Wednesday, February 15, 2012

અમીત જેઠવા કેસ: ૨૦ શખ્સોને સુરેન્દ્રનગર એસ.પી.નું તેડું.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 11:39 AM [IST](14/02/2012)
- બહુચર્ચિત આરટીઆઇ એક્ટિવીસ્ટ અમીત જેઠવા હત્યા કેસમાં
- સાંસદના અંગત માણસોની પૂછપરછથી અનેક અટકળો
સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવા હત્યા કેસમાં હાઇકોર્ટના આદેશથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હત્યાના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહ્યા છે. ત્યારે તપાસ કરનાર અધિકારીએ કોડીનાર પંથકના ૨૦ શખ્સોને સમન્સ પાઠવી તપાસના કામ અર્થે હાજર રહેવા ફરમાન કરતા સમગ્ર મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો.
ગત ૨૦૧૦માં ૨૦મી જુલાઈએ અમદાવાદમાં હાઈકોર્ટની સામે જ અમિત જેઠવાની નીર્મમ હત્યા પછી મૃતકના પિતા ભીખાભાઈ બાટાવાળાએ આ હત્યા જૂનાગઢના સાંસદ દિનુ સોલંકીના ઈશારે થઈ હોવાના આક્ષેપ સાથે આ તપાસ સીબીઆઈ કરે તેવી હાઈકોર્ટમાં ઘા નાંખી હતી.
જે અંતર્ગત હાઈકોર્ટે તેઓની અરજી ગાહ્ય રાખી આઈ.પી.એસ.કક્ષાના અધિકારી દ્વારા તપાસ થાય તેવો આદેશ કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગરના એસ.પી. રાઘવેન્દ્રવત્સના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલુ છે ત્યારે તાજેતરમાં મૃતકના પિતાએ તેમના પુત્રની હત્યાના મામલામાં કેટલાક પુરાવાઓ તપાસનીશ અધિકારીને આપ્યા હતા. ઉપરાંત મોબાઇલ કોલ ડિટેઇલની વિગતને ધ્યાને લઇને સમગ્ર કેસની મહત્વની કડી મેળવવા માટે ડીએસપી રાઘવેન્દ્ર વત્સે સાંસદના અંગત માનવામાં આવતા કેટલાંક માણસોની સાથે કુલ ૨૦ શખ્સોને સમન્સ ઇસ્યૂ કરતા કોડીનાર પંથકમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
તમામ શખ્સોને આજે નિવેદન આપવા માટે સુરેન્દ્રનગર હાજર થવા સમન્સમાં જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં ખળભળાટ મચાવનાર અમીત જેઠવા હત્યા કેસમાં હજુ પણ ચોંકાવનારી વિગતો બહાર આવવાની ચર્ચાઓ ચાલી રહી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-sp-called-kodinars-20-people-in-amit-jethva-murder-case-2857702.html

No comments: