Saturday, February 18, 2012

જૂનાગઢની આર્થિક કરોડરજજુ શિવરાત્રિનો મેળો : પાંચ દિવસમાં રૂ.રપ કરોડનો લાભ.


જૂનાગઢ, તા.૧૭
યાત્રાધામ જૂનાગઢ શહેરના અર્થતંત્રની મુખ્ય કરોડરજ્જુ પ્રવાસીઓ છે. ખાસ કરીને મહાશિવરાત્રિનો મેળો તથા ગિરનાર પરિક્રમાના કારણે શહેરના અર્થતંત્રને સારો એવો ફાયદો મળે છે. અર્થશાસ્ત્રીઓના મતે મહાશિવરાત્રિના મેળાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શહેરના અર્થતંત્રને રૂ.રપ કરોડનો સીધો ફાયદો થશે ! મેળામાં ઉમટી પડતા લાખ્ખો યાત્રિકોના મુસાફરી ભાડા, રહેવા અને જમવાના સામાન્ય ખર્ચનો અંદાજ કરતા આ આંકડો બહાર આવે છે. જો કે, હકિકતે થતા લાભનો આંકડો તો ક્યાંય મોટો હશે. આમછતાં રાજ્ય સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા અહી ખાસ કંઈ સુવિધા યાત્રિકો માટે ઉભી કરવામાં આવતી નથી.
  • સંસ્થાઓને પરેશાન કરતા તંત્ર અને સરકારે સામેથી મફતમાં સુવિધા પુરી પાડવી જોઈએ
  • મુસાફરી, નાસ્તો, વ્યસન, રહેવા-જમવા માટે દરેક યાત્રિક દીઠ કરાતો રૂ.રપ૦ નો ખર્ચ
એક તબક્કે આખો મેળો ધાર્મિક, જ્ઞાતિ સમાજ અને સેવાભાવિ સંસ્થાઓના કારણે જ ચાલે છે. શિવરાત્રિના મેળામાં યાત્રિકોને ભલે વિનામુલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા મળી રહેતી હોય, ભક્તિ અને ભજન મેળાની ઓળખ ભલે હોય, પરંતુ આ મેળાથી જૂનાગઢને મોટો આર્િથક લાભ થાય છે. અર્થશાસ્ત્રીઓ દ્વારા માંડવામાં આવતી ગણતરી પ્રમાણે મેળામાં સરેરાશ ૧૦ લાખ યાત્રિકો ઉમટી પડે અને એક યાત્રિક દીઠ ફક્ત રૂ.રપ૦ નો ખર્ચ ગણવામાં આવે તો પણ રૂ.રપ કરોડની રકમ થવા જાય છે.વિગતવાર વિશ્લેષણ કંઈક એવું થાય છે કે, યાત્રિકો બસ, ટ્રેન કે ખાનગી વાહનોમાં જૂનાગઢ સુધી પહોંચે છે. અને જૂનાગઢ પહોંચ્યા બાદ લોકલ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પ્રમાણે ભવનાથ સુધી પહોંચે છે. ભવનાથ આવ્યા બાદ આ ક્રમ પ્રમાણે જ પરત જાય છે. આ ઉપરાંત અહી આવનાર યાત્રિકો એકાદ-બે દિવસનું રોકાણ કરે છે. સાથે સાથે શહેરના જોવા લાયક સ્થળોની પણ મૂલાકાત લે છે. આ પ્રવાસન ખર્ચમાં આજના મોંઘવારીના સમય અનુસાર રૂ.૧રપ થી રૂ.૧પ૦ જેટલો ખર્ચ એક યાત્રિક દીઠ થાય છે. આ ઉપરાંત મેળામાં આવનાર યાત્રિક જૂનાગઢ શહેર કે ભવનાથમાંથી જીવન-જરૂરી ચિજવસ્તુ, ચા-પાણી, પાન-માવા કે હળવા નાસ્તા માટે રૂ.પ૦ થી ૭પ નો ખર્ચ સામાન્ય સંજોગોમાં કરી નાખે છે. તો મેળાની યાદગીરી રૂપે ધર્મને લગતી ચિજવસ્તુઓ, બાળકોના રમકડા વગેરે પાછળ રૂ.પ૦ થી ૭પ નો ખર્ચ થઈ જાય છે. આમ સરેરાશ એક યાત્રિક દીઠ રૂ.રપ૦ નો ખર્ચ થતો હોવાનું ગણતરીકારો અનુમાન લગાવી રહ્યા છે. બીજી તરફ ભવનાથ વિસ્તારમાં ગોઠવાતા ફજેત ફાળકા, ખાણી-પીણીના સ્ટોલ, રમકડાના સ્ટોલ, ધાર્મિક ચિજ-વસ્તુઓ વેંચતા સ્ટોલ વગેરેના ધંધાર્થીઓ મેળા અને પરિક્રમા દરમિયાન વર્ષની અડધી કમાણી કરી લેતા હોય છે. મેળા, પરિક્રમા અને શિયાળાની પ્રવાસની સિઝન દરમિયાન આવતા લાખ્ખો યાત્રિકો આ ધંધાર્થીઓના મુખ્ય ગ્રાહકો હોય છે. બાકી આખુ વર્ષ ખાસ કંઈ ગ્રાહકો હોતા નથી. આવી રીતે જ શહેરના વેપારીઓ માટે પણ આ બાબત જ લાગું પડે છે.
ખુદ સરકાર સંચાલિત એસ.ટી. કે રેલવે દ્વારા પણ કમાણી કરવા માટે વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. એકસ્ટ્રા બસો કે ટ્રેનો શરૂ કરીને પ્રવાસીઓ પાસેથી મળતું ભાડું આ બન્ને તંત્ર માટે મોટી આવક બની રહે છે. જો કે મેળો આવકનું આટલું મોટુ સાધન હોવા છતાં સ્થાનિક તંત્ર કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કંઈ વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી. ઉલટાનું અહી પોતાના ખર્ચે સેવા કરવા માટે આવતી સંસ્થાઓને પ્લોટ ફાળવણી કે પાસ, પરમીટ અને મંજૂરી જેવા મુદ્દાઓને લઈને માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે. એક સમયે મેળા માટે નવાબ અને સરકાર દ્વારા સહાય કરવામાં આવતી હતી. જેની સામે આજે તમામ તંત્ર દ્વારા બજાર ભાવ પ્રમાણે ભાડુ વસુલવામાં આવે છે. ભાડામાં પણ કોઈ રાહત આપવામાં આવતી નથી. મેળામાં આવતા લાખ્ખો યાત્રિકોની વ્યવસ્થા ફક્તને ફક્ત ધાર્મિક કે સેવાભાવી સંસ્થાઓને જ આભારી છે. આ યાત્રિકો માટે વિનામુલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા આ સંસ્થાઓ જ પુરી પાડે છે. આટલી વ્યવસ્થા કરવી એ સરકાર કે તંત્ર માટે ગજા બહારની વાત છે. ત્યારે કમ સે કમ શહેરના અર્થતંત્રને ધ્યાને રાખીને પણ મેળાના વિકાસ અને યાત્રિકોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.
મેળાની હાઈલાઈટ્સ
મેળામાં જ્ઞાતિ સમાજના ઉતારા
* પટેલ સમાજ     * તળપદા કોળી
* ઘેડિયા કોળી      * ચુંવાળીયા કોળી
* ક્ષત્રિય સમાજ   * ગુર્જર ક્ષત્રિય કડિયા
* દલિત સમાજ    * રબારી
* ભરવાડ            * સતવારા સમાજ
* લુહાર              * મચ્છુ કઠીયા સઈ સુતાર
* વાલ્મિકી સમાજ* અન્ય સમાજ
મેળામાં ઝૂંપડી’ ઉતારા
* બટુક વ્યાસનો ઉતારો
* ઉદા ભગતનો ઉતારો
* ચારણ સમાજનો ઉતારો
* હરીગીરી સ્વામીની જગ્યા
મેળામાં શું શું હશે ??
* ફજત ફાળકા
* ખાણી-પીણીના સ્ટોલ
* સ્પર્ધાના સ્ટોલ
* માળા-કંઠીના સ્ટોલ
* જનજાગૃતિના સ્ટોલ
* ફંડ-ફાળો કરતા સ્ટોલ
* રમકડાંના સ્ટોલ
* ધાર્મિક, મૂર્ત્તિ, છબી, કેસેટો વેંચતા સ્ટોલ
મેળામાં ચાલતા મુખ્ય અને વિશાળ અન્નક્ષેત્રો
* શેરનાથબાપુ સંચાલિત ગોરક્ષનાથ આશ્રમનું અન્નક્ષેત્ર
* મહામંડલેશ્વર ભારતીબાપુના આશ્રમનું અન્નક્ષેત્ર
* મહંત ગોપાલાનંદજી સંચાલિત પંચ અગ્નિ અખાડાનું અન્નક્ષેત્ર
* વસ્ત્રાપથેશ્વર મંદિરે ચાલતું અન્નક્ષેત્ર
* બ્રહ્મેશ્વર મંદિરનું અન્નક્ષેત્ર
* ગોવિંદાચાર્યજીના ઉતારાનું અન્નક્ષેત્ર
* ખોડિયાર રાસ મંડળનું અન્નક્ષેત્ર
* મેઘાનંદજી સંચાલિત ગિરનારની સીડી પરનું અન્નક્ષેત્ર
* ખાખચોક જગ્યામાં મહંત રામદાસજી સંચાલિત અન્નક્ષેત્ર
* પ્રેરણાધામ અન્નક્ષેત્ર
વ્યવસ્થા જાળવવામાં ભાગ લેતા તંત્ર
* વહીવટી તંત્ર      * મહાનગર પાલિકા
* પોલીસ તંત્ર       * વનવિભાગ
* વીજતંત્ર           * એસ.ટી. તંત્ર
* રેલવે વિભાગ     * આરોગ્ય વિભાગ
Source: http://www.sandesh.com/article.aspx?newsid=35807

No comments: