Saturday, April 28, 2012

ફોરલેન માટે વૃક્ષો કાપવા સામે ઉગ્ર વિરોધ


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 3:02 AM [IST](24/04/2012)
- દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ચોમેરથી એસએમએસનો મારો, ૮૭ ટકા લોકો વૃક્ષ છેદનની વિરુધ્ધમાં

રાજકોટ-જૂનાગઢ હાઇ-વે ફોરલેન કરવા માટે ૫૦૦૦ વૃક્ષો કાપવાના નિર્ણયનો વ્યાપક વિરોધ ઊઠ્યો છે. દિવ્ય ભાસ્કરે આ અહેવાલ છાપવાની સાથે એસએમએસ મગાવ્યા હતા. તેમાં લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. એસએમએસની કુલ સંખ્યાના ૮૭.૭૩ ટકા લોકોએ વૃક્ષોના નકિંદનનો વિરોધ કર્યો છે.

જેતપુરથી સોમનાથ સુધી રસ્તાની બન્ને તરફ ૫૦૦૦ જેટલા વૃક્ષોનું નકિંદન કાઢી નાખવાની યોજના ઘડાઇ ચૂકી છે તેવો અહેવાલ તા. ૨૩ના દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયો હતો. વેરાવળ-સોમનાથ બાયપાસ અને જેતપુર-જૂનાગઢ માર્ગ પર આ કાર્યવાહી કરવાની છે કારણ કે, આ હાઇ-વે ફોરલેન બનાવવાનો છે. નેશનલ હાઇ-વે ઓથોરિટીની દરખાસ્ત પછી વન વિભાગે વૃક્ષો કાપવાની તૈયારી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, દિવ્ય ભાસ્કરે આ અંગેનો અહેવાલ પ્રકાશિત કરીને વાચકો પાસેથી આ મુદ્દે એસએમએસ દ્વારા અભિપ્રાય મગાવ્યા હતા. એક જ દિવસના કુલ ૪૧૧ એસએમએસ આવ્યા છે. જેમાંથી, ૩૩૬ સંદેશાઓમાં વૃક્ષ છેદનનો વિરોધ કરાયો છે. જ્યારે ૪૭ વ્યક્તિઓએ સંમતિ દર્શાવી છે. કુલ ૮૭.૭૩ ટકા લોકો વૃક્ષ કાપવાના વિરોધમાં છે.

લોકોએ જે સંદેશા મોકલ્યા છે તેમાં લખ્યું છે કે, વૃક્ષ કાપીને પ્રગતિ કરવા કરતા પ્રગતિ ન થાય તે સારું, વૃક્ષ છેદન યોગ્ય નથી. રસ્તો એવી રીતે બનાવો કે રસ્તાની વચ્ચે વૃક્ષો આવી જાય. ભલે, જગ્યા વધારે રાખવી પડે, ૫૦૦૦ વૃક્ષ કાપવામાં પાંચ દિવસ લાગે પરંતુ, ઉછેરવામાં વર્ષો વીતિ જાય છે. લોકોએ પર્યાવરણ વિરોધી આ પગલાંનો સજજડ વિરોધ કર્યો છે.

ફોરલેન આવકાર્ય પણ વૃક્ષો પર કુહાડો તો નહી જ :

જેતપુરથી સોમનાથ સુધીના સુચિત ફોરલેન હાઈવે બને તે પૂર્વે રોડની બન્ને સાઈડનાં અલગ અલગ ૫૦થી વધુ જાતના વૃક્ષોનું નકિંદન નિકળે તેવી કાર્યવાહી હાથ ધરાઈ છે તેવા ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિધ્ધ થતાં વૃક્ષ પ્રેમીઓમાં ભારે કચવાટ પ્રસર્યો છે અને આ માર્ગ આવકાર્ય પણ ઘટાદાર વૃક્ષોને ભોગે નહી તેવો સૂર પણ વ્યક્ત થયો છે.

જેતપુરથી સોમનાથ સૂચિત ફોરલેન હાઈવેમાં નેશનલ હાઈવે ઓથોરોટીની દરખાસ્ત પછી જુનાગઢ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જેતપુર-જુનાગઢ હાઈવે તથા વેરાવળ-સોમનાથ બાયપાસ હાઈવેની ડાબી જમણી બાજુએ આવેલા ૫ હજારથી વધુ વૃક્ષોનું નકિંદન નિકળે તેવા સંજોગો રચાયા છે ત્યારે સોરઠના વૃક્ષ પ્રેમીઓમાં ભારે કચવાટ પ્રસર્યો છે. સૂચિત માર્ગ બને તે પહેલા વનવિભાગની આ કાર્યવાહી સામે એવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે કે, ૫ હજાર જેટલા અલભ્ય અને વર્ષો જુના વૃક્ષો ઉપર કુહાડી ફેરવવાનો વખત ન આવે તેવો પ્રયાસ તંત્રએ પણ કરવો જોઈએ.

આ અંતર્ગત આ વૃક્ષો માટે મશીન દ્વારા ટ્રાન્સપ્લાન્ટેશન કરવું જોઈએ અને તે માટે સોરઠમાં ઔધ્યોગિક એકમો પાસેથી અનુદાન લેવું જોઈએ જેથી છાશવારે વૃક્ષારોપણનાં કાર્યક્રમ યોજતા આ ઔધ્યોગિક એકમોને આ સામાજિક કાર્યમાં પણ સાથે લેવા જોઈએ તેવી પણ માંગણી ઉઠી છે.

No comments: