Monday, September 30, 2019

ધારીના મોણવેલ ગામમાં માનવભક્ષી દીપડાએ ખેતમજૂર સાળા-બનેવીને ફાડી ખાધા, ખેતરમાંથી મૃતદેહ મળ્યા

  • દીપડાએ ખાધેલી હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા
  • વન વિભાગની ટીમ ઘટાનાસ્થળે પહોંચી દીપડાની શોધખોળ હાથ ધરી

Divyabhaskar.Com

Sep 30, 2019, 03:39 AM IST
અમરેલી: ખેતીની સિઝનમા લોકો સીમમા પડયા પાથર્યા રહે છે. ત્યારે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વન્યપ્રાણીઓની વસતિ વધી હોય જીવલેણ હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે. ગઇકાલે અમરેલીના ચાંપાથળમા દિપડાએ બાળકને ફાડી ખાધા બાદ આજે ધારીના મોણવેલમા પણ એકસાથે બે યુવાનને દિપડાએ ફાડી ખાતા હાહાકાર મચ્યો છે. સાળો બનેવી એવા આ બંને યુવાનો રાત્રે વાડીમા હતા ત્યારે દિપડાએ બંનેને મારી નાખ્યા હતા. લોકોમા આ મુદે ભારે રોષ છે.
શિકાર શોધવા આવ્યો હતો દીપડો
દિપડાએ બે યુવકને ફાડી ખાધાની આ ઘટના ધારી તાલુકાના મોણવેલ ગામે ઘોડાસાંઢ નામની સીમમા બની હતી. અહીના મનસુખભાઇ અરજણભાઇ વાળા (ઉ.વ.40) અને જાંબુડા ગામના કરશનભાઇ ભીમાભાઇ સાગઠીયા (ઉ.વ.35) નામના યુવાનોને મધરાતે દિપડાએ ફાડી ખાધા હતા. બંને સાળો બનેવી થતા હોય અને કરશનભાઇ મહેમાન તરીકે મોણવેલ આવ્યા હોય રાત્રે વાડીમા આવેલી પોતાની ખુલ્લી ઓરડીમા જ સુતા હતા. તે સમયે શિકારની શોધમા આવી ચડેલા દિપડાએ બંને પર હુમલો કરી દીધો હતો. તેમને ગળાથી દબોચી બંનેને મારી નાખ્યા હતા. એટલુ જ નહી દિપડો બાદમા તેમને ઢસડીને 500 ફુટ જેટલે દુર પણ લઇ ગયો હતો. સવારે જયારે મનસુખભાઇના પરિવારે તેમની સાથે વાત કરવા મોબાઇલ પર કોલ કર્યો ત્યારે ફોન ન ઉપડતા પરિવારને ચિંતા થઇ હતી. અને પરિવાર વાડીએ પહોંચ્યો ત્યારે બંનેની લાશ મળી હતી. દિપડાએ એક યુવકને પેટના ભાગેથી ફાડી ખાધો હતો. મોડેથી વન અધિકારીઓ ઉપરાંત પોલીસ અને એફએસએલના અધીકારીઓ પણ દોડી ગયા હતા. અને મૃતક બંને યુવકની લાશને પીએમ માટે ધારી દવાખાને ખસેડાઇ હતી. વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
બંને યુવકો સાળા-બનેવી થતા હતા
કરસનભાઇ ભીખાભાઇ સાગઠીયા અને ભૂટાભાઇ અર્જુનભાઇ વાળા બંને એક જ વાડીએ રહી ખેતમજૂરીનું કામ કરતા હતા. ગત રાત્રે બંનેનો દીપડાએ શિકાર કર્યો હોવાનું અનુમાન છે. કરસનભાઇ અને ભૂટાભાઇ બંને સાળા-બનેવી થતા હતા. બંનેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
વન વિભાગ સામે ભભૂકતો રોષ
વન વિભાગ ઘટનાસ્થળે ન પહોંચે તે પહેલા મોણવેલ ગામના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. દીપડાઓના માનવીઓ પર હુમલાઓને લઇને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-hunt-two-person-in-monwel-village-of-dhari-125806766.html

No comments: