Saturday, February 25, 2012

કમલેશ્વર ડેમમાંથી ૧૪ ગામોને પાણી અપાશે.


Source: Bhaskar News, Talala   |   Last Updated 2:18 AM [IST](24/02/2012)
ગીર જંગલમાં સિંહો સહિ‌તનાં વન્યપ્રાણીઓને પીવા ૧૦૦ એમ.સી.એફ.ટી જથ્થો રાખી તાલાલા-વેરાવળ તાલુકામાં ઉનાળુ પિયત માટે
રપ૦ એકર જમીનમાં ૩૦૦ એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો સમયાંતરે હીરણ નદીમાં ઠાલવાશે
તાલાલા શહેર સાથે તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર અને ગીર જંગલનાં વન્યપ્રાણીઓ માટે પીવાનાં પાણીનાં એકમાત્ર સ્ત્રોતા એવા જંગલ મધ્યે આવેલા કમલેશ્વર ડેમ (હીરણ-૧) ડેમમાંથી સિંહો સહિ‌તનાં વન્યપ્રાણીઓને પીવાનાં પાણી માટે ૧૦૦ એમ.સી.એફ.ટી. જથ્થો અનામત રાખી તાલાલા પંથકનાં પાંચ ગામોને નદીમાંથી અને નવ ગામોનાં ખેડુતોને કેનાલ દ્વારા ઉનાળાનાં પિયત માટે સિંચાઇ વિભાગ દ્વારા ૬ 'પાણ’ આપવામાં આવશે.
તાલાલાની હીરણનદીમાં કમલેશ્વર ડેમમાંથી પાણીનો જથ્થો સિંચાઇ માટે છોડવા અંગેની વિગતો આપતા હીરણ-૧ સિંચાઇ યોજનાનાં સેકશન ઇજનેર એન.એમ.હોથી અને નાયબ ઇજનેર પરમારે જણાવેલ કે કમલેશ્વર ડેમમાં હાલ પરપ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ડેડસ્ટોક બાદ કરતા રહે છે. જેમાંથી ૧૦૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ગીર જંગલનાં પ્રાણી-પક્ષીઓનાં પીવા માટે અનામત રાખવામાં આવશે.
બાકી વધતા ૪રપ એમ.સી.એફ.ટી.પાણીમાંથી તાલાલા શહેર ઉપરાંત તાલુકાનાં બાર ગામો અને વેરાવળ તાલુકાનાં પાંચ ગામોનાં ખેડુતોને ઉનાળુ પિયત માટે પ૦ એમ.સી.એફ.ટી.નાં છ પાણ સમયાંતરે ડેમમાંથી હીરણ નદીમાં ઠાલવી કુલ ૩૦૦ એમ.સી.એફ.ટી.પાણીનો જથ્થો હીરણ-૧ ડેમમાંથી સિંચાઇ માટે છુટો કરાશે તાલાલા ઉપરાંત ભાલછેલ,સાસણ,ચિત્રોડ, સાંગોદ્રા, ચિત્રાવડ, રમળેચીનાં ખેડૂતો નદી કાંઠા ઉપરની પોતાની જમીનોને નદીમાંથી મશીન દ્વારા પાણી આપી શકશે.
હીરણનદી ઉપર બાંધવામાં આવેલ કેનાલ મારફત તાલાલા, ઘુંસીયા, ગલીયાવડ, પીપળવા, બોરવાવ, વીરપુર, ગુંદરણ, ધ્રામણવા ગામનાં ખેડૂતોને પાણી અપાશે. વેરાવળ તાલુકાનાં ગુણપર, સોનારીયા, કાજલી સહિ‌તનાં ગામોને કેનાલથી પાણી અપાશે. હીરણ ૧ સીંચાઇ યોજનાથી ૧૪ ગામોનાં ખેડૂતો રપ૦ એકર જમીનમાં ઉનાળુ પાક મેળવી શકશે સાથે ઓરવાણા માટે ચોમાસા પહેલા પાણી જોઇતુ હોય તો ડેમમાં પાણીનાં જથ્થા પ્રમાણે ખેડૂતોને વધુ પાણી આપવામાં આવશે. આગામી બે દિવસ બાદ ડેમમાંથી પાણી હીરણનદીમાં છોડવાનું શરૂ થશે.
તળ ઉંચા આવતા પાણીની માંગ અડધી થઇ
તાલાલા પંથકમાં છેલ્લા પાંચ વર્ષથી થતા સારા વરસાદથી પાણીનાં તળ ઉંચા આવ્યા હોય ખેડુતોએ કુવા તંત્ર ઉતારી કે બોર કરાવ્યા હોય અડધો અડધ ખેડુતોની પાણીની જરૂરીયાત પોતાનાં ખેતરોમાં સંતોષાઇ જતી હોય સાથે સિંચાઇ માટે અપાતા પાણીની ફી આકરી હોય ખેડૂતોની પાણીની માંગ ઓછી થઇ હોય તેમ રપ૦ એકરનાં બદલે ૧રપ હેકટરમાં પિયત માટેનાં ફોર્મ ભરાયા છે.
કેસરકેરી ઉત્પાદક ખેડુતોને વધુ ફાયદો થશે
કેસરકેરીનું મબલખ ઉત્પાદન કરતા તાલાલા પંથકનાં ૧૪ ગામોનાં કેસર કેરીનાં આંબાનાં બગીચા ધરાવતા ખેડૂતોને હીરણ-૧માંથી ઉનાળુ પિયતનું અપાતુ પાણી આર્શીવાદ રૂપ બને છે. કેસરકેરીનાં આંબાને પાણી આપવાની શરૂઆતનો સમય થતો હોય અને કેરીનો પાક તૈયાર થઇ જતો હોય તે સમયગાળા દરમ્યાન સમયાંતરે મળતા છ પાણમાં ખેડૂતો કેસરનાં આંબાને તૃપ્ત કરી શકે છે અને ઉનાળામાં પાણીની ખેંચ આવે તો આમથી તેમ ભટકવુ પડતુ નથી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-kamleswar-dam-water-supply-to-14-villages-2902508.html?OF5=

No comments: