Thursday, April 12, 2012

ખુશ્બુ ગુજરાત કી: ગીરમાં આકાર લેશે થ્રીસ્ટાર ભૂંગા રીસોર્ટ.


Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 5:19 PM [IST](11/04/2012)
-ગુજરાત પ્રવાસન નિગમે ‘સાસણ ગિર ભૂંગા રીસોર્ટ પ્રોજેક્ટ’ હાથ ધર્યો
-સરકારી જમીનોમાં ૧ હેકટર જમીનની મર્યાદામાં ભૂંગા રીસોર્ટ બનાવાશે

ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મને પગલે જૂનાગઢ જિલ્લામાં ગીરનાં સિંહો જોવા માટે પ્રવાસીઓનો રીતસર ‘ધોધ’ શરૂ થયો છે. ત્યારે વધતી પ્રવાસીઓની સંખ્યા સામે તેઓને રહેવાની સુવિધા પૂરી પાડવાની પણ તાતી જરૂરિયાત ઉભી થઇ છે. જેને પહોંચી વળવા ગુજરાત પ્રવાસન નિગમે ગિર બોર્ડરનાં ગામોમાં થ્રીસ્ટાર સુવિધાઓ ધરાવતા ભૂંગા રીસોર્ટ તૈયાર કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ માટે હાલ જમીન પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ગિરનાં જંગલની મુલાકાતે આવતા સહેલાણીઓને રહેવા માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ બને તે માટે ગુજરાત પ્રવાસન નિગમે ‘સાસણ ગિર ભૂંગા રીસોર્ટ પ્રોજેક્ટ’ હાથ ધર્યો છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાનાં માળિયા હાટીના, વિસાવદર અને મેંદરડા તાલુકાનાં ગામોમાં સરકારી જમીનોમાં ૧ હેકટર જમીનની મર્યાદામાં ભૂંગા રીસોર્ટ બનાવાશે. આ માટે પ્રવાસન નિગમનાં અધિકારી કે. એમ. ગુર્જર આજે વિસાવદર મામલતદાર વીસપરા સાથે પિયાવા અને મોણપરી ગામે ગયા હતા. અને રીસોર્ટ માટે યોગ્ય જમીનની સાઇટ વીઝીટ કરી હતી. બાદમાં તેઓ મેંદરડા જવા રવાના થયા હતા. આ અગાઉ માળિયા હાટીના તાલુકાનાં જલંધર ગામે જમીનની પસંદગી થઇ ચૂકી હોવાનું પણ કે. એમ. ગુર્જરે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જૂનાગઢ ઉપરાંત અમરેલી જિલ્લાનાં ધારી તાલુકામાં આવેલા ડાંગાવર અને જર ગામે પણ આ પ્રકારનાં રીસોર્ટ બનાવાશે. આ માટે જમીનની પસંદગી થઇ ચૂકી છે. અને તેની એન.ઓ.સી. માટે વન અગ્ર સચિવને દરખાસ્ત પણ મોકલી દેવાઇ છે. વનવિભાગની એન.ઓ.સી. મળ્યે કામ હાથ ધરાશે. આ બંને પ્રોજેક્ટો અમરેલી જિલ્લામાં ‘આંબરડી વાઇલ્ડ લાઇફ પ્રોજેક્ટ’ની મુલાકાતે આવનાર પ્રવાસીઓને સુવિધા પૂરી પાડશે. અત્રે નોંધનીય છે કે, વનવિભાગ દેવિળયાની માફકજ અમરેલી જિલ્લામાં પણ આંબરડી ખાતે સિંહ દર્શનની સુવિધા ઉપલબ્ધ બનાવી રહ્યું છે. રાજ્ય સરકારે આ માટે R ૪ કરોડની રકમ પણ ફાળવી છે. આમ કચ્છનાં રણમાં જોવા મળતાં ભૂંગા મકાનો હવે ગિરની બોર્ડરનાં ગામોમાં પણ ઉપલબ્ધ બનશે.

એક રીસોર્ટમાં ૨૦ ભૂંગા
કે. એમ. ગુર્જરે જણાવ્યું હતું કે, એક રીસોર્ટમાં વધુમાં વધુ ૨૦ ભૂંગા હશે. અને એક ભૂંગામાં ૪ થી ૫ વ્યક્તિઓનો એક આખો પરિવાર રહી શકે તેવી વ્યવસ્થા હશે. ભૂંગામાં એસી સહિતની થ્રી સ્ટાર હોટલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે.

કોણ કરશે સંચાલન ?
રીસોર્ટ તૈયાર થઇ ગયા બાદ તેનું સંચાલન કોણ કરશે ? એ સવાલનાં જવાબમાં કે. એમ. ગુર્જરે જણાવ્યું હતું કે, તમામ સરકારી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ સરકાર નક્કી કરશે. જોકે, ખાનગી કંપનીને સંચાલન સોંપવાનું થાય તો પણ હોટલ ક્ષેત્રે અનુભવી હોય એવી કંપનીઓને જ તેનું સંચાલન સોંપાશે.

No comments: