Sunday, January 31, 2016

વન વિભાગની મીલી ભગતથી કેટલાક તત્વોનું કારસ્તાન

DivyaBhaskar News Network
Jan 21, 2016, 06:58 AM IST

ભાડમાં રાત્રે પણ વાહનોની હડીયાપાટી

ગીરકાંઠાના વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિ મોટા પ્રમાણમાં ફુલી ફાલી છે. મીતીયાળા અભ્યારણ્યની આસપાસ પક્ષી બચાવો અભીયાનના ઓથા તળે કેટલાક શખ્સો લોકોને ગેરકાયદે સિંહ દર્શન કરાવતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. વન વિભાગ દ્વારા આવી ગેરકાયદે પ્રવૃતિ અટકાવવા કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા વધતી ચાલી છે. ગીર કાંઠાના વિસ્તારમાં તો સાવજો જંગલમાંથી પણ અહિં અવર જવર કરતા રહે છે. મીતીયાળા પંથકમાં પણ આવું જોવા મળી રહ્યુ છે. મીતીયાળા અભ્યારણ્ય તથા આસપાસના વિસ્તારમાં સાવજ સહિતના વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે તે માટે મસમોટો સ્ટાફ ખડકાયો છે. પરંતુ સ્ટાફ પૈકીના કેટલાક લોકોની મીલીભગતથી રીતે ગેરકાયદે સિંહ દર્શનના કાર્યક્રમો યોજાતા રહે છે. હાલમાં પણ વિસ્તારમાં કેટલાક શખ્સોએ પક્ષી બચાવો અભીયાનના ઓથા તળે સિંહ દર્શનની પ્રવૃતિ આરંભી છે. ખાંભા તાલુકાના ભાડ ગામે તો છેલ્લા બે-ત્રણ મહિનાથી જાણે પીળો પરવાનો હોય તેમ રેવન્યુ વિસ્તારમાં લાયન શો યોજાતા રહે છે. મીતીયાળા અભ્યારણ્યમાં સાવજોને આકર્ષવા માટે કોઇની પણ મંજુરી વગર કુટીયો (કુવો) ખોદી નખાયો છે. અહીં બહારથી આવેલા મહેમાનો રાતવાસો કરી સિંહ દર્શન કરી રહ્યા છે. નીચેના સ્ટાફથી લઇ ઉપર સુધીના સૌ કોઇ વાત જાણે છે. છતાં અકળ મૌન ધરીને બેઠા છે. ઇકો સેન્સેટીવ ઝોનનો કાયદો લાવી સરકાર ખેડૂતો અને આમ આદમીને પરેશાન કરવા માંગે છે. પરંતુ ગેરકાયદે પ્રવૃતિ કરતા તત્વો સામે કેમ પગલા નહી તેવો સવાલ લોકોમાંથી ઉઠ્યો છે.

No comments: