Tuesday, April 30, 2013

'સાવજ સૌરાષ્ટ્રનું ઘરેણું છે', સ્થળાંતર સામે લોકોનો પોકાર.




- અહિંના લોકોએ જાન-માલનું નુકશાન વેઠીને પણ સાવજોનું રક્ષણ કર્યું છે
- ખાંભામાં આજે આવેદન અપાશે

અમરેલી જીલ્લાની જનતાને જેના પર ગર્વ છે તે અહિંના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો અહિંનું ઘરેણુ છે. અહિંના લોકોએ સાવજો સાથે એટલુ અનુકુલન સાધ્યુ છે કે સીમમાં માણસ અને સાવજ સાથે રહી શકે છે. વન વિભાગના કર્મચારીઓને સાવજની ભાળ મેળવવી હોય તો માલધારીઓની મદદ લે છે. સાવજો માલ-ઢોરનું મારણ કરી જાય છે. ક્યારેક લોકો પર હુમલો કરી બેસે છે. પણ અહિંના લોકો સાવજોને પ્રેમ કરે છે ત્યારે અહિંના લોકો સિંહના સ્થળાંતરની વાત માત્રથી નારાજ છે. સરકારની આવી કોઇ હીલચાલ સામે ઉગ્ર વિરોધ સાથે લડી લેવા જનતા મક્કમ છે.
લીલીયાના ક્રાંકચ પંથકનું બાવળનું જંગલ સાવજોને માફક આવી ગયુ છે. અહિં ૩૬ સાવજોનો વસવાટ છે. સાવરકુંડલા નજીક મીતીયાળા આસપાસ સાવજોની વસતી છે. ખાંભા તથા ધારી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોની સતત અવર જવર છે. રાજુલા, જાફરાબાદ અને નાગેશ્રી પંથકમાં પણ સાવજો વસે છે. આ સાવજો છેક દરીયાકાંઠે પણ જાય છે. દામનગરના સિમાડા સુધી કે બાબરાની ઉપરવાસ સુધી કે ક્યારેક બગસરા અને કુંકાવાવ સુધી આ સાવજો પહોંચી જાય છે.અહિંની જનતાની લાગણી છે કે સાવજોએ અમને ગૌરવ અપાવ્યુ છે. આ સાવજોના રક્ષણ માટે જનતાએ ખુબ જ ભોગ આપ્યો છે. જાન-માલની ખુંવારી પણ વેઠી છે અને હજુ પણ ખુંવારી વેઠવા જનતા તૈયાર છે. કોઇ સિંહણ સિંહબાળને જન્મ આપે ત્યારે અહિંના લોકો હરખાય છે. અમરેલીની એક સંસ્થા સહિતની સંસ્થાઓ અને પ્રકૃતપિ્રેમીઓએ જો રાજ્ય સરકાર દ્વારા આ સાવજોને અહિંથી ખસેડવા માટે કોઇ કાર્યવાહી કરાશે તો તેનો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સરકારે લોકોની લાગણી સમજવી પડશે-પર્યાવરણ ટ્રસ્ટ
અમરેલીના પર્યાવરણ અને સંસ્કૃતી રક્ષક ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્રભાઇ તળાવીયાએ જણાવ્યુ હતું કે અહિંના લોકો સાવજ સાથે વણાયેલા છે. લોકોનો સાવજ સાથે ઘરોબો છે. સરકારે લોકોની આ લાગણીને સૌથી પહેલા સમજવી પડશે. સિંહના સ્થળાંતરની નહી અહિંના પ્રવાસન ઉદ્યોગની વાત કરો.
અહિંનુ ‘‘ઘરેણુ’’ નહી લઇ જવા દઇયે-મહેન્દ્રભાઇ ખુમાણ
છેલ્લા એકાદ દાયકાથી ક્રાંકચની સીમમાં સાવજોની દેખભાળ રાખતા પ્રકૃતપિ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણનું કહેવું છે કે સાવજો અમારૂ ઘરેણુ છે. તે અમે કઇ રીતે કોઇને આપી શકીએ ? અહનિંા લોકો કોઇ અજાણ્યો માણસ સીમમાં નઝરે પડે તો પણ દશ વખત પુછપરછ કરે છે. સાવજોની આવી રક્ષા મધ્યપ્રદેશમાં થઇ શકે ?
ખાંભામાં આજે આવેદન અપાશે
ખાંભામાં ગીર નેચર યુથ કલબ દ્વારા સાવજોના સ્થળાંતરના મુદે મુખ્યમંત્રીને ઉદેશી મામલતદારને આવેદનપત્ર અપાશે. કલબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતું કે મધ્યપ્રદેશમાં સાવજો માટે પ્રતિકુળ હવામાન છે. શિકારનું જોખમ છે. આવા સ્થળાંતરથી સૌરાષ્ટ્રની ઓળખ ભુંસાશે.
સિંહની વસતી ગમે તેટલી વધે સમાઇ જશે
સૌરાષ્ટ્રના લોકોની જાગૃતિ, સિંહરક્ષા માટે કટીબધ્ધતા અને સરકાર દ્વારા કાયદાના પાલન એમ સૌના સહીયારા પ્રયાસથી સિંહોની વસતી વધી રહી છે. પ્રકૃતિવિદ જીતેન્દ્રભાઇ તળાવીયાએ જણાવ્યુ હતું કે સિંહની વસતી કદાચ એક હજાર સુધી પહોંચી જાય તો પણ સૌરાષ્ટ્રમાં તેનો સમાવેશ થઇ જશે. બરડા ડુંગર ઉપરાંત મહુવા, પાંચાળ, વાકાનેરવીડી વગેરે વિસ્તારમાં સાવજોના નવા ઘર વિકસશે.


No comments: