Tuesday, April 30, 2013

બાબરાવીડીમાંથી સિંહણનો કોહવાયેલો મૃતદેહ મળ્યો.


Bhaskar News, Junagadh | Apr 29, 2013, 02:49AM IST
- સાસણ એનિમલ કેર સેન્ટરમાં કરાયું પીએમ : બીમારીથી મોત થયાનું વન વિભાગનું અનુમાન

માળિયાહાટીનાનાં બાબરાવીડી જંગલમાંથી સિંહણનો સાવ કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવતાં સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે પીએમ કરી મૃતદેહનો નિકાલ કરાયો હતો. આ સિંહણનું બિમારીથી મોત થયાનું વન વિભાગનું અનુમાન છે. માળિયાહાટીનાનાં બાબરાવીડી જંગલમાં કરમદાનાં ઢુવા પાસે ગતરાત્રિનાં ૧૦ વાગ્યાની આસપાસ સાવ કોહવાઇ ગયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ લોકોને જોવા મળતાં બાબરા ગામનાં સરપંચને જાણ કરાઇ હતી.

આ અંગે વન વિભાગને વાકેફ કરાયા બાદ મધરાતનાં ત્રણ વાગ્યે એક ગાર્ડે આવી આ મૃતદેહને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે લઇ ગયેલ જ્યાં પીએમ કરી મૃતદેહનો નિકાલ કરાયો હતો. આ અંગે આરએફઓ પડશાળાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આઠનાં ગ્રુપ પૈકીની આ સિંહણનું કોઇ બિમારીથી કુદરતી મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. પીએમ રીપોર્ટમાં સિંહણને કોઇ બાહય ઇજા, ઉજરડા કે ઝખમ જોવા મળ્યા નથી. બે કે ત્રણ દિવસ પહેલા આ પાંચ થી છ વર્ષની ઉંમર ધરાવતી સિંહણનું મૃત્યું થયું હોવાનું જણાઇ છે.

- સિંહ મોતનો ત્રીજો બનાવ

બાબરાવીડીમાં અગાઉ ચાર મહિના અને એ પૂર્વે બે મહિના પહેલા એક-એક સિંહ બાળ મોતને ભેટયાં હતાં અને આજે વધુ એક સિંહણનું મોત થયું છે.  પ્રકૃતપિ્રેમી તપનભાઇ ઉપાધ્યાય સહિતનાં લોકો સ્થળ પર દોડી ગયેલ. મધરાતનાં ત્રણ વાગ્યે માત્ર ગાર્ડ આવેલ પરંતુ કોઇ અધિકારી ન આવતાં રોષની લાગણી વ્યક્ત કરી હતી. અહીંયા લાયન શો થતા હોવાનો અને વન વિભાગ દરકાર લેતું ન હોવાનાં પણ તપનભાઇએ આક્ષેપ કર્યો હતો.

No comments: