Monday, September 30, 2019

રાજકોટમાં ધીમી ધારે, સાસણગીરમાં 5 ઇંચ વરસાદ, સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય મંદિર ડૂબ્યું

  • ભારે વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભીતિ
  • મોરબીના નવલખી બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું 

Divyabhaskar.Com

Sep 28, 2019, 05:44 PM IST
રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. બાબરામાં ગત રાત્રે એક ઇંચ વરસાદ નોંધાયો હતો. અને આજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી પાકને નુકસાન જવાની ભીતિ સેવાતા ખેડૂતોમાં ચિંતાનુ મોજુ પ્રસરી ગયું છે.નવલખી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જસદણમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. સાસણગીરમાં ધોધમાર 5 ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય મંદિર છઠ્ઠી વખત ડૂબ્યું હતું.
હિરણ નદીના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા
ગીરમાં ભારે વરસાદને કારણે હિરણ નદીના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વેરાવળના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ, ભેરાળા, મંડોર, સવની, ઇશ્વરીયા, સોનારીયા, મીઠાપુર, કાજલી, બાદલપરા, ઇન્દ્રોય, નાવદ્રા અને પ્રભાસ પાટણ એલર્ટ કરાયા છે.
વેરાવળ બંદર પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું
અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને કારણે વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમોરેન દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉનાના કાંઠાળના ગામોમાં રાવલ અને શાહી નદીમાં પૂર આવ્યું હતું. ખત્રીવાડ ગામના વિદ્યાર્થીઓ પાણી ફસાયા હતા. કોઝવે પર ભારે પાણી આવી જતા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફસાયા હતા. પરંતુ ગ્રામજનોએ તેઓને બચાવ્યા હતા. 
ખાંભામાં બે ઇંચ વરસાદ નોંધાયો
ખાંભામાં પવન સાથે વરસાદ પડતા તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ખાંભા-ઉના સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. ખાંભામાં રાત્રીના જ અવિરત વરસાદ ચાલું છે. આજે 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રોડ-રસ્તા પર પાણી ભરાયા છે. પવન સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
ભારે વરસાદથી દીવાલ ધરાશાયી
વરસાદને કારણે ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં કાનાભાઇ ગભાઇ ચૌહાણ નામના રહીશની દીવાલ ધરાશાયી થિ હતી. દીવાલ પડતા પરિવારના સભ્યોમાં દોડધામ મચી ગઇ હતી. આજુબાજુના લોકો મદદે દોડ્યા હતા. દીવાલ પડવાના કારણે કોઇ જાનહાનિ સર્જાઇ નહોતી.

સરધારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ
સરધારમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ બાદ બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
(રાજુ બસિયા,બાબરા/ જયેશ ગોંધિયા,ઉના/હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/rain-fall-in-sarashtra-and-slow-rain-fall-in-rajkot-125800242.html

No comments: