Sunday, January 31, 2016

જાફરાબાદના શહેર વિસ્તારમાં આ‌વી ચઢેલા સિંહે દરિયામાં ઝંપલાવ્યું.


લોકોનો ટોળા એકઠા થતા સિંહ દરિયા તરફ ભાગ્યો હતો


Bhaskar News, Rajula

Jan 04, 2016, 10:45 AM IST
લોકોનો ટોળા એકઠા થતા સિંહ દરિયા તરફ ભાગ્યો હતો
- ગામમાં હાહાકાર મચ્યો… સિંહ ઘુસ્યો… સિંહ ઘુસ્યો
- જાફરાબાદમાં દરીયામાં કુદેલા સિંહને મહા મુસીબતે બચાવાયો
- જાફરાબાદના લાઇટ હાઉસ વિસ્તારમાં સિંહ ઘુસી જતા અફડા તફડી
- ઇન્જેક્શનથી બેભાન બનાવી મેડીકલ ચેકઅપ માટે ખસેડાયો

રાજુલા: જંગલ, નદી-નાળા અને વાડી ખેતરો છોડી હવે સાવજોએ દરીયાકાંઠાની વાટ પકડી છે. આજે એક સાવજ છેક જાફરાબાદનો પુલ પાર કરી શહેરના લાઇટ હાઉસ વિસ્તારમાં ઘુસી જતા હાહાકાર મચ્યો હતો. અહિં સેંકડો લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. વન વિભાગે પણ બચાવ રાહત કામગીરી હાથ ધરતા સાવજે દરીયાના પાણીમાં ઝંપલાવી દીધુ હતું. જો કે મહા મુસીબતે આ સાવજને બેભાન બનાવી ઝબ્બે કરાયો હતો અને બાદમાં મેડીકલ ચેકઅપ માટે લઇ જવાયો હતો.

આમ તો જાફરાબાદ તાલુકામાં સાવજોની સંખ્યા ઘણી છે. પરંતુ આજે એક સાવજ છેક જાફરાબાદનો ટેટા પુલ પાર કરી શહેરના લાઇટ હાઉસ વિસ્તારમાં ઘુસી ગયો હતો. સવારના પહોરમાં જ એક સાવજ અહીં સુધી આવી ગયાની જાણ થતા લોકોના ટોળેટોળા એકઠા થવા લાગ્યા હતાં. વન વિભાગને જાણ કરવામાં આવતા અહિં વન વિભાગનો સ્ટાફ પણ રેસ્ક્યુ ટીમ સાથે દોડી આવ્યો હતો. બીજી તરફ અસાધારણ સ્થિતીમાં આવી જતા સિંહ પણ હાફળો ફાફળો બની ગયો હતો.

વન વિભાગના સ્ટાફે અહિં મહા મુસીબતે લોકોના ટોળાને દુર ખસેડ્યા હતાં. જો કે રઘવાયા બનેલા સાવજે પણ દરીયાના પાણીમાં ઝંપલાવી દેતા વનતંત્ર પણ મુસીબતમાં મુકાયુ હતું. જો કે આ સાવજ દરીયાના પાણીમાં તરતો રહ્યો હતો અને ફરી કાંઠા પર આવ્યો હતો. વન વિભાગની રેસ્ક્યુ ટીમ માટે પણ સાવજને અહિંથી પકડવો માથાના દુ:ખાવારૂપ સમસ્યા બની હતી. સ્થાનિક પોલીસની ટીમે પણ અહીં દોડી આવી બંદોબસ્ત જાળવ્યો હતો. આખરે વન વિભાગે સાવજને પકડવા માટે તેને બેહોશ બનાવવાનો નિર્ણય લેવાયો હતો અને દુરથી ઇન્જેક્શન લગાવી સાવજને બેહોશ કરી ઝબ્બે કરાયો હતો. ત્યારબાદ જ તંત્ર અને લોકોએ રાહતનો દમ લીધો હતો. અહિં સ્થાનિક આરએફઓ રાઠોડ, સ્ટાફના સારલાભાઇ, દેવાભાઇ, પંડયાભાઇ, ડોક્ટરો અને રેસ્ક્યુ ટીમ ઉપરાંત જાફરાબાદના પીએસઆઇ વાઢેળ વિગેરે ખડેપગે રહ્યા હતાં.

સવારના પહોરમાં જ પુલ પર નઝરે પડયો સિંહ-બારૈયા

જાફરાબાદના સરમણભાઇ બારૈયાએ જણાવ્યુ હતું કે મને સવારમાં છ વાગ્યે જ એક પરિચીતનો ફોન આવ્યો હતો કે પુલ પર સિંહ આવ્યો છે અને દરીયા તરફ જઇ રહ્યો છે. જેથી મે વન વિભાગને જાણ કરી હતી.

ત્રણ વખત દરીયામાં પડયો સિંહ

જાફરાબાદના લાઇટ હાઉસ વિસ્તારમાં પહોંચેલો સિંહ ભાઢોડા વિસ્તારમાં હતો ત્યારે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. જેથી સિંહને ભાગવાનો રસ્તો પણ ન હોય તેણે ત્રણ વખત દરીયાના પાણીમાં ઝંપલાવ્યુ હતું અને ત્રણ વખત બહાર નિકળ્યો હતો.

No comments: