Wednesday, August 8, 2012

ધારીનાં પાતળા ગામની સીમમાં ભરવાડ યુવક પર સિંહણનો હુમલો.

Source: Dilip Raval, Amreli   |   Last Updated Aug 05, 2012, 16:45PM IST

-ઢોર ચરાવતા માલધારી પર સિંહણનાં હુમલાથી લોકોમાં ફફડાટ

ગીરપુર્વ જંગલ વિસ્તાર નજીક આવેલા ગામડાઓમાં અવારનવાર વન્યપ્રાણીઓ દ્રારા માણસ પરના હુમલાની ઘટનાઓ વધતી જાય છે. હજુ તો ગઇકાલે સાંજે જ પાતળા ગામની સીમમાં એક માલધારી યુવક પર સિંહે હુમલો કર્યો હતો. ત્યારે ગતરાત્રીના પણ આ જ વિસ્તારમાં ઘેટાબકરા ચરાવતા એક ભરવાડ યુવક પર સિંહણે હુમલો કરી ઘાયલ કરી દેતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ધારી તાલુકાના પાતળા ગામ જંગલ વિસ્તારની તદ્દન નજીક આવેલ ગામ હોય અવારનવાર સિંહ તેમજ દિપડાઓ અહી આવી ચડે છે. અને દુધાળા પશુઓ તેમજ માણસ પર હુમલો કરી દે છે. હજુ તો ગઇકાલે સાંજે સાડા છએક વાગ્યાના સુમારે ગોબર બાઘાભાઇ મેવાડા (ઉ.વ.૩૦) નામના માલધારી યુવક માલઢોર ચરાવી રહ્યો હતો. ત્યારે સિંહે તેના પર હુમલો કરી ઘાયલ કરી દીધો હતો.

ગતરાત્રીના એકાદ વાગ્યાના સુમારે બોઘાભાઇ દુદાભાઇ ભરવાડ નામનો યુવાન ઘેટા બકરા રાખીને ખુલ્લા મેદાનમાં સુતો હોય ત્યારે અચાનક એક સિંહણ ત્યાં ચડી આવી હતી. અને ઘેટાનું મારણ કરવા જતા તેને ભગાડવાની કોશિશ કરતા સિંહણે બોઘાભાઇ પર હુમલો કરી દેતા તેને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી.

આ બારામાં વનવિભાગને જાણ કરવામાં આવતા એસીએફ એમ.એમ.મુનીની સુચનાથી આરએફઓ પરડવા સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. યુવાનને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

No comments: