Wednesday, February 15, 2012

વરવું સત્ય: આ લોકોનું ભવિષ્ય શું અંધકારમય રહેશે?



Source: Bhaskar News, Liliya   |   Last Updated 1:21 AM [IST](12/02/2012)
- નેસના માલધારીઓ પાસે રેશનકાર્ડ પણ નથી
- ગીરના નેસડાઓમાં લાઇટ, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓનો અભાવ
- શાળાના અભાવે અભણ બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે
ગીર જંગલના નેસમાં વસતા માલધારીઓ હજુ પણ જાણે અઢારમી સદીમાં હોય તેવા માહોલમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. જંગલખાતાની આડોડાઇના કારણે ગીરના નેસડાઓમાં લાઇટ, પાણી, આરોગ્ય, રસ્તા, શિક્ષણ જેવી પાયાની કોઇ સુવિધા જોવા મળતી નથી. ધારીથી ૧૫ કી.મી. દુર આવેલ શીવતળીનેસના માલધારીઓ સરકાર સામે આશાભરી મીટ માંડીને બેઠા છે પરંતુ ઉત્સવોમાં વ્યસ્ત સરકારને આ માલધારીઓના નેસ સામે જોવાની ફુરસદ પણ નથી.
ધારી-વીસાવદર રોડ પર ધારીથી ૧૫ કી.મી. દુર ગીરકાંઠાના શીવતળીનેસમાં હાલમાં ૫૫ લોકો વસવાટ કરે છે. ગણ્યા ગાઠ્યા કુટુંબોનો આ નેસ આધુનીક સમયની કોઇ સુખ સગવડ ધરાવતો નથી. નેસમાં વસતા માલધારીઓ આખો દિવસ માલઢોર ચરાવે અને સાંજ પડયે પોતાના કુબે પરત ફરી જાય છે. તેમની રોજીરોટીનો મુખ્ય આધાર પશુપાલન પર છે. આ નેસમાં પીવાના પાણી માટે ડંકી, કુવો કે અન્ય કોઇ સુવિધા નથી. જેને પગલે મહિલાઓને પાણી માટે દુર દુર ભટકવુ પડે છે. આટલા નાના નેસ માટે સ્વાભાવીક રીતે જ શાળા કે શિક્ષકની પણ કોઇ વ્યવસ્થા થઇ નથી. જેને પગલે નેસના બાળકો શિક્ષણથી વંચીત રહે છે.
સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં વિવિધ આવાસ યોજનાઓ ચલાવવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવાસ યોજનાની સાથે મકાન સહાય પણ આપવામાં આવે છે. પરંતુ આ નેસના લોકો માટે જમીન-મકાન સહાય મળતી ન હોય તેઓ કંતાનના કુબામાં રહે છે. જેમાં લાઇટ કે પાણીની કોઇ સુવિધા હોતી નથી.
કુબાઓમાં તો ઠીક પરંતુ જાહેર ટ્રીટ લાઇટની પણ અહિં સુવિધા નથી. ગીરના અમુક નેસમાં સોલાર સ્ટ્રીટ લાઇટ ફાળવાઇ છે પરંતુ અહિં તે સુવિધા પણ નથી. નેસડામાં રહેતા માલધારીઓને રેશનીંગકાર્ડ જ ફાળવવામાં આવ્યા નથી. પરિણામે સરકારની કોઇ યોજનાઓનો લાભ તેને મળતો નથી. આ તમામ માલધારીઓની રોજીરોટી પશુપાલન પર ચાલે છે. ગાય, ભેંસના દુધના વેચાણની આવક પર તેમનું ગુજરાન ચાલે છે. માલધારીઓ સરકાર તેમની ભૌતિક સુવિધાઓ પ્રત્યે ધ્યાન આપે તેવી આશા રાખીને બેઠા છે.
પશુના મારણનું વળતર મળતું નથી : માલાભાઇ
શીવતળીનેસમાં વસતા માલધારી માલાભાઇ માણસુરભાઇએ જણાવ્યુ હતું કે જંગલમાંથી ચડી આવતા સિંહ-દપિડા દ્વારા અવાર નવાર તેમના ઉપયોગી દુધાળા પશુઓનું મારણ કરવામાં આવે છે. મારણની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. પરંતુ વન વિભાગ દ્વારા મોટાભાગના કિસ્સામાં વળતર અપાતુ નથી. અને જ્યારે વળતર અપાઇ છે ત્યારે તેની રકમ ખુબ ઓછી હોય છે.
૪૦૦ ભેંસો અને ૫૦ ગાયો પર નિભાવ -
શીવતળીનેસમાં વસતા માલધારીઓનો પશુપાલન એ એકમાત્ર વ્યવસાય છે. તમામ માલધારીઓ પાસે મળીને કુલ ૪૦૦ જેટલી ભેંસ છે અને ૫૦ જેટલી ગાયો છે. આસપાસના વિસ્તારમાં ગાય-ભેંસો ચરાવી તેનું દુધ સવાર-સાંજે વેચી નાખવામાં આવે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-what-is-the-future-of-this-peoples-2850680.html

No comments: