Thursday, April 12, 2012

કામાતુર સિંહ-સિંહણે કરી નાખ્યું ન કરવાનું!


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:21 PM [IST](12/04/2012)
દલખાણિયા નજીક સેમરડીના જંગલમાં બનેલી ઘટના
સિંહ યુગલ જ્યારે સંવનનમાં વ્યસ્ત હોય ત્યારે તેને કોઇ ખલેલ પહોંચાડે તો તેનું આવી બન્યુ જ સમજવું. પછી તે માણસ હોય કે અન્ય કોઇ પ્રાણી હોય કે ખુદ તેની પ્રજાતીનો જીવ કેમ ન હોય. આવી જ એક ઘટનામાં ગીર પૂર્વની દલખાણીયા રેંજમાં સેમરડીના જંગલ વિસ્તારમાં સિંહ યુગલ સંવનન કરતુ હતું ત્યારે પાંચ માસનો સિંહબાળ તેમાં અવરોધરૂપ બનતા ડાલા મથ્થા સાવજે ચપટી વગાડતા જ તેના રામ રમાડી દીધા હતાં. સિંહબાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો.

કામાતુર બનેલો સિંહ સિંહણ સાથે રતિક્રીડામાં વ્યસ્ત હોય ત્યારે બાધારૂપ બનનાર પ્રાણીને સિંહે મારી નાખ્યાની ભુતકાળમાં અનેક ઘટના બની છે. આવી જ એક વધુ ઘટના ગીર પૂર્વની દલખાણીયા રેંજમાં સેમરડીના જંગલ વિસ્તારમાં બની છે. આજે અહિં વનખાતાને આશરે પાંચ માસની ઉંમરના એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહબાળના શરીરમાં સાવજે અનેક દાંત બેસાડી દીધા હતાં. સાવજના હુમલામાં આ સિંહબાળના રામ રમી ગયા હતાં.

ઘટનાની જાણ થતા ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્મા સ્ટાફ સાથે તુરંત સેમરડીના જંગલમાં દોડી ગયા હતાં. વન તંત્ર દ્વારા સિંહબાળનું ઘટનાસ્થળે જ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. સિંહબાળના શરીર પર સિંહના દાંતના ઇજાના અનેક નિશાન મળ્યા હતાં. સિંહબાળનું મોત ગત રાત્રે થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે સિંહ-સિંહણના સગડ મળી આવ્યા હતાં. આ ઉપરાંત સિંહબાળના શરીર પર સિંહના દાંતના ઇજાના નિશાન હોય સિંહ યુગલના સંવનન દરમીયાન આ સિંહબાળ બાધારૂપ બન્યો હોય સિંહે તેને મારી નાખ્યાનું જણાયુ હતું.

No comments: