Thursday, February 23, 2012

મેળામાં દીપડો ત્રાટક્યો, યાત્રિક અને વન કર્મચારી ઉપર હૂમલો.



 જૂનાગઢ, તા.૨૦
મહાશિવરાત્રિના મેળામાં આજે છેલ્લા દિવસે વહેલી સવારે એક દોઢેક વર્ષનો દીપડો ત્રાટક્યો હતો. રૂપાયતન રોડ ઉપર આવેલા કચ્છી ભવનમાં ઘુસી ગયેલા આ દીપડાએ મુંબઈના એક યાત્રિક ઉપર હૂમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. જો કે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયેલા વનવિભાગે ત્રણ કલાકના લાંબા રેસ્ક્યૂ ઓપરેશન બાદ દીપડાને બેભાન કરીને પકડી લીધો હતો. આ ઓપરેશન દરમિયાન દીપડાએ વન કર્મચારી ઉપર પણ હૂમલો કર્યો હતો.
·        પેટા... ત્રણ કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ મહામહેનતે દીપડો પકડાયો
·        કચ્છી ભવનમાં બનેલી ઘટના : ભાવિકોમાં નાસભાગ
આ વિશેની મળતી વિગતો અનુસાર ભવનાથ વિસ્તારમાં રૂપાયતન રોડ ઉપર આવેલ કચ્છી ભવનમાં આજે સવારે છ વાગ્યાના અરસામાં ગિરનાર જંગલમાંથી આવેલો એક દીપડો ઘુસી ગયો હતો. ભવનના બીજા માળે પહોંચી ગયેલા આ દીપડાથી અજાણ એવા મુંબઈના ઘાટકોપરના એક યાત્રિક મુલચંદ હંસરાજ છેડા(ઉ.વ.૬પ) પોતાના રૂમની બહાર નિકળતા આ દીપડાએ તેના પર હૂમલો કર્યો હતો. જેમાં તેઓને પેટની ડાબી બાજુના ભાગે અને ડાબા હાથના ખંભામાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બીજી તરફ ઘટનાની જાણ થતા જ એ.સી.એફ. કે.એ.ગાંધીના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. પી.જે.મારૂ અને ફોરેસ્ટર એમ.ટી.મકવાણા તથા ગુલાબબેન સુવાગીયા સક્કરબાગ ઝૂ ની ટ્રેકર્સ પાર્ટી સાથે પહોંચી ગયા હતાં. અને ત્રણેક કલાકની કવાયતના અંતે આખરે દીપડાને બેભાન કરીને પડકી લેવામાં સફળતા મળી હતી. આ ઓપરેશન બાદ બેભાન થયેલો દીપડો ફરી વખત થોડો ભાનમાં આવી જતા સક્કરબાગ ઝૂ ની ટીમના કર્મચારી હનિફભાઈ ઉપર હૂમલો કર્યો હતો. જેમાં આ કર્મચારીને પેટના ભાગે થોડી ઈજા પહોંચી હતી. પકડાયેલા આ દીપડાને સારવાર આપીને પરત બોરદેવીના જંગલમાં છોડી મૂકવામાં આવશે. બનાવના પગલે થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=36470

No comments: