Wednesday, August 8, 2012

ઊનાનાં ઘોડવડીના શિવ મંદિરમાં દર્શન પર વન વિભાગની પાબંદી.

Source: Bhaskar News, Una   |   Last Updated Aug 08, 2012, 00:09AM IST

- ગાંધીનગર સુધી આ મુદ્દે રજુઆત : પૌરાણિક મંદિરમાં દર્શન કરવા સામે પણ વનવિભાગ આવા ફતવા કેમ બહાર પાડે છે : ગ્રામજનો

ઊનાનાં ઘોડાવડી ગામ નજીક આવેલા પૌરાણિક બિલેશ્વર મંદિરમાં જતા ભાવિકો પર વનવિભાગ દ્વારા પાબંદી લાદવામાં આવતા ભાવિકોમાં ભારે રોષ છવાયો છે. પવિત્ર શ્રાવણ માસમાં જ વનવિભાગે શિવમંદિર માટે જ આવો નિર્ણય કરતા ભાવિકોએ તેને જંગલી ગણાવ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ ઊના પંથકનાં ઘોડાવડી ગામ સેટલમેન્ટનું ગામ છે. આ ગામનાં પાદરમાં આવેલા પૌરાણિક બિલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન સેંકડો ભાવિકો દર્શન માટે ઉમટી પડતા હોય છે. પરંતુ અચાનક જ વનખાતાએ આ મંદિરે જતાં દર્શનાર્થીઓ પર પાબંદી લગાવી દિધી હતી. જેથી ઘોડાવડી,કોદીયા, દ્રોણ, ફાટસર,ઇટવાયા અને ગીરગઢડા સહિતનાં ગ્રામ્ય વિસ્તારનાં ભાવિકોમાં વનવિભાગનાં આ આદેશથી વિરોધ ભભૂકી ઉઠ્યો છે.

જેને પગલે વિશાળ સંખ્યામાં શિવભકતો ઘોડાવડી ગામે ઉમટી પડ્યા હતા અને વનવિભાગનાં આ આદેશનો વિરોધ કર્યો હતો. બે દિવસ પહેલા જ વનવિભાગે લીધેલા આવા નિર્ણયથી અનેક તર્ક-વિતર્ક ઉઠ્યા છે. બીજી તરફ આ નિર્ણયની જાણ આસપાસનાં ગ્રામજનોને પણ થતા ભારે કચવાટ સાથે વનવિભાગનો આ નિર્ણય અન્યાયી હોવાનું જણાવ્યું હતું.

- ગામ જંગલમાં નથી, તો પ્રતિબંધ કેમ?

ઊના તા.પં.નાં પૂર્વ પ્રમુખ ઉકાભાઇ વાઘેલાએ જણાવ્યુ હતું કે, આ ગામ સેટલમેન્ટનું છે. વન વિભાગનાં અધિકારીને સપનુ આવ્યુ કે અચાનક મંદિરે આવતા દર્શનાર્થીઓનાં જવા પર પ્રતિબંધ મૂક્યો. આ પ્રતિબંધ હટાવીને જ રહીશું.

- આ નિર્ણય જરા પણ યોગ્ય નથી

ગીરગઢડાનાં અગ્રણી અશ્વિનભાઇ આણદાણીએ જણાવ્યુ હતું કે, બિલેશ્વર મંદિરે જતાં ભાવિકો પર લગાવવામાં આવેલી પાબંદી જરા પણ યોગ્ય નથી. તેને તાત્કાલીક દૂર કરવી જોઇએ.

- પાબંદી હોય તો પણ મંદિરે તો જઇશું જ

વનવિભાગનાં આ નિર્ણયનો વિરોધ કરવા એકત્રિત થયેલા ભાવિકોએ રોષ સાથે જણાવ્યુ હતુ કે, વનખાતાની આવી પાબંદીની પરવા કર્યા વગર મહાદેવને શીશ નમાવવા જઇશુ જ.

No comments: