Friday, April 13, 2012

વિસાવદરનાં વેકરિયા ગામે ખુલ્લા કુવામાં ૩ રોઝનાં બચ્ચાં ખાબક્યા.

Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 5:24 PM [IST](12/04/2012)
-વધુ પાણી પી જતાં ત્રણેયનાં મોત

વિસાવદર તાલુકાનાં વેકરિયા ગામે ગત રાત્રિ દરમ્યાન એક પારાપેટ વિનાનાં કૂવામાં રોઝનાં ૩ બચ્ચાં પડી જતાં ત્રણેય મોતને ભેટયા હતા. રાત્રિનાં સમયે દસેક રોઝનું ટોળું આવી ચઢ્યા બાદ વાડી માલિકે ફેંકેલા ટોર્ચનાં પ્રકાશથી ભાગવા જતાં ત્રણેય બચ્ચાં કુવામાં ખાબક્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

વેકરિયા ગામનાં ભીખુભાઇ મોહનભાઇ ઢોલાની વાડી ગામની સીમમાં આવેલી છે. તેમનાં ખેતરમાં હાલ ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું છે. આથી રાત્રિનાં સમયે જંગલી રોઝ જેવા પશુઓની આવન જાવન રહે છે. ભીખુભાઇ પાકનાં રક્ષણ માટે રોજ રાત્રે ખેતરે જાય છે. ગતરાત્રિનાં સમયે તેમણે કશોક અવાજ સાંભળતાં એ દિશામાં ટોર્ચનો પ્રકાશ ફેંકયો. આથી દસેક જંગલી રોઝનું ટોળું એ પ્રકાશ જોઇને ભાગ્યું. જે પૈકી રોઝનાં ત્રણ બચ્ચાં ભીખુભાઇની વાડીમાં આવેલા ૬૦ ફૂટ ઉંડા અને પંદરથી વીસ ફૂટ પાણી ભરેલા કુવામાં ખાબક્યા હતા. બનાવ અંગે તેમણે વનવિભાગને જાણ કરી હતી. આથી આર.એફ.ઓ. એન. એમ. જાડેજા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, એ દરમ્યાન ત્રણેય બચ્ચાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા. વનવિભાગે તેમનાં મૃતદેહો બહાર કાઢયા હતા. અને સ્થળ પર જ તેનાં પોસ્ટ મોર્ટમ કરાયા હતા.

No comments: