Wednesday, August 8, 2012

જુનાગઢ-ભેંસાણનાં ૨૭ ગામો હવે ‘જંગલમાં’


Source: Bhaskar News, Junagadh   |   Last Updated Aug 08, 2012, 00:12AM IST
- પર્યાવરણ અને વનમંત્રાલય દ્વારા ગેઝેટ પ્રસિદ્ધ : વધુ ૯૩૧૭.૫૮ હેકટર સંવેદનશીલ ઝોન તરીકે જાહેર થઈ

- બન્ને તાલુકાનાં આ ગામોનાં લોકો માટે હવે વનવિભાગનું એનઓસી રહેશે ફરજીયાત

એશિયાટીક લાયન તેમજ વન્યજીવોની સુરક્ષા અને સરક્ષણ અર્થે ગીરનાર આસપાસનાં જૂનાગઢ તેમજ ભેંસાણ તાલુકાનાં ૨૭ ગામોની ૯૩૧૭.૫૮ હેકટર વિસ્તારને પર્યાવરણ અને વનમંત્રાલય દ્વારા તાજેતરમાં સંવેદનશીલ ઝોનમાં સમાવિષ્ટ કરતા આ ગામો હવે વનવિભાગ હસ્તક એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

ઉલ્લેખનીય એ છે કે, ગત ૩૧ મેનાં રોજ જાહેર થયેલા ગેઝેટમાં લેવાયેલા આ નિર્ણયથી ગામોમાં કૂવો ખોદવો, બાંધકામ કરવું સહિતમાં હવે વનવિભાગનું એનઓસી ફરજીયાત રહેશે જેથી સ્થાનિક કક્ષાએ આ મુદ્દે થોડોક કચવાટ પણ પ્રવર્તે છે.

એશિયાટીક લાયન અને અન્ય વન્યજીવો તેમજ ગીરનાર આસપાસનું વન અને જળપ્રવાહને સુરક્ષીત રાખવાના હેતુથી વનવિભાગે અગાઉ ૧૭૮૨૭.૨૯ હેકટર જમીનને ઈકોસેન્સેટીવ ઝોનમાં સમાવીષ્ટ કરતુ ગેઝેટ ગત તા. ૩૧મે ૨૦૧૨નાં રોજ પ્રસિધ્ધ કરાતા જુનાગઢ અને ભેંસાણ તાલુકાનાં ૨૭ ગામો હવે જંગલમાં ગણાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કેન્દ્રના પર્યાવરણ અને વનમંત્રાલય દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પ્રદૂર્ષણની સમસ્યા ન સર્જાઈ તે માટે ઉદ્યોગો, ખાણમાં ખોદકામ પર ખાસ નિયંત્રણ રહેશે તેમજ હવેથી આ ગ્રામ્ય વિસ્તારોમાં થનારા બાંધકામમાં વનવિભાગની મંજુરી અગ્રેસર રહેનાર છે.

જો કે, ગીરનાર આસપાસનાં આ વનવિભાગનાં સંવેદનશીલ ઝોન અંગે એક મોનીટરી સમિતી પણ નિર્માણ કરાઈ છે. જેમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર જુનાગઢ, કેન્દ્ર સરકારનાં વનપર્યાવરણ મંત્રાલયનાં પ્રતિનિધી, કેન્દ્ર સરકાર દ્વારા ગેરસરકારી સંગઠનનાં પ્રતિનિધી, પ્રદૂર્ષણ નિયંત્રણ બોર્ડ જુનાગઢનાં ક્ષેત્રીય અધિકારી, ટાઉન પ્લાનીંગ ઓફીસર, વનપર્યાવરણ વિભાગ ગુજરાત સરકારનાં પ્રતિનિધી, પર્યાવરણ ક્ષેત્રનાં એક નિષ્ણાંત અને ગીરનાર વન્યજીવન અભ્યારણનાં ઉપવનસંરક્ષકનો સદસ્યો તરીકે સમાવેશ કરાયો છે.

અગાઉ ૧૭૮૨૭.૨૯ હેકટર જમીન ઈકોસેન્સેટીવ ઝોનમાં હતી તેમાં વધું ૯૩૧૭.૫૮ હેકટર અંતર્ગત જુનાગઢ અને ભેંસાણ તાલુકાનાં ૨૭ ગામો હવે વનવિસ્તારમાં આવરી લેવાયા છે. જો કે, કેન્દ્રનાં વન અને પર્યાવરણ મંત્રાલયનાં આ નિર્ણયથી સોરઠમાં ઊના વિસ્તારમાં બાંધકામ સહિતમાં વનવિભાગની એનઓસી ફરજીયાત હોય તેવો કચવાટ અને રજુઆતો ચાલુ છે ત્યાં આ ગામોનો પણ જંગલમાં સમાવેશ થતા હવે અહીં પણ થોડોક કચવાટ બહાર આવ્યો છે. આ નિયમ સામે ઊના સહિત આસપાસના ગામનાં લોકોએ ગત આઠમી જૂને આવેદન પણ આપ્યું હતું.

- જુનાગઢ તાલુકાનાં ગામો

દોલતપરા, સાબલપુર, બામણગામ, ડેરવાણ, વડાલ, ચોકલી,મંડલીકપૂર, બંધડા, ભાલગામ, માંડણપરા, તોરણીયા, ખડીયા, ડુંગરપુર, પ્લાસવા, જુનાગઢ અને ભવનાથ

- ભેંસાણ તાલુકાનાં ગામો

બલિયાવાડ, પાટલા, હડમતીયા વિશા, મંેદપરા, દુધાળા, માલીડા,પસવાળા, સામતપરા, છોડવડી

- કેટલાક ગામતો આખેઆખા

બન્ને તાલુકાનાં પતવાડ, પસવાળા, મલીડા,મદનપરા, તોરણીયા,ભવનાથ આ ગામો તો આખેઆખા વનવિભાગમાં સમાવિષ્ટ થયા છે.

No comments: