Tuesday, April 30, 2013

ઊનાના એનિમલ કેર સેન્ટરમાં સિંહણનું મોત.

Bhaskar News,Una | Apr 28, 2013, 01:33AM IST
ગિર પૂર્વ વનવિભાગ હેઠળ આવતી જશાધાર રેન્જ જાણે કે ભગવાનનાં ભરોસે હોય એવા બનાવો છેલ્લા બે-ત્રણ દિવસો દરમ્યાન સામે આવ્યા છે. એક વિસ્તારમાં ઇજાગ્રસ્ત સિંહણની ભાળ હજુ સુધી મળી નથી. ત્યાંજ તુલસીશ્યામ રાઉન્ડમાંથી એક બિમાર સિંહણને જશાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવાર પહેલાંજ તે મોતને ભેટી હતી. આ બનાવનો આરએફઓએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

અંતે ધારી ડીએફઓ દોડી આવ્યા બાદ તેમણે આ વાતને સમર્થન આપ્યું હતું. જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મૃત્યુ પામેલી આ સિંહણને વેટરનરી તબીબની સારવાર ન મળી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

તુલસીશ્યામ રાઉન્ડની પીપળવા રેન્જમાંથી વનવિભાગની રેસ્ક્યુ ટીમે એક બિમાર સિંહણને પાંજરે પૂરી જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ગઇકાલે ખસેડાઇ હતી. જ્યાં એનિમલ કેર સેન્ટરનાં તબીબ હાજર ન હોઇ તેનું યોગ્ય સારવારનાં અભાવે મૃત્યુ થયાની ચર્ચાઓ ખુદ વનવિભાગમાંથી જ ઉઠી રહી છે. આ ઘટનાને પગલે સિંહણનું મોત થયા બાદ જશાધાર રેન્જનાં આરએફઓ સિંહણનાં મોતની વાતને ટાળતા હતા. મીડીયાકર્મીઓ તેમને રૂબરૂ મળવા જતાં અપમાન કરીને બહાર કાઢી મૂક્યા. કલાકો સુધી મીડીયાકર્મીઓ રેન્જ કચેરીમાં બેઠા રહ્યા. બાદમાં ધારીથી ડીએફઓ આવતાં તેમણે સિંહણનાં મોતની વાતને સમર્થન આપ્યું હતું.

સિંહણનાં મોતનું કારણ પૂછતાં તેમણે એ સિંહણને 'લૂઝ ડાયેરિયા’ થવાથી શરીરમાં પાણી ખૂટી જતાં મૃત્યુ થયાનું જણાવ્યું હતું. તેમણે વ્યવસ્થિત રીતે મીડીયાકર્મીઓને માહિ‌તી અને સહકાર પણ
આપ્યો હતો.

હું ૭ વાગ્યે જશાધાર પહોંચીશ : વેટરનરી તબીબ

આ અંગે જશાધાર એનિમલ કેર સેન્ટરનાં વેટરનરી તબીબનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, મને સિંહણનું મોત થયાની ખબર નથી. પરંતુ મારી ઉપર ફોન આવ્યો કે સિંહણ ગંભીર છે. હાલ હું જૂનાગઢ છું. સાંજે ૭ વાગ્યા આસપાસ જશાધાર પહોંચ્યા પછી ખ્યાલ આવે.

સારવાર ચાલુ છે : આરએફઓ

એક તરફ વેટરનરી તબીબ જૂનાગઢ હોઇ સાંજે ૭ વાગ્યાની આસપાસ જશાધાર પહોંચશે એવી વાત કરે છે. તો બીજી તરફ જશાધાર રેન્જનાં આરએફઓ કહે છે કે, સિંહણની સારવાર ચાલુ છે. આમ વેટરનરી તબીબ કાંઇક કહે છે અને આરએફઓ કાંઇક કહે છે. ઇજાગ્રસ્ત સિંહણ બાબતે પણ આરએફઓ ઇન્કાર કરી રહ્યા છે.

No comments: