Thursday, April 4, 2013

કેસર કેરીનાં બગીચામાં વીજ ચેકીગ અટકાવો : ઉર્જામંત્રી સમક્ષ માંગ.

Bhaskar News, Talala | Apr 04, 2013, 00:31AM IST
- તાલાલા તાલુકા ભાજપનાં પ્રતિનિધિ મંડળની ઉર્જામંત્રી સમક્ષ  માંગ : ગ્રા.પંચાયતોનાં સ્ટ્રીટ લાઇટનાં બીલ  સરકાર ભરે એવી રજુઆત

તાલાલા તાલુકો ખેતીવાડી બાબતમાં બાગાયતી વિસ્તાર હોય વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનાં આંબાનાં બગીચાને અત્યારનાં સમયે પાણીની જરૂર હોય તેવા ટાંણે સતત થઇ રહેલા વીજ ચેકીગથી ખેડૂતોને ભારે હેરાનગતી પડતી હોય અને આકરા વીજ બીલો ખેડૂતોને નબળા વર્ષમાં આર્થિક રીતે ભાંગી નાખે છે. જેથી તાકિદે ગીર પંથકમાં વીજ ચેકીગ અટકાવી ખેડૂતોની વ્હારે આવવા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલને રૂબરૂ મળેલા ગીર પંથકનાં ભાજપનાં પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી હતી.

તાલાલા તાલુકા ભાજપ પક્ષનાં અગ્રણીઓ નરસીંહભાઇ મકવાણા, ડૉ.કરશનભાઇ પટેલ, પૂર્વ સાંસદ ગોરધનભાઇ જાવીયા, જિલ્લા ભાજપ પંચાયત સેલનાં કન્વીનર મહેન્દ્ર પીઠીયા, ઘાવા (ગીર) નાં સરપંચ વિજય કનેરીયા સહિતનાં ભાજપનાં પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલને રૂબરૂ મળી લેખિત પત્ર આપેલ છે. તાલાલા તાલુકો કેસર કેરીનાં આંબાનાં બગીચા ધરાવતો બાગાયતી વિસ્તાર છે.

આ તાલુકામાં ખેડૂતો ખેતીવાડીનાં વાર્ષિક બીલો ભરે છે. આંબાનાં બગીચામાં વર્ષ દરમિયાન હાલનાં ચાર માસ જ પાણીની જરૂરિયાત હોય છે. ચાલુ વર્ષે અછતનું વર્ષ હોય પાણીની તંગી હોવાથી આવા ખેડૂતો બોરને બદલે કુવામાંથી કે કુવાનાં બદલે બોરમાંથી જ્યાં પાણીની સગવડ પ્રાપ્તહોય ત્યાંથી પાણીનું પિયત કરે છે. તેને ચેકીગ ટુકડીઓ કનડગત કરે છે. તાલાલા તાલુકાનાં બાગાયતી વિસ્તારથી પર્યાવરણને ભારે ફાયદો મળે છે.

સરકારનો પર્યાવારણલક્ષી અભિગમ હોય ત્યારેઆંબાનાં બગીચાને બચાવવા મહેનત કરતા ખેડૂતો વધારાનો એકાદો બોર હોય  અને થોડ  ઘણો લોડ વધારો થતો હોય તો તેવા ખેડૂતોને મોટી-મોટી રકમનો દંડ ફટકારવામાં આવે છે. ત્યારે વર્તમાન સ્થિતી જોતા ઉદારનીતિ દાખવવાની ખાસ જરૂર છે. બોર અને કુવા વચ્ચે  ટેમ્પરરી સીફટિંગની જરૂરિયાત હોય તો તેમાં છ માસની પ્રક્રિયા નિકળી જાય છે અને પાણી પણ ખલાસ થઇ જાય તો ટેમ્પરરી સીફટિંગનો કોઇ અર્થ રહેતો નથી.

ઉદ્યોગનાં કનેકશનોને ૫૦ ની કેપેસીટીનો લોડ હોય તો ૧૦ નાં બદલે પાંચ યુનિટ વાપરી શકે છે. જ્યારે ખેડૂતોને લોડ ૧૫ ની કેપેસીટીનો હોય તો સાડા સાતની બે મોટર વાપરી શકતા નથી. આ બાબત ખેડૂતો સાથે હળાહળ અન્યાય કરવા જેવી છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી વીજ ચેકીગ અટકાવી ખેડૂતોની વ્હારે આવવા ગીર પંથકનાં ભાજપનાં પ્રતિનિધિ મંડળે ઉર્જામંત્રીને રૂબરૂ અસરકારક રજૂઆતો કરી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપની સરકાર તરફથી ખેડૂતો પ્રત્યે કેટલી સહાનુભુતી  બતાવી વીજ ચેકીગની કનડગત ઓછી કરાય છે કે કેમ ? તે અંગે ભાજપનાં હોદેદારોમાં ચર્ચા ચાલી રહી છે.

- ગ્રામ પંચાયતોનાં સ્ટ્રીટલાઇટ બીલ સરકાર ભરે

ઉર્જામંત્રીને મળેલ પ્રતિનિધિ મંડળે વધુ એક રજૂઆત કરેલ કે ગ્રામપંચાયતોનું વોટર વર્કસનું વીજળી બીલ જે રીતે સરકાર દ્વારા ભરપાઇ કરવામાં આવે છે. તે રીતે સ્ટ્રીટ લાઇટ વીજળી બીલની વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામપંચાયતો પોતાનાં દિવાબતી કરવેરામાંથી સ્ટ્રીટલાઇનાં માલસામાનની વ્યવસ્થા અને ગ્રામ્ય હેલ્પર પગાર ખર્ચ ભોગવી શકે છે. પરંતુ વીજળી બીલમાં પહોંચી શકાતુ નથી. જો તમામ ગામડાઓને ઝળહળતા રાખવા હોય તો સ્ટ્રીટ લાઇટ વીજળી બીલ સરકાર ભરી આપે તો સારી વ્યવસ્થા જળવાઇ રહેશે તેમ રજૂઆતો કરાયેલ.

No comments: