Tuesday, April 17, 2012

ધારી તાલુકાના સિવડ ગામની સીમમાં ખૂંખાર દિપડા સાથે બાથ ભીડીને મોટાભાઇને નાનાભાઇએ બચાવ્યો

ગાયને બચાવવા જતાં દિપડાએ ખેડૂત પર હુમલો કર્યો, આઠેક યુવકો ડરીને નાસી ગયા પણ ભાઇ મદદે આવ્યો
ધારી, તા. ૧૫
આજના સમયમાં લોહીના સંબંધો પણ એકબીજાના લોહીના તરસ્યા બન્યાના અસંખ્ય બનાવો નજરે ચડે છે ત્યારે ધારી તાલુકાના સિવડ ગામની સીમમાં ખૂંખાર દિપડા સાથે જીવના જોખમે બાથ ભીડીને એક ભાઇએ બીજા ભાઇને બચાવી લીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગાયને બચાવવા જતાં દિપડાએ ખેડૂત પર હુમલો કર્યો, જે જોઇને આઠેક યુવકો તો ડરીને નાસી ગયા પણ ભાઇ મદદે દોડી આવ્યો હતો અને દિપડાને ભગાડી દીધો હતો.
વાત જાણે એમ છે કે, ધારી તાલુકાના સિવડ ગામે રહેતા ખેડૂત હરેશભાઇ વિસામણભાઇ વાળા (ઉ.૩૨)ની વાડીમાં સવારે એક ગાય ચરતી હતી ત્યારે અચાનક ધસી આવેલા ખૂંખાર દિપડાએ તેની ઉપર હુમલો કર્યો હતો. જે જોઇને થોડે દૂર કામ કરી રહેલા ખેડૂત હરેશભાઇ હાંકલા પડકારા કરીને દિપડાના મુખમાંથી ગાયને બચાવવા પ્રયાસો કરવા લાગ્યા હતા. પરિણામે આસપાસમાંથી પસાર થઇ રહેલા આઠ જેટલા યુવકો પણ દોડી આવ્યા હતા. જેમને જોઇને દિપડો ગાયને છોડીને કાંટાળી વાડ તરફ નાસી છૂટયો હતો.
ઇજાગ્રસ્ત ગાય પાસે ખેડૂત હરેશભાઇ પહોંચતા જ ફરી વિજળીક વેગે દિપડો ધસી આવ્યો હતો. ખેડૂત કંઇ સમજે એ પહેલાં દિપડાએ તેમની ઉપર હુમલો કરી દેતાં થોડે દૂર ઉભેલા આઠેય યુવકો બચાવવા આવવાને બદલે ગભરાઇને નાસી છૂટયા હતા.
આ સમયે જ ખેડૂત હરેશભાઇના ભાઇ જયરાજભાઇ ત્યાં પહોંચી જતાં ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર લાકડી લઇને દિપડા ઉપર તૂટી પડયા હતા. મોતના મુખ સમાન દિપડાના સકંજામાં આવી ગયેલા ભાઇને બચાવવા જીવ સટોસટની બાજી ખેલી નાખી હતી. અંતે દિપડાને ભગાડીને જ જંપ્યા હતા. બાદમાં દિપડાના હુમલાથી ગંભીર રીતે ઘવાઇને લોહીલુહાણ થઇ ગયેલા ખેડૂત હરેશભાઇને ધારીના સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપીને અમરેલી ખાતે રીફર કર્યા હતા. આ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ દોડી ગઇ હતી અને દિપડાને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
Source: http://www.gujaratsamachar.com/20120416/gujarat/sau3.html

No comments: