Sunday, August 26, 2012

મગરે દીધી દેખા, ઊનાનાં રાવલ ડેમમાં એક વર્ષ ચાલે એટલું પાણી.


મગરે દીધી દેખા, ઊનાનાં રાવલ ડેમમાં એક વર્ષ ચાલે એટલું પાણી

Jayesh Gondhiya, Una  |  Aug 26, 2012, 00:40AM IST
દુષ્કાળનાં કપરા દિવસોમાં શહેર અને તાલુકાનાં ૬૦ ગામો તેમજ દીવ પ્રદેશ માટે રાહતનાં એંધાણ

સમગ્ર સોરઠ પંથકનાં કારમા દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે સંકટનાં વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ઠેર-ઠેર પાણીનો પોકાર ઉઠયો છે ત્યારે ઊના તાલુકામાં ગીર જંગલ વિસ્તારમાં આવેલા રાવલ ડેમમાંથી અત્યાર સુધી નિયમિત રીતે ૬૦ ગામોને પીવાનું પાણી અપાય છે. સાથોસાથ કેન્દ્રશાસિત પ્રદેશ દીવને પીવાનાં પાણીનો જથ્થો અપાય છે. હાલની દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે રાવલ ડેમમાં હજુ એક વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો છે. એ જોતાં મેઘરાજા કૃપા ન કરે તો ઊના તાલુકાનાં ૬૦ ગામોને તથા દીવ પ્રદેશને પીવાનાં પાણીની સમસ્યાનો પ્રશ્ન રહેશે નહીં. એમ સિંચાઇ પેટા વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું.

ઊના તાલુકા સિંચાઇ પેટા વિભાગ કચેરીનાં હસ્તે પંથકમાં ચિખલકુબા ગામ નજીક આવેલા રાવલ ડેમ ૧૯૭૮માં બનાવાયું હતું. વિશાળ જગ્યામાં ફેલાયેલા આ રાવલ ડેમમાં ૨૪ ઘનમીટર પાણી સ્ટોરેજ કરવાની ક્ષમતા ધરાવે છે. અને હાલ આખું વર્ષ આ ડેમમાંથી પાણી પુરવઠા દ્વારા પાણીનો જથ્થો સપ્લાય કરવા છતા પણ આ ડેમમાં હજુ ૮ ઘનમીટર જેટલું પાણી છે. એમ તંત્રનાં અધિકારીએ જણાવ્યું છે. જ્યારે આ ડેમ હેઠળ ૬૦ ગામોને તથા દીવ પ્રદેશને એક વર્ષ સુધી પાણીનો જથ્થો નિયમિત મળી શકે એટલું પાણી છે. એ સિવાય જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાણીઓને પણ પીવાનાં પાણીની સમસ્યા ન નડે તે માટે વધારાનો ડેડ સ્ટોક પણ ઉપલબ્ધ હોય અને તેમાં પાણીની જરૂરીયાત વન્ય વિસ્તારનાં પ્રાણીઓ માટે અનામત રખાય છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા તકેદારીનાં પગલા ભરવામાં આવી રહ્યા હોઇ પાણીની વિકટ સમસ્યા ઉભી ન થાય તે માટે પુરતા પ્રયત્નો હાથ ધરાઇ રહ્યા છે. એ સિવાય રાવલ ડેમમાંથી પાણીનો જથ્થો તો પુરતો છે. પરંતુ આ જથ્થો સપ્લાય કરવાની જવાબદારી પાણી પુરવઠા બોર્ડની છે. અને પાણી પુરવઠા બોર્ડે આ જવાબદારી સારી રીતે નિભાવી શકતું ન હોય તેમ રાવલ ડેમ હેઠળ આવતા ૬૦ ગામોમાંથી અનેક ગામમાં પિવાનાં પાણીની સમસ્યા ઉભી થતી જોવા મળી રહી છે.

પાણી પુરવઠા બોર્ડની બેદરકારી નડી જશે કે શું ?

એક તરફ સિંચાઇ વિભાગ પુરતો પાણીનો જથ્થો હોવાનો દાવો કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાણી પુરવઠા બોર્ડની અણઆવડતથી પાણીનો જથ્થો પુરતો હોવા છતાં નિયમિત રીતે પાણી ફાળવી શકતા નથી. તેવી ફરિયાદો અનેક ગામોમાંથી ઉઠવા પામી છે. અને ઘણી વખત રાવલ ડેમની પાઇપ લાઇન તૂટી ગયેલ હોઇ તેની મરામત કરાવવાની જવાબદારી પાણી પુરવઠા બોર્ડની હોવા છતા પણ ઘણી વખત તો આવી મરામત ક્યાં કરવાની છે તેની પણ પાણી પુરવઠા બોર્ડને ખબર નથી હોતી. આમ હાલ આ દુકાળની પરિસ્થિતિ અને પાણીનાં પોકાર વચ્ચે એક વર્ષ સુધી ચાલે એટલું પૂરતું પીવાનું પાણી હોવા છતાં પણ પીવાનાં પાણીનો પોકાર ઉઠે એ ખરેખર પાણી પુરવઠા બોર્ડની નબળાઇ છે.

મચ્છુન્દ્રી ડેમમાં ઉલ્ટી ગંગા

મચ્છુન્દ્રી ડેમ પણ ઊના તાલુકામાં આવેલ હોઇ ત્યાં પરિસ્થિતિ ઉલ્ટી હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. અને મેઘરાજા દયા નહી વરસાવે તો આગામી સમયમાં મચ્છુન્દ્રી ડેમ તથા નદી હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા ફફડાટ મચાવશે તેવુ જાણવા મળી રહ્યું છે. ત્યારે દુકાળની પરિસ્થિતિ વચ્ચે દીવ વિસ્તાર તથા ઊના તાલુકાનાં ૬૦ ગામોને પીવાનાં પાણીની સમસ્યા એક વર્ષ સુધી સતાવશે નહીં. તેમ છતાં પણ મેઘરાજા મેઘ વરસાવે તેવી ચાતક નજર લોકોની ગગન તરફ મીટ માંડી રહ્યા છે. અને કહે છે, મેઘરાજા હવે તો વરસો...

No comments: