Wednesday, August 1, 2012

મારણ માટે મરણિયો જંગ : એક વર્ષની દિપડીનુ મોત.


વિસાવદર તા.૩૦
વિસાવદરના વેકરીયા ગામના સ્મશાનની નજીક આવેલ હયાફુટી વોંકળામા એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની જાણ વનમિત્ર દ્વારા સ્થાનિક વનવિભાગની કચેરીએ કરવામાં આવતા આર.એફ.ઓ.,એ.સી.એફ.સહિતનો કાફલાએ ઘટના સ્થળે જઈ તપાસ કરતા એક વર્ષની માદા દિપડીનો મૃતદેહ જોવા મળ્યો હતો ત્યારબાદ આજુબાજુ તપાસ કરતા મારણ થયેલુ ઘેટુ જોવા મળ્યુ હતું. આ મારણને આરોગવા માટે દિપડા અને દીપડી વચ્ચે મરણીયો જંગ ખેલાયો હોવાનુ જાણવા મળ્યુ છે.
ઘેટાનો શિકાર કરનાર દીપડાએ ગળાના ભાગે બચકા ભર્યા
બનાવની વધુ વિગત પ્રમાણે સ્મશાન નજીક આવેલ ગભરુભાઈની વાડીમાં આગલી રાત્રે દિપડાએ ઘેટાનુ મારણ કર્યુ હતું. આ મારણમા ભાગ પડાવવા માટે અન્ય એક દિપડી આવી પહોચતા જંગ ખેલાયો હતો. જેમા એક વર્ષની માદા દિપડીનુ મોત નિપજયુ હતુ. દિપડાએ માદા દિપડીને ગળાના ભાગે ગંભીર ઈજા કરી હોવાના નિશાન મળી આવ્યા હતા. આ ગંભીર ઈજા થવાથી મોતને ભેટી હોવાનુ વનવિભાગનુ માનવુ છે. આ દિપડીના મૃતદેહની નજીકથી અન્ય દિપડાના ફુટ માર્ક પણ જોવા મળ્યા હતા. મૃત્યુ પામેલી દિપડીને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જઈ વેટરનરી દ્વારા પી.એમ. કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ હોસ્પિટલ ખાતે આવેલ સ્મશાનમાં અગ્નિદાહ દેવામા આવ્યો હોવાનુ વનવિભાગ તરફથી જાણવા મળ્યુ છે.  
પુખ્ત વયની દીપડીનો મૃતદેહ મળ્યો
ધારીના સરસીયા રેન્જમાં આવતા ધારગણી ગામ પાસેના રેવન્યુ વિસ્તારમાંથી પુખ્ત વયની દીપડીનો મૃતદેહ મળી આવતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. સ્થળ પર તપાસ કરતા દીપડીના મૃતદેહ પાસે દીપડાના પગના સગડ મળી આવી આવ્યા હતા. દીપડીનું પોસ્ટમોર્ટમ કરાવતા તેના ગળાના ભાગે નિશાન છે. જેનાથી દીપડા સાથે ઈનફાઈટમાં તેનું મોત નિપજયાનું વનવિભાગનું માનવું છે.

No comments: