Tuesday, April 30, 2013

સિંહ-કેસર કેરી ગિરના ઘરેણાં કહેવાય, ગિરમાં જ શોભે: પોપટલાલ.


Bhaskar News, Una | Apr 25, 2013, 07:52AM IST
- ‘ઊલટા ચશ્માં’ના પત્રકાર પોપટલાલનું મંતવ્ય
- ઊના આવેલા તારક મહેતા કા ઉલટા ચશ્માનાં સુપ્રસિદ્ધ કલાકારો પત્રકાર પોપટલાલ તેમજ સોઢી સાથે દિવ્ય ભાસ્કરની મુલાકાત


સુપ્રસિદ્ધ ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં કલાકારો શ્યામ પાઠક (પત્રકાર પોપટલાલ) તેમજ ગુરૂચરણ સિંઘ (સોઢી) ઊનાનાં આંગણે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારે આ બંને કલાકારોએ દિવ્ય ભાસ્કરને ખાસ મુલાકાત આપી હતી. અને સોરઠનાં સિંહ અને સોરઠની કેસર કેરી વિશ્વ વિખ્યાત ગણાય છે. ત્યારે સોરઠનું આ ઘરેણું ગીરમાં જ શોભે એમ કહ્યું હતું.

દિવ્ય ભાસ્કર સાથેની ખાસ મુલાકાતમાં શ્યામ પાઠક (પત્રકાર પોપટલાલ)એ જણાવ્યું હતું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં ગોકુલધામ સોસાયટીનાં રહેવાસીઓ એક પરિવારની જેમ રહે છે. જેઓ વચ્ચે અનોખો પ્રેમ જોવા મળે છે. તેમજ આ સિરીયલ હસતાં-હસતાં સમાજમાં અનોખો સંદેશ પૂરો પાડે છે.  આ સિરીયલનાં માધ્યમથી અમારી ટીમનાં કલાકારોને દેશનાં ખુણે-ખુણેથી લોકોનો પ્રેમ અને લાગણી મળ્યાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ તાજેતરમાં ૧૧૧૧ એપીસોડ પૂરા કર્યા હોઇ રાજકોટમાં ૧૧ પરિવારો ગોકુલધામ સોસાયટીનાં નામની ફેન ક્લબ શરૂ કરી છે.

વધુમાં શ્યામ પાઠકે (પત્રકાર પોપટલાલ) સોરઠની વાતોને વાગોળતાં જણાવ્યું હતું કે, મારૂં વતન પણ ગડુ છે. સોરઠનાં સિંહો અને સોરઠની કેસર કેરી ગિરનું ઘરેણું કહેવાય. જે માત્ર ગિરમાં જ વ્હાલું લાગે. જ્યારે પંજાબનાં ગુરૂચરણ સિંહ (સોઢી) એ પણ દિવ્ય ભાસ્કરની મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઊનાનાં આંગણે હું બીજી વખત આવ્યો છું. ત્યારે ગુજરાતીઓનો પ્રેમ અને લાગણી અનોખી ઉર્જા ઉત્પન્ન કરાવે છે. જ્યારે સિરીયલની વાત કરતાં સોઢીએ જણાવ્યું હતું કે, પોપટલાલ કે લીયે લડકી ઢુંઢની હૈ, ઓર ઉસકી શાદી કરાની હૈ.

ત્યારે ઊનામાં યુસુફભાઇ સોરઠીયા તથા આરીફભાઇ સોરઠીયાનાં ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા આ બંને કલાકારોએ બે કલાકથી વધુ ઊનામાં રોકાણ કર્યું હતું. તેમજ દિવ્ય ભાસ્કરને પોતાની ટુંકી મુલાકાત આપી બંને કલાકારોએ સિરીયલની વાતો વાગોળી હતી. ખાસ કરીને પત્રકાર પોપટલાલે પોતાનું વતન સોરઠ હોઇ સોરઠનાં સંભારણાઓ યાદ કર્યા  હતા. સોરઠમાં સિંહનાં સ્થળાંતરને લઇ ઠેર-ઠેર વિરોધનો જવાળ ઉઠ્યો છે. જિલ્લામાં સહી ઝુંબેશ, પોસ્ટ કાર્ડ ઝુંબેશ, રેલી સહિતના પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. સોરઠવાસીઓ એક જ સૂર વ્યક્ત કરી રહ્યા છે કે ગિરની શોભા ગિરમાં જ શોભે.

- ‘શ્યામ પાઠક’ પરિણીત, ‘પત્રકાર પોપટલાલ’ અપરિણીત

શ્યામ પાઠક ઉર્ફે પોપટલાલ સિરીયલમાં પોતાનાં લગ્ન કરવા માટે ઇચ્છુક હોય છે. પોતે પરણિત છે કે અપરણિત તેનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે, શ્યામ પાઠક પરિણીત છે અને બે બાળકનાં પિતા છે. જ્યારે સિરીયલનાં પત્રકાર પોપટલાલ અપરણિત છે.

- સોરઠની કેસર કેરીનો સ્વાદ ક્યારેય ન ભૂલી શકાય : સોઢી

ગુરૂચરણસિંહ ઉર્ફે સોઢીએ જણાવ્યું હતું કે, સોરઠની કેસર કેરીનો સ્વાદ ક્યારેય પણ ભુલી ન શકાય. કેસર કેરીનો સ્વાદ માણવો એ પણ એક લ્હાવો છે. ગીરનાં સિંહની વાતો ખુબ જ સાંભળી છે. પરંતુ ગીરમાં સિંહ જોવાની તક મળે તેની રાહ જોઉં છું.

- તૂફાન એક્સપ્રેસ એટલે જ પોપટલાલ

તૂફાન એક્સપ્રેસની વાત કરતાં પોપટલાલે જણાવ્યું હતું કે, તુફાન એક્સપ્રેસ ચલાવું છું. પણ વહેચું પણ હું જ છું. આમ તૂફાન એક્સપ્રેસ એટલે પોપટલાલ અને પોપટલાલ એટલે તૂફાન એક્સપ્રેસ.

No comments: