Saturday, April 28, 2012

ત્રાસ ફેલાવતા દીપડાની વસતી પર નિયંત્રણ મૂકવા માટે ખસીકરણ કરો.

જૂનાગઢ, તા.૨૪
જૂનાગઢ જિલ્લામાં માનવી ઉપર દીપડાના વધી રહેલા હૂમલાના બનાવોને ધ્યાને લેતા માનવ વસતીને ભયમૂક્ત કરવા માટે તાત્કાલીક અસરથી પગલા લઈને ખસીકરણ પ્રક્રિયા શરૂ કરવાની માગણી જૂનાગઢના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. રાજ્યના વનમંત્રીને પત્ર પાઠવીને તેઓએ દીપડાની વસતી નિયંત્રણ ઉપર ભાર મૂક્યો છે.
  • માનવ વસતીને ભયમૂક્ત કરવા તાત્કાલીક અસરથી પગલા લેવા જરૂરી
જૂનાગઢ જિલ્લામાં તથા આસપાસના વિસ્તારમાં દીપડાઓ માનવભક્ષી બની રહ્યા છે. તથા લોકો ઉપર છાશવારે હૂમલાઓ કરીને હાહાકાર મચાવી રહ્યા છે. નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો સુધીના માનવીઓ દીપડાના હૂમલાઓની ઝપટે ચડી ગયા છે. પરિણામે ગિરનાર અને ગિર જંગલની આસપાસના વિસ્તારમાં આવેલી માનવ વસાહતોમાં વસતા પ્રજાજનોમાં ભયનું વાતાવરણ પેદા થયું છે. આ અંગે વધુમાં રજૂઆત કરતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂએ જણાવ્યું છે કે, દીપડાના હિંસક સ્વભાવનો માનવી ભોગ બની રહ્યા છે. માટે દીપડાઓની વસતી નિયંત્રણ માટે હવે ખસીકરણ કાર્યક્રમ અમલમાં મૂકવો જરૂરી બની ગયો છે. ત્યારે સત્વરે આ કાર્યક્રમ હાથ ઉપર લઈને માનવીને ભયમૂક્ત બનાવવાની રજૂઆત તેમણે કરી છે. જંગલ વિસ્તારની આસપાસ આવેલા ખેતરોમાં તથા અન્ય સ્થળોએ કામ કરતા મજૂર પરિવારો અને તેમના બાળકો ઉપર રાત્રીના સમયે અંધારામાં દીપડાઓ હૂમલા કરી રહ્યા છે. ત્યારે દીપડાઓનો ત્રાસ નિવારવા ખસીકરણ પ્રક્રિયા તાત્કાલીક અસરથી શરૂ કરવાની માગણી પત્રના અંતે કરવામાં આવી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=52260

No comments: