરાવળની તમામ ટ્રેન રદ કરવામાં આવી હતી. પણ અહી જંગલમાં પાણી ઓસરતા ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં અવ્યો હતો. ગીરના જંગલમાં ગઈકાલે મેઘરાજાની ધમાકેદાર બેટીંગથી ચારે તરફ નદીઓ ગાંડીતુર બની હતી. જેના કારણે જંગલમાંથી પસાર થતા રેલવે લાઈન પર પાણી ભરાવાની પગલે રેલવે વિભાગે અમરેલીથી વેરાવળની તમામ ટ્રેન રદ કરી હતી. પણ આજે અહીના જંગલમાં રેલવે લાઇન પરથી પાણી ઓસરી જતા રેલવે વિભાગે અહીના તમામ રૂટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. અમરેલીથી સવારે ઉપડતી અમરેલી- વેરા‌વળ અને બપોરની અમરેલી વેરાવળ ટ્રેન રવાના કરી હતી. અમરેલી રેલવેના સ્ટેશન માસ્ટર જાનીભાઈએ જણાવ્યું હતું કે ગઈકાલના વરસાદના પગલે જંગલમાં પાણી ભરાયા હતા. જે આજે ઓસરી જતા અહીથી ઉપડતી તમામ ટ્રેન શરૂ કરાઇ હતી. 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-trains-started-flowing-again-after-the-water-flowed-from-the-railway-track-in-gir-forest-060015-5444752-NOR.html

ભેંસના મારણ પેટે મળેલો ચેક પલળી જતાં વનકર્મીઓ પર હુમલો

DivyaBhaskar News Network

Sep 14, 2019, 05:57 AM IST
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે થોડા સમય પહેલા સાવજે ભેંસનું મારણ કરતા વળતર પેટે વનતંત્રએ આપેલો ચેક પલળી ગયો હોય તેના બદલે નવો ચેક માંગવાના મુદે અહિંના બે શખ્સોએ ફોરેસ્ટર અને બિટગાર્ડ પર હુમલો કરી માર મારી વરદી ફાડી નાખી ફરજમાં રૂકાવટ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. વનકર્મચારી પર હુમલાની આ ઘટના લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે બની હતી. અહિં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા અને હાલમાં અમરેલીમાં રહેતા રાજેશ કનૈયાલાલ જાની અને તેના બીટગાર્ડ નવનીતભાઇ ડેર પર ક્રાંકચના જ મહેશ બાઘા ખુમાણ અને નરેન્દ્ર બાઘા ખુમાણ નામના શખ્સોએ આ હુમલો કર્યો હતો. મહેશ ખુમાણના માલઢોરનું અગાઉ સિંહે મારણ કર્યુ હતું. જેના કારણે તેને વળતર પેટે વનતંત્રએ ચેક આપ્યો હતો. જો કે આ ચેક બેંકમાં જમા કરાવે તે પહેલા તે પલળી ગયો હતો. પરિણામે આ બન્ને શખ્સોએ તેના સ્થાને નવા ચેકની માંગણી કરી હતી. જો કે ફોરેસ્ટરે આ માટે અરજી આપવાનું કહેતા જ બન્ને ઉશ્કેરાઇ ગયા હતાં. બન્નેએ ક્રાંકચમાં બાપા સિતારામના ઓટા પાસે જ તેમને ગાળો દઇ ચેક ફાડી નાખ્યો હતો અને બાદમાં બન્ને બાઇક લઇ જતા હતા ત્યારે ક્રાંકચ નજીક પુલ પાસે બન્નેએ તેમનું મોટર સાયકલ આંતર્યુ હતું અને ગાળો દઇ બન્નેને પછાડી દઇ તેમની વરદી ફાડી નાખી હતી અને ઢીકાપાટુનો માર મારી હવે અહિં કેમ નોકરી કરો છો જોઇ લઇશું તેવી ધમકી આપી હતી. જેને પગલે ફોરેસ્ટરે લીલીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-attack-on-forest-fugitives-found-in-buffalo-slaughter-055717-5476763-NOR.html

શિકારની શોધમાં 4 સિંહો 100 ફૂટ ઉંડા કૂવામાં ખાબક્યા, રેસ્ક્યુ કરી તમામને સલામત બહાર કાઢ્યા

  • ચારેય સિંહોને બહાર કાઢી ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપી

Divyabhaskar.Com

Sep 15, 2019, 05:26 PM IST
અમરેલી: ધારી ગીર પૂર્વમાં શિકારની શોધમાં 4 સિંહો 100 ફૂટ ઉંડા કૂવામાં ખાબક્યા હતા. આ ચારેય સિંહો માણાવાવ ગામનાસરપંચ દિલુભાઇની વાડીના કૂવામાં ખાબક્યા હતા. આ અંગે વન વિભાગે જાણ થતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગે દોરડા વડે અને ખાટલાની મદદથી ચારેય સિંહોને સહી સાલમત બહાર કાઢી ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપી હતી. આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ પ્રસંશા
કરી હતી.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/4-lion-fall-in-well-and-forest-department-take-rescue-operation-near-amreli-1568540686.html

SP નિર્લિપ્ત રાયને ઘરના બગીચામાંથી જ સાપ કરડ્યો, રાજકોટમાં સારવાર આપ્યા બાદ રજા અપાઇ

  • સારવાર બાદ નિર્લિપ્ત રાયને રજા અપાઈ

Divyabhaskar.Com

Sep 17, 2019, 11:41 AM IST
અમરેલી: અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને તેમના ઘરના બગીચામાંથી સાપ કરડી જતા સોમવારે સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જોકે સારવાર બાદ તેમને રજા અપાઈ હતી.
બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યારે સાપે તેમને ડંખ માર્યો
આ ઘટના અમરેલી જિલ્લા પોલીસ વડાના સુખનિવાસ કોલોનીમાં આવેલા નિવાસસ્થાને બની હતી. જ્યાં રવિવારે સાંજે જિલ્લા પોલીસ વડા તેના બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યારે સાપે તેમને ડંખ માર્યો હતો. દરમિયાન સોમવારે તેમણે શરીરમાં દુ:ખાવા જેવા ચિન્હો જણાવા લાગતા તેમને તાબડતોબ સારવાર માટે પ્રથમ અમરેલીના ખાનગી દવાખાને ખસેડાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતાં. અલબત રાજકોટ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમની હાલત તદન સ્વસ્થ જણાતા રજા આપી દેવાઇ હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/snake-bites-to-amreli-sp-nirlipt-rai-1568681143.html

રાજુલા-જાફરાબાદમાં વનવિભાગ સિંહો પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં માટે 10 ચેકપોસ્ટ ઉભી કરશે

  • જાફરાબાદ આર.એફ.ઓ.યુ.વી.તનવાણી, રાજુલા આર.એફ.ઓ.તરીકે ટી.એસ.ચૌધરી ની નિમણૂંક
  • સિંહ પર નજર રાખવા વાવેરા બર્બટાણાથી લઇ પીપાવાવ સુધી નવા વોચ ટાવરો ઊભા કરાશે
  •  વનવિભાગ નવા ગાર્ડ સહિત અન્ય ટીમની નિમણૂક કરશે

Divyabhaskar.Com

Sep 22, 2019, 07:32 PM IST
અમરેલીઃ જિલ્લાના રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં સિંહો, દીપડા, નીલગાય સહિત વન્યપ્રાણી રાષ્ટ્રીય મોર સાથે અલગ અલગ અનેક વન્યપ્રાણીનો વસવાટ વધી રહ્યો છે અને દરિયાકાંઠાનો વિસ્તાર હોવાને કારણે સિંહોને સૌથી વધુ આ વિસ્તાર પસંદ આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન નવું ખોલવામાં આવ્યું છે. તેની નીચે અતિ મહત્વની રાજુલા અને જાફરાબાદ બંને રેન્જને અનેક આધુનિક સુવિધાઓ આપવામાં આવશે.
સિંહો પર નજર રાખવા માટે નવા વોચ ટાવરો ઊભા કરાશે
રાજ્ય સરકાર દ્વારા અનેક વન્યપ્રાણીઓ માટે આધુનિક વાહનોથી લઇને વિશેષ સાધનો આ વિસ્તારને ટૂંક સમયમાં આવતા 5 મહિનામાં મળી જશે. જાફરાબાદ શહેરમાં વનવિભાગની નવી ઓફિસનું બિલ્ડીંગ બનશે. રાજુલા રેન્જ વનવિભાગ માટે ક્વાર્ટરોના બિલ્ડીંગ બનશે સાથે સાથે અતિ મહત્વના એરિયામાં સતત અકસ્માતો થતા હતા. વાવેરા બર્બટાણાથી લઇને રાજુલા પીપાવાવ પોર્ટ સુધી રેલવે ટ્રેક આસપાસ નવા વોચ ટાવરો ઉભા થશે અને સિંહો ટ્રેક પર ચડી જાય તેવી ઘટના બનતી હોય છે. ત્યારે તેમના લોકેશન રાખવા માટે આધુનિક વનવિભાગનો સ્ટાફ ડ્રોન ઉડાડશે અને સિંહો પર નજર રાખશે. તેમનો કંટ્રોલ રૂમ સાસણ ખાતે રહેશે અને તેમનું મોનિટરીંગ રાજુલા રેન્જ કરશે. ડ્રોન કેમેરાની ખરીદી પણ વનવિભાગ દ્વારા કરી લેવામાં આવી છે.
ગાર્ડ સહિત ફોરેસ્ટરોની પણ નિમણૂંક કરવમાં આવશે
રાજુલા અને જાફરાબાદમાં 10 જેટલી વનવિભાગની ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. અતિ મહત્વના વિસ્તારમાં આ ચેકપોસ્ટો ઉભી થશે જેથી સિંહો સહિત વન્યપ્રાણીની તમામ ગતિવિધિ પર નજર રખવામાં આવશે. જેથી સિંહોની પજવણી અને સિંહ દર્શન સહિતની પ્રવૃતિમાં ઘટાડો આવશે અને અકસ્માતોની ઘટનામાં સિંહોના મૃત્યુના બનાવોમાં પણ ઘણા અંશે ઘટાડો આવશે. વનવિભાગનો વધારાના સ્ટાફનો પણ હજુ સમાવેશ થશે. આ સાથે ગાર્ડ સહિત ફોરેસ્ટરોની પણ નિમણૂંક કરવામાં આવશે.
આવતા 6 માસ સુધીમાં રેન્જ આધુનિક વિશેષ બનશે
વનવિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આવતા 6 માસ સુધીમાં વનવિભાગને આધુનિક વિશેષ સુવિધા મળશે. ખુબ નજીકના દિવસોમાં તમામ સાધનો મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. ડ્રોન કેમેરા સહિતની ખરીદી વનવિભાગ કરી રહ્યું છે.
રાજુલા અને જાફરાબાદમાં નવા આરએફઓની નિમણૂંક
આરએફઓ રાજલ પાઠકની વિસાવદર સામાજિક રેન્જ માં બદલી કરવામાં આવી છે. રાજુલા આરએફઓ તરીકે હિંમતનગર પોશીના રેન્જમાંથી ટી.એસ.ચૌધરીનો રાજુલા ખાતે ઓર્ડર કરવામાં આવ્યો છે. જાફરાબાદ ખાતે આરએફઓ તરીકે યુ.વી.તનવાણીની નિમણૂંક કરવામાં આવી છે. આવતા દિવસોમાં ઓફિસરો અહીં હાજર થશે.
https://www.divyabhaskar.co.in/saurashtra/amreli-district/rajula/news/forest-department-to-set-up-10-checkposts-to-monitor-lions-in-rajula-jafrabad-125761789.html

વન વિભાગમાં ફરજ બજાવતાં 48 આરએફઓની બદલી

Sep 23, 2019, 05:56 AM IST
અમરેલી | ગુજરાત સરકાર દ્વારા રાજયના વન વિભાગમાં ફરજ બજાવતા 48 આરએફઓની બદલી કરવામાં આવી છે. જેમાં જિલ્લાના રાજુલા રેન્જમાં ફરજ બજાવતા રાજલબેન.ડી. પાઠકને ગીર સોમનાથના વિસાવદર રેન્જમાં બદલી કરવામાં આવી છે. તેમજ સાવરકુંડલા રેન્જમાં ફરજ બજાવતા યુ.વી. તનવાણીની જાફરાબાદ રેન્જમાં બદલી કરાઈ છે. અહી બદલીમાં રાજુલામાં સાબરકાંઠાથી બદલી થયેલા ટી.એસ. ચૌધરી આવ્યા છે. તેમજ સાવરકુંલા રેન્જમાં હજુ સુધી કોઈ પણ આરએફઓને મુકવામાં આવ્યા નથી. ત્યારે આગામી સમયમાં સાવરકુંડલા રેન્જમાં કયા નવા અધિકારી આવે તે જોવાનું રહેશે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-replaced-48-rfos-while-on-duty-in-the-forest-department-055634-5549621-NOR.html

રાજકોટમાં ધીમી ધારે, સાસણગીરમાં 5 ઇંચ વરસાદ, સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય મંદિર ડૂબ્યું

  • ભારે વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભીતિ
  • મોરબીના નવલખી બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું 

Divyabhaskar.Com

Sep 28, 2019, 05:44 PM IST
રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. બાબરામાં ગત રાત્રે એક ઇંચ વરસાદ નોંધાયો હતો. અને આજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી પાકને નુકસાન જવાની ભીતિ સેવાતા ખેડૂતોમાં ચિંતાનુ મોજુ પ્રસરી ગયું છે.નવલખી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જસદણમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. સાસણગીરમાં ધોધમાર 5 ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય મંદિર છઠ્ઠી વખત ડૂબ્યું હતું.
હિરણ નદીના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા
ગીરમાં ભારે વરસાદને કારણે હિરણ નદીના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વેરાવળના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ, ભેરાળા, મંડોર, સવની, ઇશ્વરીયા, સોનારીયા, મીઠાપુર, કાજલી, બાદલપરા, ઇન્દ્રોય, નાવદ્રા અને પ્રભાસ પાટણ એલર્ટ કરાયા છે.
વેરાવળ બંદર પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું
અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને કારણે વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમોરેન દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉનાના કાંઠાળના ગામોમાં રાવલ અને શાહી નદીમાં પૂર આવ્યું હતું. ખત્રીવાડ ગામના વિદ્યાર્થીઓ પાણી ફસાયા હતા. કોઝવે પર ભારે પાણી આવી જતા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફસાયા હતા. પરંતુ ગ્રામજનોએ તેઓને બચાવ્યા હતા. 
ખાંભામાં બે ઇંચ વરસાદ નોંધાયો
ખાંભામાં પવન સાથે વરસાદ પડતા તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ખાંભા-ઉના સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. ખાંભામાં રાત્રીના જ અવિરત વરસાદ ચાલું છે. આજે 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રોડ-રસ્તા પર પાણી ભરાયા છે. પવન સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
ભારે વરસાદથી દીવાલ ધરાશાયી
વરસાદને કારણે ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં કાનાભાઇ ગભાઇ ચૌહાણ નામના રહીશની દીવાલ ધરાશાયી થિ હતી. દીવાલ પડતા પરિવારના સભ્યોમાં દોડધામ મચી ગઇ હતી. આજુબાજુના લોકો મદદે દોડ્યા હતા. દીવાલ પડવાના કારણે કોઇ જાનહાનિ સર્જાઇ નહોતી.

સરધારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ
સરધારમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ બાદ બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
(રાજુ બસિયા,બાબરા/ જયેશ ગોંધિયા,ઉના/હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/rain-fall-in-sarashtra-and-slow-rain-fall-in-rajkot-125800242.html

રોહિસા ગામે મકાનના ભાગ બાબતે બે પરિવાર બાખડ્યા

DivyaBhaskar News Network

Sep 29, 2019, 06:00 AM IST
જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે ભાગમાં આવેલા મકાનના મુદ્દે બે ભાઈના પરિવાર વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. 

ભાઈઓના પરિવાર વચ્ચે મારામારીની આ ઘટના જાફરાબાદ તાલુકાના રોહિસા ગામે ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રોહિસાના છગનભાઈ ભુરાભાઈ વાઘેલા (ઉ. વ. 50 ) પર તેના જ કુટુંબી રાકેશ ભીમાભાઇ વાઘેલા, મહેશ રમેશભાઈ અને કલ્પેશ રમેશભાઈએ હુમલો કર્યો હતો. વારસાઈ મકાનમાં રહેવાના મુદ્દે ત્રણેય જણાએ તેને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે તેમણે જાફરાબાદ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

જ્યારે સામાપક્ષે મહેશ રમેશભાઈ વાઘેલાએ આ બારામાં છગનભાઈ ભુરાભાઈ વાઘેલા અને પ્રકાશ છગનભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે મકાનના મુદ્દે બોલાચાલી કરી માર મારી બંનેએ મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

આ બનાવ અંગે પોલીસે સમસામો ગુનો નોંધી વધુ આગળની ધોરણસરની તપાસ શરૂ કરવામાં આવી છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-rohisa-village-divided-two-families-on-the-part-of-the-house-060021-5599095-NOR.html

ધારીના મોણવેલ ગામમાં માનવભક્ષી દીપડાએ ખેતમજૂર સાળા-બનેવીને ફાડી ખાધા, ખેતરમાંથી મૃતદેહ મળ્યા

  • દીપડાએ ખાધેલી હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા
  • વન વિભાગની ટીમ ઘટાનાસ્થળે પહોંચી દીપડાની શોધખોળ હાથ ધરી

Divyabhaskar.Com

Sep 30, 2019, 03:39 AM IST
અમરેલી: ખેતીની સિઝનમા લોકો સીમમા પડયા પાથર્યા રહે છે. ત્યારે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વન્યપ્રાણીઓની વસતિ વધી હોય જીવલેણ હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે. ગઇકાલે અમરેલીના ચાંપાથળમા દિપડાએ બાળકને ફાડી ખાધા બાદ આજે ધારીના મોણવેલમા પણ એકસાથે બે યુવાનને દિપડાએ ફાડી ખાતા હાહાકાર મચ્યો છે. સાળો બનેવી એવા આ બંને યુવાનો રાત્રે વાડીમા હતા ત્યારે દિપડાએ બંનેને મારી નાખ્યા હતા. લોકોમા આ મુદે ભારે રોષ છે.
શિકાર શોધવા આવ્યો હતો દીપડો
દિપડાએ બે યુવકને ફાડી ખાધાની આ ઘટના ધારી તાલુકાના મોણવેલ ગામે ઘોડાસાંઢ નામની સીમમા બની હતી. અહીના મનસુખભાઇ અરજણભાઇ વાળા (ઉ.વ.40) અને જાંબુડા ગામના કરશનભાઇ ભીમાભાઇ સાગઠીયા (ઉ.વ.35) નામના યુવાનોને મધરાતે દિપડાએ ફાડી ખાધા હતા. બંને સાળો બનેવી થતા હોય અને કરશનભાઇ મહેમાન તરીકે મોણવેલ આવ્યા હોય રાત્રે વાડીમા આવેલી પોતાની ખુલ્લી ઓરડીમા જ સુતા હતા. તે સમયે શિકારની શોધમા આવી ચડેલા દિપડાએ બંને પર હુમલો કરી દીધો હતો. તેમને ગળાથી દબોચી બંનેને મારી નાખ્યા હતા. એટલુ જ નહી દિપડો બાદમા તેમને ઢસડીને 500 ફુટ જેટલે દુર પણ લઇ ગયો હતો. સવારે જયારે મનસુખભાઇના પરિવારે તેમની સાથે વાત કરવા મોબાઇલ પર કોલ કર્યો ત્યારે ફોન ન ઉપડતા પરિવારને ચિંતા થઇ હતી. અને પરિવાર વાડીએ પહોંચ્યો ત્યારે બંનેની લાશ મળી હતી. દિપડાએ એક યુવકને પેટના ભાગેથી ફાડી ખાધો હતો. મોડેથી વન અધિકારીઓ ઉપરાંત પોલીસ અને એફએસએલના અધીકારીઓ પણ દોડી ગયા હતા. અને મૃતક બંને યુવકની લાશને પીએમ માટે ધારી દવાખાને ખસેડાઇ હતી. વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
બંને યુવકો સાળા-બનેવી થતા હતા
કરસનભાઇ ભીખાભાઇ સાગઠીયા અને ભૂટાભાઇ અર્જુનભાઇ વાળા બંને એક જ વાડીએ રહી ખેતમજૂરીનું કામ કરતા હતા. ગત રાત્રે બંનેનો દીપડાએ શિકાર કર્યો હોવાનું અનુમાન છે. કરસનભાઇ અને ભૂટાભાઇ બંને સાળા-બનેવી થતા હતા. બંનેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
વન વિભાગ સામે ભભૂકતો રોષ
વન વિભાગ ઘટનાસ્થળે ન પહોંચે તે પહેલા મોણવેલ ગામના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. દીપડાઓના માનવીઓ પર હુમલાઓને લઇને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-hunt-two-person-in-monwel-village-of-dhari-125806766.html