Thursday, August 16, 2012

પરચુરણ કામમાં મંજૂરીની પળોજણમાં ફસાતા ગિરનાર જંગલ ફરતેના ર૭ ગામડાના ખેડૂતો.


જૂનાગઢ, તા.૧૧
જૂનાગઢ જિલ્લાના ર૭ જેટલા નાના - મોટા ગામોનો હાલમાં ગિરનાર અભ્યારણ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ગામોમાં રહેવાસીઓ તથા ખેડૂતોને નાના એવા કામો કરવા માટે પણ વનવિભાગની મંજુરી લેવી પડતી હોવાની રાવ સાથે ભારત કિસાન સંઘે કલેકટરને પત્ર પાઠવી આ ગામોને ગીર અભ્યારણ્યમાંથી સત્વરે બાકાત કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
  • સત્વરે ઘટતું નહી કરાય તો સરપંચોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી
તાજેતરમાં ભેંસાણ,મંડલીકપુર, છોડવડી, બંધાળા, સામતપરા, મેંદપરા, પારસીયા, બામણગામ, ડુંગરપુર, પાદરીયા, તોરણિયા, માંડણપરા, ભલગામ, નવાગામ અને ચોરવાડી સહિત ર૭ નાના મોટા ગામોનો તાજેતરમાં ગિરનાર અભ્યારણ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યારણ્યમાં સમાવેશ થવાથી આ ગામોનો વિકાસ રૃંધાઈ રહ્યો છે.
આ ગામના ખેડૂતોને ખેતીની જમીનમાં કુવો ખોદવો, કુવો ઉંડો કરવો, બોર કરવો સહિતના નાના મોટા કામ માટે પણ વનવિભાગની મંજુરીની જટીલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતી હોવાની રાવ સાથે ભારતીય કિશાન સંઘના પ્રમુખ હસમુખભાઈ ઉમરેટીયા અને મંત્રી રજનીક ઉમરેટીયાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી તમામ ગામોને ગિર અભ્યારણ્યમાંથી બાકાત રાખવા માંગણી કરી છે. તેમજ પત્રના અંતે જો સત્વરે આ અંગે ઘટતું કરવામાં નહીં આવે તો ર૭ ગામોના ગ્રામજનો અને સરપંચને સાથે રાખી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

No comments: