Sunday, January 31, 2016

ગિરનાર રોપ-વેમાં ગીધનો મુદ્દો પૂર્ણ, પર્યાવરણ બાકી

  • DivyaBhaskar News Network
  • Jan 19, 2016, 03:55 AM IST
સમગ્રસોરઠની જીવાદોરી સમો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ હવે અંતિમ મંજૂરી ભણી જઇ રહ્યાનાં સંકેતો મળી રહ્યા છે. સમગ્ર સોરઠની જીવાદોરી સમી યોજના આડે ગીધનું ગ્રહણ લાગી ગયું હતું. મુદ્દો હવે પૂર્ણ થઇ ગયો છે. અને હવે પર્યાવરણનો મુદ્દોજ બાકી રહે છે. જે પ્રક્રિયા અાગામી દોઢેક માસમાં પૂરી થઇ જશે. એવી માહિતી પોતાને કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયમાંથી આપવામાં અાવી હોવાનું જૂનાગઢનાં ધારાસભ્ય મશરૂએ જણાવ્યું હતું.

ગિરનાર રોપ-વેનું સ્વપ્ન દાયકાઓ પહેલાં રાજરત્ન શેઠશ્રી નાનજી કાળીદાસ મહેતાએ સોરઠવાસીઓનાં મનમાં રોપ્યું હતું. બાદમાં છેક 1983માં તત્કાલિન કલેક્ટર એસ. કે. નંદાએ પરિયોજનાને મૂર્તિમંત કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી હતી. જેમાં રોપ-વેમાં જાય એટલીજ જમીન રાજ્ય સરકારે વન વિભાગને અન્ય સ્થળે આપવી અંગેનો નિર્ણય સંસદિય સમિતીએ લીધો હતો. દરમ્યાન ડોળીવાળાને તેમાં રોજગારી આપવાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. અને હાઇકોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો. પૂર્વ કેન્દ્રિય પ્રવાસન મંત્રી ભાવનાબેન ચીખલીયાએ પણ તેમાં રસ લીધો હતો. અને યોજનાને આગળ ધપાવી હતી. તેમનાં હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત કરવાનાં તબક્કા સુધી પહોંચી ગયો હતો. જોકે, બાદમાં રાજ્ય સરકારે કોઇ કારણોસર સમગ્ર યોજનાને અભરાઇ પર ચઢાવી દીધી હતી. બાદમાં જોકે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનતાં તેમણે યોજના હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. દરમ્યાન વર્ષ 2007માં ગિરનારનાં જંગલને આરક્ષિત જંગલમાંથી અભયારણ્યનો દરજ્જો અપાયો હતો. આથી તેને લગતી તમામ મંજૂરીઓ કેન્દ્રિય કક્ષાએ લેવાની જરૂરિયાત ઉભી થઇ હતી. દરમ્યાન પાવાગઢ ખાતે રોપ-વેનો અકસ્માત સર્જાયો હતો. આથી તેનાં પિડીતો પૈકી કોઇએ ગીધનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. અને કેન્દ્રિય વનમંત્રાલય સમક્ષ ગિરનાર રોપ-વેને મંજૂરી આપવાની વાંધા અરજીઓ પણ આપી હતી. દરમ્યાન વર્ષ 2010માં કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશે જૂનાગઢની મુલાકાત લીધી હતી. અને બાદમાં કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડે યોજનાને શરતી મંજૂરી આપી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી સમક્ષ આખરી મંજૂરી માટે ગયો હતો. અને તેની સાઇટ વીઝીટ બાદ ઉષા બ્રેકો કંપનીએ સુપ્રીમનો હુકમ મેળવવા અરજી પણ કરી હતી.

દરમ્યાન દોઢેક માસ પહેલાં સુપ્રીમ કોર્ટે એવો હુકમ કર્યો હતો કે, ફરીથી કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડ પાસેથી વન્ય પ્રાણીઓને લગતી અને બાદમાં પર્યાવરણને લગતી મંજૂરીઓ પણ મેળવી લેવી. જેનાં અનુસંધાને કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડે પ્રોજેક્ટ પર મંજૂરીની મહોર મારી દીધી છે. આમ હવે રોપ-વે આડે પર્યાવરણનો મુદ્દો બાકી રહે છે. દોઢેક માસમાં તેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી મંજૂરી મળી જશે. અને બાદમાં ઉષા બ્રેકો કંપની કામગિરી ચાલુ કરી શકશે એમ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ જણાવ્યું હતું.

2005માં મોદીનાં હસ્તે ખાતમુહૂર્ત બાદ છેક 10 વર્ષે આખી યોજના અંતિમ મંજૂરી ભણી

કેન્દ્રિય વનમંત્રાલયે ખાતરી આપી : મશરૂ

મશરૂએએમ પણ જણાવ્યું હતું કે, પોતાને અંગેની વિગતો કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયે આપી હતી. જેના આધારે તેઓએ વિગતો જણાવી હતી.

No comments: