Monday, August 31, 2020

મેઘરાજાની તોફાની બેટિંગ:ગિરનાર પર 6 ઈંચ વરસાદથી પગથિયા પર પાણી દોડ્યા, ગઢડામાં 8 ઈંચથી ઘેલો નદીમાં પૂર આવતા જસદણ-રાજકોટ જવાનો રસ્તો બંધ

જૂનાગઢ24 દિવસ પહેલા
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો
  • વિસાવદરમાં 4, કેશોદ, વંથલી અને માંગરોળમાં 2 ઇંચ
  • ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં ઘોડાપૂર આવ્યા
  • જૂનાગઢમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે મેઘરાજાની તોફાની બેટિંગ બાદ આજે પણ ધીમીધારે વરસાદ શરૂ છે. ગિરનાર પર્વત પર 6 ઇંચ વરસાદ પડતાં ગિરનારના પગથિયા પર પાણી દોડવા લાગ્યા હતા. બીજી તરફ ગઢડાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા જસદણ અને રાજકોટ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેને લઈને મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. જૂનાગઢમાં પડેલા વરસાદના પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ
ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ

ગિરનાર પર્વત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા
જૂનાગઢના ગિરનાર પર્વત પર કાલે 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને લઈને ગિરનારના પગથિયા પર પાણી દોડવા લાગ્યું હતું. સોનરખમાં ઘોડાપૂર આવ્યું હતું. દામોદર કુંડના કાંઠે આવેલા પીપળાના ઓટા સુધી પાણી પહોંચી ગયું હતું. કાળવો પણ બે કાંઠે વહ્યો હતો. રાત્રીનાં ઝરમર ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો. ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇ ભેંસાણ તાલુકાનાં ચણાકાથી ગુજરીયા વચ્ચે પાણીમાં એક વ્યક્તિ ફસાયો હતો. આ અંગે ફાયરની ટીમની જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને યુવાનને બહાર કાઢ્યો હતો.

ઠેર-ઠેર પાણી ભરાયા
ઠેર-ઠેર પાણી ભરાયા

ગઢડામાં સાંબેલાધાર 6થી 8 ઈંચ વરસાદ પડ્યો
ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં 6થી 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગઢડાના ઈતરીયા, લીબાળી, વાવડી, રામપરા, રોજમાળ, કેરાળા સહિતના ગામડાઓમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેથી ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા, ચેકડેમો છલકાઇ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમા મુશળધાર વરસાદના પગલે ગઢડાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવ્યુ હતું. જેથી ગઢડાથી જસદણ, રાજકોટ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઈતરીયા ડેમ ઓવરફ્લો થવાની શક્યાતાને લઈને નગરપાલિકાએ શહેરમાં રીક્ષા ફેરવીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.

જૂનાગઢમાં અનરાધાર વરસાદ
જૂનાગઢમાં અનરાધાર વરસાદ

જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે
મહત્વનું છે કે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં સોમવારની રાત્રીથી વરસાદ પડવાનું શરૂ થયું છે. સોમવાર અને મંગળવારે તો ગીર-સોમનાથ જિલ્લામાં 10 ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો હતો. ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા અનેક રસ્તા બંધ થઇ ગયા હતાં. બુધવારે પણ બન્ને જિલ્લામાં મેઘ મહેર યથાવત્ રહી હતી. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં બુધવારની રાત્રીથી લઇને ગુરૂવાર સુધીમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. બન્ને જિલ્લામાં સર્વત્ર વરસાદ પડી ગયો હતો.

દામોદર કૂંડમાં ઘોડાપૂર આવ્યું
દામોદર કૂંડમાં ઘોડાપૂર આવ્યું

ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. જેમાં કેશોદમાં 2 બે ઇંચ, જૂનાગઢમાં 4 ઇંચ, ભેંસાણમાં 1 ઇંચ, મેંદરડામાં 1 ઇંચ, માંગરોળમાં બે ઇંચ, માણાવદરમાં 1 ઇંચ, માળિયામાં અડધો ઇંચ, વંથલીમાં 2 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ શહેરમાં સાંજનાં 7 વાગ્યે ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ થયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.જૂનાગઢમાં પડેલા વરસાદનાં પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. જૂનાગઢમાં રાત્રીનાં 10 વાગ્યા સુધી વરસાદ શરૂ રહ્યો હતો. 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/rainfall-in-all-over-saurashtra-127593850.html

No comments: