Friday, February 17, 2012

લીલીયા નજીક સાવજોની ડણક એટલે ‘મર્નિંગ એલાર્મ’.


Source: Bhaskar News, Liliya   |   Last Updated 1:51 AM [IST](17/02/2012)
- બૃહદ ગીરમાં ૪૧૧ સાવજો વસે છે જેમાં લીલીયા, સાવરકુંડલા પંથકમાં વસતા ૨૮ સાવજો
- લોકો સિંહથી ભયભીત થવાને બદલે ભેરૂ બની ગયા છે
લીલીયા તાલુકાના ક્રાંકચ, શેઢાવદર, ભોરિંગડા, ઇંગોરાળા, જુના સાવર, કેરાળા, ખાલપર વગેરે ગામના લોકો માટે વહેલી સવારે સાવજની ડણક સંભળાઇએટલે જાણે મોર્નીગ એલાર્મ વાગી ગયો. એક દાયકા પહેલા અહી આવી સ્થિતિ ન હતી. પરંતુ હવે આ વિસ્તારમાં ૨૮ જેટલા સાવજોનો વસવાટ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે આ સાવજોની ડણકો અચુક સંભળાય છે.
લીલીયા તાલુકાના શેત્રુંજી નદીના કાંઠે આવેલા બીડ વિસ્તારમાં આ સાવજો વસે છે. સિંહ, સિંહણ અને તેના બચ્ચાઓ જુદાજુદા જુથમાં અલગ અલગ વિસ્તારમાં ડેરાતંબુ તાણીને પડ્યા રહે છે. અવારનવાર સાવજો રાત્રીના સમયે ગામમાં પણ ઘુસી આવે છે. ક્રાંકચની સાંકડી બજારમાં સાવજ આંટા મારવા નીક્યા હોય તેવુ એનક વખત બન્યું છે. ગામના પાદરમાં આવીને પશુઓના મારણ કરવાની ઘટના તો વારંવાર બને રાખે છે.
બ્úહદ ગીરમાં ૪૧૧ સાવજો વસે છે તે પૈકી ૨૮ સાવજો ક્રાંકચ વિસ્તારમાં હોય અહીના લોકોને તેનો ગર્વ છે. કારણ કે સિંહ દર્શન ગીરમાં લાંબી રઝળપાટ બાદ પણ દુર્લભ બની જાય છે. પરંતુ અહી શેત્રુંજીના કાંઠાળ વિસ્તારમાં બાવળની કાટમાં લોકોને સરળતાથી સિંહ દર્શન થાય છે.
આ વિસ્તારના લોકો સાવજોથી ભયભીત બનવાને બદલે તેના ભેરૂ બની ગયા છે. ગ્રામ્ય જનતા રેડીયો કોલર સિંહણ, માકડી, ભુરી, ભોડી, રાતડી સિંહણ વગેરે નામની ઓળખે છે. ક્રાંકચના આગેવાન કે.ડી.ડાવેરા જણાવે છે કે સાવજોની નિયમિત ડણકોથી અમારી સવાર પડે છે.
સાવજોને ગીર કરતા વધારે મારણ મળી રહે છે- ફોરેસ્ટર બી.એમ.રાઠોડ -
આ વિસ્તારના ફોરેસ્ટર બી.એમ.રાઠોડ જણાવે છે કે અમે સતત પેટ્રોલીંગ કરીએ છીએ જરૂર પડે તો પોલીસને પણ સાથે રાખીએ છીએ. ગીર કરતા અહી સાવજોને સરળતાથી મારણ મળી રહે છે. આસપાસના લોકોનો પણ વનતંત્રને સહકાર મળે છે. સાવજોને કોઇ હેરાનગતિ ન કરે તેની પુરતી તકેદારી રખાઇ છે.
ક્યાં ક્યાં પોઇન્ટ પર સાવજો મળે ?
શેત્રુંજી કાંઠાના અમુક વિસ્તારોમાં પાણીના પોઇન્ટ આસપાસ સાવજો અચુક મળી જાય છે. ઉડબાની પાટ, ખાટની ઓઢ, દરબારી ઉડીયા, ખોડિયારની ખાણ, બેલુ, લીલીયાનો આરો વગેરે વિસ્તારમાં સાવજો અચુક હાજર હોવાના. અહી મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શને આવે છે.
સાવજો માટે અમે પાણીની વ્યવસ્થા કરીએ છીએ: મહેન્દ્રભાઇ ખુમાણ
દ્રષ્ટિ પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઇ ખુમાણ જણાવે છે કે સિંહોને આ વિસ્તાર અનુકુળ આવ્યો છે. ગરમીમાં તેને પાણીની અગવડતા ન પડે તે માટે કેટલાક પોઇન્ટ પર અમે ગામલોકોની મદદથી પાણીની વ્યવસ્થા કરીએ છીએ. પાણીની કુંડીઓ નિયમિત ભરતા હોવાથી સાવજો નિયમિત પાણી પીવા આવે છે.
સાવજો અમારા મહેમાન છે: ભુપતભાઇ ભરવાડ
સ્થાનિક માલધારી ભુપતભાઇ ભરવાડે જણાવ્યું હતું કે ગીરમાંથી સ્થળાંતર કરી અહી આવેલા આ સાવજો અમારા માટે મહેમાન છે. અને અમે તેને સાચવવાના છીએ. કોઇ અજાણી વ્યક્તિનો સીમમાં પગપેસારો થાય તો અમને તરત ખ્યાલ આવી જાય છે. દિવસમાં એક વખત સાવજો હોય તે સીમમાં હુ અચુક આંટો મારૂ છું.

No comments: