Tuesday, April 30, 2013

સાવજો કોઇ કાળે જવા ન જોઇએ , પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ યથાવત.


Bhaskar News, Amreli | Apr 28, 2013, 01:05AM ISTજિલ્લામાં ઠેર-ઠેર વિરોધ આવેદનપત્રો અને પોસ્ટકાર્ડ ઝૂંબેશ કરી સાવજ પ્રેમીઓએ પત્રોનો મારો ચલાવ્યો

સૌરાષ્ટ્રની શાન સમા ગીરના સાવજોને મધ્યપ્રદેશ ખસેડવાના નિર્ણય સામે અમરેલી જિલ્લામાં ઠેરઠેરથી વિરોધ ઉઠી રહ્યો છે. સાવજપ્રેમીઓ દ્વારા આવેદનપત્રો, પોસ્ટકાર્ડ ઝુંબેશ કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે જિલ્લાના પ્રકૃતિપ્રેમીઓ દ્વારા પત્રો લખી ગીરના સાવજોને કોઇ કાળે મધ્યપ્રદેશ ખસેડવામાં ન આવે તેવી માંગ ઉઠાવી છે.

રાજુલા શહેરના પ્રકૃતિપ્રેમી શિવરાજભાઇ ધાખડાએ પત્ર પાઠવી સાવજોને મધ્યપ્રદેશ ન ખસેડવા માંગ કરી છે. તો સાવરકુંડલામાં નંદલાલભાઇ પાંધીએ પણ સરકારને પત્ર પાઠવી સિંહોના સ્થળાંતર મુદ્દે સરકાર વિચાર કરે તેવી માંગ કરી છે. શિવરાજભાઇ ધાખડાએ પત્રમાં જણાવ્યું છે કે નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ગીરના સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાનો જે નિર્ણય લીધો છે તે યોગ્ય નથી.

વધુમાં જણાવાયું છે કે વર્ષો પહેલા પણ ગીરના સાવજોને મધ્યપ્રદેશ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં તેનો કોઇ સુરાગ નથી. ગીરના સાવજોને મધ્યપ્રદેશનું વાતાવરણ અનુકુળ આવે તેમ નથી. જેથી ગીરના સાવજોનું સ્થળાંતર અટકાવવુ જોઇએ. નંદલાલભાઇ પાંધીએ રાજયપાલને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે સાવજો એ ગીર પંથકનું ધબકતુ હ્દય છે. સાવજો પશુઓનું મારણ કરી તેના પર જીવે છે પરંતુ હજુ સુધી માનવ વસતીને મોટુ નુકશાન કર્યુ નથી. સિંહ છે તો ગીર છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આ અંગે વિચારણા કરી સિંહોનું સ્થળાંતર અટકાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

No comments: